Bengal DGP Controversy : શા માટે ચૂંટણી પંચના રાજીવે બંગાળના ડીજીપી રાજીવને હટાવ્યા ? ગુજરાતના 'વિકાસ' અને બંગાળના 'વિવેક' વચ્ચેનું ફેમિલી કનેક્શન...
બંગાળમાં આક્રમક દેખાતું ભારતીય ચૂંટણી પંચ ગુજરાત રાજ્યમાં નરમ પડેલું કેમ દેખાય છે ? ગુજરાતમાં ખર્ચના નોડલ ઓફિસર એવા ચાર જિલ્લાના DDOની જગ્યા હજુ પણ ચાર્જ ઉપર ચાલે છે !
WND Network.Ahmedabad : જયારથી કેન્દ્રની મોદી સરકારે ચૂંટણી પંચના કમિશનરોની નિયુક્તિને લઈને સુપ્રિમ કોર્ટના નિર્ણયને બદલી નાખ્યો છે, ત્યારથી ઈલેક્શન કમિશનની કાર્યવાહીને શંકાની નજરે જોવામાં આવી રહી છે. એટલે જ સરકારના પ્રભાવથી મુક્ત માનવામાં આવતી દેશની સર્વોચ્ચ સંવૈધાનિક સંસ્થાઓ પૈકીના ભારતીય ચૂંટણી પંચની કાર્યવાહીને પણ વિપક્ષ અલગ નજરે જોઈ રહ્યો છે. ખાસ કરીને, લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ ઈલેક્શન કમિશન દ્વારા અમુક રાજયોમાં કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીઓને જે રીતે બદલવામાં આવ્યા છે તેને લઈને ખાસ્સી એવી ચર્ચાઓ થઇ રહી છે. ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે બંગાળના ડીજીપી રાજીવ કુમારને દૂર કરીને તેમના સ્થાને વિવેક સહાય નામના સિનિયર IPSને બંગાળના DGP તરીકે નિયુક્ત કરવાનો આદેશ કર્યો છે. રાજ્યમાં તટસ્થ ચૂંટણી થાય તેના ભાગરૂપે ચૂંટણી પંચે 'લેવલ પ્લેઇંગ ફિલ્ડ' સુનિશ્ચિત કરવા માટે બંગાળના ડીજીપી રાજીવ કુમારને હટાવવાનો નિર્ણય લીધો હોવાનો પંચે સત્તાવાર દાવો કર્યો છે. પશ્ચિમ બંગાળના હાલના DGPને દૂર કરવાના ચૂંટણી પંચના નિર્ણયની તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. બીજી તરફ યોગાનુયોગ કહો કે ગમે તે, પરંતુ જેમને ચૂંટણી પંચના આદેશને લીધે બંગાળના ડીજીપી બનાવવા પડ્યા છે તેમનું ગુજરાતમાં ફેમિલી કનેક્શન નીકળ્યું છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને બંગાળના નવનિયુક્ત ડીજીપી વિવેક સહાય બંને સગા ભાઈ છે.
સામાન્ય રીતે કોઈપણ રાજ્યમાં ડીજીપી અને ચીફ સેક્રેટરીની પોસ્ટ ઉપર એવા અધિકારીની નિમણુક કરવામાં આવતી હોય છે જેની સાથે સત્તા પક્ષની અનુકૂળ સ્થિતિ હોય. એટલે એ રીતે જોવા જઈએ તો બંગાળના DGP રાજીવ કુમાર અહીંના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ખાસ હતા તેમાં કોઈ બે મત નથી. બંગાળમાં ભૂતકાળમાં ચૂંટણી વખતે પણ IPS રાજીવકુમારને દૂર કરવામાં આવેલા છે. અને ચૂંટણી પછી સીએમ મમતા બેનર્જીએ ફરી તેમને ડીજીપી તરીકે નિયુકત પણ કરેલા છે. ભાજપ અને TMC રાજીકીય પ્રતિસ્પર્ધી છે, ખાસ કરીને પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ મમતા બેનર્જી વચ્ચેનો રાજકીય ઝગડો જગજાહેર છે. જાહેરમાં આ ત્રણેય નેતા એકબીજાને ટાર્ગેટ કરવાની કોઈ તક છોડતા નથી. તેવામાં બંગાળમાં કોની સહાય માટે ડીજીપીને બદલવામાં આવ્યા છે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
