પહેલા આદિજાતિ કુટુંબો ને તેમનો દરજ્જો અને હકની જમીન આપો પછી કરો 'વિશ્વ આદિવાસી દિવસ' ની ઉજવણી, ગુજરાતમાં હજુ પણ 85 હજાર દાવાનો નિકાલ નથી થયો !
વર્ષ 2008માં કાયદાનો અમલ કર્યા બાદ અત્યાર સુધી 1,82,869 આદિજાતિ કુટુંબો વ્યક્તિગત દાવા કરવામાં આવ્યા હતા છે જેમાંથી 97,824 દાવા મંજૂર કરવામાં આવ્યા છે
(ઉપરોક્ત તસવીર મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ દ્વારા આજે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ખાતે આયોજિત 'વિશ્વ આદિવાસી દિવસ' ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી ત્યારની છે - X @CMO Gujarat)
WND Network.Ahmedabad : આજે 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ દ્વારા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે વનબંધુ લોકોના દરજજા અને હકની જમીન આપવાના સરકાર બણગાં ફૂંકી રહી છે તે ભાજપની સરકાર હજુ પણ રાજ્યના 85 હજાર દાવાનો નિકાલ નથી કરી શકી. ગુજરાતના અંબાજીથી ઉમરગામની આદિજાતિ પટ્ટીના 14 જિલ્લાના 53 તાલુકાના 4 હજાર ગામમાં આદિજાતિ કુટુંબો રહે છે અને તેમને સરકારે શું મદદ કરી છે અને હજુ શું ખૂટે છે તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલ દ્વારા એક વિસ્તૃત ન્યૂઝ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
સિનિયર જર્નાલિસ્ટ દિલીપ પટેલ લખે છે કે, વર્ષ 2008માં કાયદાનો અમલ કર્યા બાદ અત્યાર સુધી 1,82,869 વ્યક્તિગત દાવા કરવામાં આવ્યા હતા, જેમાંથી 97,824 દાવા મંજૂર કરવામાં આવ્યા હતા. 67,246 હેક્ટર (1,66,168 એકર) જમીન વિસ્તાર મંજૂર કરવામાં આવી હતી. સરેરાશ 1.45 હેકટર જમીન આપવામાં આવી છે. જેમાં વધુમાં વધુ 4 હેક્ટર સુધીની જમીનો આપી છે. જેનો સીધો અર્થ એવો થાય કે, હજુ પણ 85 હજારથી વધુ દાવાને મંજૂરી મળી નથી.
સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવી અત્યાર સુધીમાં 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન ખેતીની આપવામાં આવી છે. વસ્તી ગણતરી 2011ના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 18,37,844 આદિજાતિ કુટુંબો જંગલમાં રહે છે.
માત્ર એટલું જ નહીં પરંતુ 60 વર્ષથી જમીન ખેડતા હોવા છતાં નામે ન કરી શકતા સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રની ચૂપકીદી આવા વનબંધુ પ્રત્યે ઉદાસીનતા સમાન બની રહી છે.
18 જુલાઈ 2020 સુધીમાં વિજય રૂપાણી સરકાર સુધીમાં 91,400 વ્યકિતગત 1,49,540 એકર જમીન આપી હતી. એનો સીધો મલતબ કે, 6,424 લોકોને 16,628 એકર જમીન ભૂપેન્દ્ર પટેલની સરકારે જમીન આપી છે.
7187 સામુદાયિક દાવાઓમાંથી 4791 દાવા મંજૂર કરીને 5,02,086 હેક્ટર જમીન આપવામાં આવી હતી. જેમાં વન્ય પેદાશો એકત્રિત કરવા, માછલા કે જળાશયોની અન્ય પેદાશ લેવા માટે તેમજ ચરિયાણ વગેરે હેતુ માટે વન જમીન તથા માળખાકીય સુવિધાઓ માટે પ્રતિ સુવિધા 1 હેક્ટરની જમીનની આપી હતી. વિજય રૂપાણીની સરકાર સુધીમાં 4,569 સામૂહિક દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.
વર્ષ 2019માં અદાલતે દેશના જંગલમાં જેમની પાસે રહેવાનો કાયદેસર પરવાનો નથી તેમને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. ગુજરાતમાં કુલ 1.30 લાખ કુટુંબોને હક્કપત્રક આપવાના થતા હતા. ગુજરાતમાં 1.83 લાખ કુટુંબો આદિવાસી છે. જેમાં માત્ર 53 હજાર કુટુંબો જ માન્ય હતા.
ગુજરાતની વડી અદાલતે તમામ દાવાઓની પુન: ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. પણ તેની ચકાસણી ભાજપ સરકારે કરી નથી. સર્વોચ્ચ અદાલતમાં રજૂ થયેલી વિગતો પ્રમાણે ગુજરાતના આદિવાસીઓ દ્વારા 1,68,899 અને OTFD દ્વારા 13,970 દાવા કરવામાં આવ્યા હતા. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવને પૂછ્યું છે કે દાવા રદ કરવાની અંતિમ તબક્કા બાદ કેટલી કાર્યવાહી થઇ છે.