હવે પૂર્વ કચ્છમાં ભચાઉ પાસેના મીઠાના અગરોમાંથી SMCએ એક કરોડનો દારૂ પકડ્યો, માત્ર 15 દિવસમાં SMCએ ત્રણ રેડમાં કચ્છથી 7 કરોડનો શરાબ ઝડપ્યો
SMC દરોડા બાદ પશ્ચિમની જેમ પૂર્વ કચ્છ પોલીસમાં પણ PI-PSIની બદલીઓ - લિવ રિઝર્વંનું નાટક ભજવાયું, પશ્ચિમ કચ્છ પોલીસમાં જે PSI મુન્દ્રામાં SMCની રેડ બાદ દૂર કરવાનો ડોળ કરાયો હતો તે ફરીથી ગોઠવાઈ ગયો
WND Network.Gandhidham (Kutch) : ગાંધીના ગુજરાતમાં માંગો ત્યાં શરાબ જેવી સ્થિતિ વચ્ચે રાજ્યનો સૌથી મોટો અને સરહદી જિલ્લો કચ્છ અંગ્રેજી શરાબનું એપિસેન્ટર બની રહ્યું હોય તેવી ઘટનાઓ બની રહી છે. છેલ્લા માત્ર પંદર જ દિવસમાં કચ્છના બંને પોલીસ બેડા વિસ્તારમાંથી 7 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબનો મસમોટો જથ્થો ઝડપાઇ ચુક્યો છે. રાજ્યના પોલીસ વડા DGPની નિગરાની હેઠળ કામ કરતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રવિવારે મધરાતે પૂર્વ કચ્છ ભચાઉ પાસે મીઠા અગરોમાં ઠલવાઈ રહેલા દારૂના મોટા જથ્થાને પકડી લીધો હતો. શરાબની બોટલોનો મોટો જથ્થો રિટેલ બુટલેગર પાસે જાય એટલે કે કટિંગ થઇ રહ્યો હતો ત્યારે SMCની ટીમ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. રેડ પાડવાનો અણસાર આવી જતા બુટલેગરો તો ભાગી ગયા હતા. પોલીસે 7080 જેટલી બોટલ, જેની કિંમત એક કરોડને 30 લાખ થાય છે તેને કબ્જે કરી હતી. બીજી તરફ SMCની રેડ બાદ પૂર્વ કચ્છ પોલીસ બેડામાં પણ જેમ પશ્ચિમમાં બદલી - લિવ રિઝર્વંનું નાટક ભજવાયું હતું તેવું કરવામાં આવ્યું હતું. જેમાં ભચાઉ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહીત PSI અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટરની સાથે સાથે અન્ય કર્મચારીઓને પણ 'જાહેર હિત' ના રૂપાળા બહાને બદલી નાખવામાં આવ્યા હતા.
'સરહદી કચ્છમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે' એવું કહીને ગાંધીનગર પરત ફરેલા ગુજરાતના DGP હજુ રસ્તામાં જ હતા ત્યારે બુટલેગરો દ્વારા કચ્છમાં શરાબનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. SMCને અગાઉથી મળેલી બાતમી મુજબ, ભચાઉનો લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા અને તેના સાગરીતો ભચાઉ પાસેના મીઠાના અગરોમાં માલ ઉતારાવના છે તેવી ખબર પડી હતી. એટલે SMCની ટીમ રોડ ઉપર વાહનો મૂકીને ચારેક કિલોમીટર ખેતરો ખૂંદીને મીઠાના અગરમાં પહોંચ્યા ત્યારે દારૂની બોટલોનું કટિંગ થઈ રહ્યું હતું. મોબાઈલ ફોનની લાઇટને સહારે SMCની ટીમને જોઈને બુટલેગરો ભાગી ગયા હતા.
ભચાઉના વોંધ નજીક કન્ટેનરમાં સોયાબીન આડમાં લાવવામાં આવેલો અમુક જથ્થો તો રેડ પહેલા તેના નિર્ધારિત સ્થળે પહોંચી ગયો હતો છતાં દરોડામાં એક કરોડનો વિદેશી દારૂની 7080થી વધુ બોટલને ઝડપી લેવામાં આવી હતી. પોલીસે કન્ટેનર અને વિદેશી દારૂ સહિત 1 કરોડ 30 લાખનો મુદામાલ કબજે કરીને ભચાઉના કુખ્યાત લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, અર્જુનસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા અને શિવમસિહ જાડેજા સહિત 7 શખ્સોને ભાગેડુ જાહેર કરીને તેમની વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ મહાનુભાવોને દરોડા પછી 'જાહેર હિત'માં બદલવામાં આવ્યા છે : SMCના દરોડા વચ્ચે ભચાઉના પોલીસ ઇન્સ્પેક્ટર અને PSI તથા પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના (LCB) PI સહીત સોમવારે કેટલીક બદલીઓ કરવામાં આવી હતી. જેમાં ભચાઉના PI એ.એ. જાડેજા, PSI ડી.જે. ઝાલાની લીવ રીઝર્વમાં ઉતારી દેવામાં આવ્યા હતા. SOGના PI ડી.ડી. ઝાલા અને જિલ્લા ટ્રાફિક PSI ભચાઉમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
LCBના PI એન.એન. ચુડાસમાની કંડલા મરીનમાં બદલી કરવામાં આવી હતી. અને તેમના સ્થાને આડેસરના PI જે.એમ. વાળાને મુકવામાં આવ્યા હોતા. ખડીરના PI એમ.એન. દવેની ગાગોદર મથકમાં અને ગાગોદરના ઇન્સ્પેક્ટર વી.એ. શેંગલ આડેસર પોલીસ સતહસનમાં બદલી આપવામાં આવ્યા હતા. સામખિયાળીના PI વી.કે. ગઢવીની IUCAWમાં અને લાકડીયા ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજાની આર્થિક ગુના નિવારણ સેલમાં બદલી આપવામાં આવી હતી. ગાંધીધામ એ ડિવિઝનના PI વી.પી. આહીરની લાકડીયામાં જયારે રાપરના એસ.વી. ચૌધરીની ખડીરમાં બદલી કરવામાં આવી હતી.