TMC મહાસચિવ કુણાલ ઘોષે ભાજપની ટીકા કરતા કહ્યું છે કે, 'જે લોકો (ભાજપ) ચૂંટણી પંચ સહિત તમામ સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરતા હોય અને ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં પણ દખલ કરતા હોય ત્યારે બંગાળમાં ડીજીપીની નિયુક્તિ એ ચૂંટણી પંચ પર ભાજપના નિયંત્રણનું તાજું ઉદાહરણ છે'.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ડીજીપી વિકાસ સહાયના સગા મોટાભાઈ વિવેક સહાય પશ્ચિમ બંગાળ કેડરના 1988 બેચના IPS અધિકારી છે. તેઓ અગાઉ ડાયરેક્ટર જનરલ (DG), પ્રોવિઝનિંગ અને ડાયરેક્ટર જનરલ ઓફ હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વિવેક સહાય પાસે ભૂતકાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની સુરક્ષાનો હવાલો પણ હતો. હિંદુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ, ચૂંટણી પંચે માર્ચ 2021માં સીએમ મમતા બેનર્જી પરના હુમલાને પગલે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા, જો કે ત્યારબાદ વિવેક સહાયને સુરક્ષા નિર્દેશકના પદ ઉપર ફરીથી નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર, છતાં ગુજરાતના ચાર જિલ્લામાં DDOની પોસ્ટ ચાર્જ ઉપર : ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ જિલ્લામાં DDO ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર હોય છે, છતાં ચાર જિલ્લામાં DDOની પોસ્ટિંગ બાકી છે. અને વહીવટ ચાર્જ ઉપર ચાલી રહ્યો છે. રાજ્યના અરવલ્લી જિલ્લામાં તો મહિનાઓથી જિલ્લા વિકાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી નથી. તેવી જ રીતે વલસાડ, ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લામાં DDOની પોસ્ટ ખાલી છે. જેને કારણે 'નિર્ણાયક' - 'સંવેદનશીલ' વગેરે જેવા અવનવા શબ્દોની માયાજાળ રચીને ગુજરાતના લોકોને ટેસમાં રાખતી રાજ્યની સરકાર કેટલી નિર્ણાયક છે તે આ વખતે ચૂંટણી ટાણે ખબર પડી ગઈ છે. ચૂંટણી પંચની વારંવારની લેખિત સૂચનાઓ પછી પણ રેગ્યુલર પોસ્ટીંગથી માંડીને વર્ષોથી એક જ જગ્યાએ ચીપકેલાં બાબુઓની રાજ્ય સરકારે ધરાર બદલી ન કરી. અને હવે પંચની આડમાં સરકાર પહેલાથી ઇચ્છતી હતી તેવા પોસ્ટિંગ કરી રહી છે. ખાસ કરીને ચૂંટણી દરમિયાન જે સૌથી મહત્વનો મુદ્દો હોય છે તેવા 'કાયદો અને વ્યવસ્થા' સાથે સંકળાયેલા અધિકારીઓને ન બદલીને અત્યાર સુધીના ઇતિહાસમાં જે નથી થયું તે કર્યું છે.
નોન બીજેપી રાજ્યોમાં આક્રમક ઈલેક્શન કમિશન ભાજપ સાશિત રાજ્યોમાં નરમ કેમ પડી જાય છે ? : ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી તેના બહુ પહેલાથી દેશના તમામ રાજ્યોને અધિકારીઓની નિયુક્તિ અંગેની સૂચનાઓ અપાઈ દીધી હતી. છતાં ગુજરાત રાજ્યે છેક સુધી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા, ખાસ કરીને પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર-નિયુક્તિમાં કોઈ જ કાર્યવાહી કરી નહીં. અને છેવટે પંચના નામે દસેક IPSને ચાર્જ છોડવાનું કહેવામાં આવ્યું હતું. અને હજુ તે જગ્યાએ કોઈની નિમણુંક કરવામાં આવી નથી. આવું જો કોઈ નોન બીજેપી રાજ્ય સરકારે કર્યું હોત તો જેમ બંગાળમાં ડીજીપીને બદલી નાખવામાં આવ્યા તેમ ન માત્ર ટ્રાન્સફર કરવામાં આવી હોત પણ તે રાજ્ય સરકારને ફટકાર પણ હોત.