કંડલા મરીનના PI એ.એમ. વાળાની LIBમાં અને LIBના જે.એમ. ઝાલાની સામખિયાળીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અંજારના બી.જી. ડાંગરની SOGમાં તથા કંડલા એરપોર્ટના PI એ.જે. પરમારની AHTUમાં ટ્રાન્સફર આપી હતી. AHTUના ઇન્સ્પેક્ટર એસ.ડી. સિસોદીયાની કંડલા એરપોર્ટ PI તરીકે, ગાંધીધામ સીટી ટ્રાફિક PSI ડી.જે. પ્રજાપતિની જિલ્લા ટ્રાફિકમાં અને મહિલા પો.સ્ટે.ના PSI એમ.જે. આહીરની ગાંધીધામ 'એ' ડિવિઝનમાં બદલી કરવામાં આવી હતી.
SMC દરોડાની અસર તળે બદલીઓ કરવામાં આવી છે તેવું ન લાગે તે માટે જે લોકોને આ દરોડાથી કોઈ સંબંધ નથી તેમને પણ બદલીને શરમજનક સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેન્જ IGએ બદલી કરી અને પૂર્વમાં SP એ કરી : SMCની રેડ બાદ શરમે ધરમે કરવામાં આવતા ફેરફારમાં પણ બેવડા માપદંડ હોય તેવું લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ (કારણ કે હવે ટ્રાન્સફરનું લિસ્ટ સિક્રેટ રાખવામાં આવે છે, ખાસ કરીને પશ્ચિમ કચ્છ પોલીસમાં) પધ્ધર પોલીસ મથકની હદમાં જયારે SMC એ રેડ કરી ત્યારે બોર્ડર રેન્જ IG દ્વારા બદલી બદલીઓ કરવામાં આવી હતી. જયારે પૂર્વમાં દરોડા બાદ SP એ ટ્રાન્સફર કરી છે.
પશ્ચિમ કચ્છ પોલીસના વિવાદાસ્પદ હિતેશ જેથી ફરી મેદાન (LCB)માં આવ્યા : સામાન્ય રીતે પોલીસની સંવેદનશીલ બ્રાન્ચમાં લોકલ કર્મચારીઓને ન મુકવા તેવો શિરસ્તો રહ્યો છે. તેમ છતાં લાંબા સમયથી મૂળ ભુજના એવા કોન્સ્ટેબલમાંથી પ્રમોશન લઈને સબ ઇન્સ્પેકટર બનેલા હિતેષભાઇ જેઠી LCBમાં ઇન્ચાર્જ ઇન્સ્પેકટર તરીકે લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હતા. મુન્દ્રામાં કન્ટેનરમાં આવેલો કરોડોનો શરાબ SMCએ પકડ્યો ત્યારે અન્ય લોકોને કાં તો સસ્પેન્ડ કરવામાં આવ્યા અથવા તો બદલી નાખવામાં આવ્યા હતા. PSI હિતેશ જેઠી તે સમયે LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હતા. સસ્પેનશન અને ટ્રાન્સફરના ઓર્ડર થયા હિતેશ જેઠીની બદલી પણ નર્મદા જિલ્લામાં કરવામાં આવી હોવાની ચર્ચા ઉઠી હતી. પરંતુ CID ક્રાઇમની ફરજ દરમિયાન સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્માની તપાસ વેળાએ કાગળિયા કરનારા જેથીને છુટા કરવામાં આવ્યા ન હતા તેવી અફવા ઉઠી હતી. ખુબ ચાલાકી પૂર્વક PSI જેઠીને તેમના મૂળ પોસ્ટિંગ રિડર બ્રાન્ચમાં ગોઠવી દેવામાં આવ્યા હોવાની પણ વાતો ઉડી હતી. કારણ કે, જેઠી તો LCBના ચાર્જમાં હતા. આ વાતનો 'ચતુર' પોલીસ અધિકારીઓએ લાભ ઉઠાવ્યો હતો.
પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં પૂરતા પ્રમાણમાં કાબેલ પોલીસ ઇન્સ્પેક્ટર હોવા છતાં સબ ઇન્પેકટર લેવલના લોકલ કર્મચારીને LCB જેવી સેન્સિટિવ બ્રાન્ચમાં મુકવા પાછળ કોનો સ્વાર્થ છે તે મુદ્દો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
Web News Duniya