Rajkot TRP Game Zone IAS Amit Arora : રાજકોટના અગ્નિકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બેદાગ, સત્ય શોધક સમિતિએ IAS અમિત અરોરા અને આનંદ પટેલનો કોઈ રોલ ન હોવાનો રિપોર્ટ આપ્યો
હાઇકોર્ટની સુચનાને પગલે ત્રણ સભ્યની સત્ય શોધક સમિતિ બનાવવામાં આવી હતી, સમિતિના મેમ્બર IAS મનીષા ચંદ્રા, IAS પી સ્વરૂપ અને IAS રાજકુમાર બેનીવાલે આપી ક્લીનચીટ
WND Network.Gandhinagar : રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈને એક ખુબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં જે જગ્યાએ આ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનનો કોઈ રોલ હતો કે નહીં તે ચકાસવા માટે હાઇકોર્ટની સૂચનાથી રચવામાં આવેલી ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિએ તેનો અહેવાલ ગુજરાતની વડી અદાલતમાં રજુ કરી દીધો છે. જેમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે, જેમના સમયગાળા દરમિયાન આ ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી હતી તે મ્યુનિસિપલ કમિશનર IAS અમિત અરોરા અને તેમજ આગ લાગી ત્યારના કમિશનર IAS આનંદ પટેલની કોઈ ભૂમિકા નથી. વર્ષ 2012ની બેચના ગુજરાત કેડરના IAS અમિત અરોરા હાલ કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે જયારે વર્ષ 2010ની બેચના ગુજરાત કેડરના IAS આનંદ પટેલની ટ્રાન્સફર બાદ રાજ્ય સરકારે હજુ સુધી તેમને કોઈ પોસ્ટિંગ આપ્યું નથી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવાવમાં આવી હતી. આ સમિતિના મેમ્બર તરીકે IAS મનીષા ચંદ્રા, IAS પી સ્વરૂપ અને IAS રાજકુમાર બેનીવાલને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમિતિએ 40થી પચાસ જેટલા લોકોનું નિવેદન લઈને તેમનો રિપોર્ટ તૈયાર કર્યો હતો કે, કોઈપણ બાંધકામને મંજૂરી આપવાની સત્તા ટાઉન પ્લાનિંગ ઓફિસરને આપવામાં આવેલી છે. ગેરકાયદે બાંધકામ તોડવાની સત્તા પણ સાત વર્ષ પહેલા કોર્પોરેશનની જનરલ બોડીની બેઠકમાં ટાઉન પ્લાનિંગ ને આપવામાં આવી હતી.
સત્ય શોધક સમિતિનો અહેવાલ હાલ તો હાઇકોર્ટમાં રજુ કરવામાં આવી ચુક્યો છે પરંતુ કોર્ટ આ મામલે શું વિચારી રહી છે તે આગામી સુનાવણી દરમિયાન ખબર પડશે.
વડોદરાના હરણી કાંડમાં બે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર માનવામાં આવેલા : રાજકોટ જેવી દુર્ઘટના વડોદરામાં બની હતી. અહીંના હરણી કાંડમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર IAS વિનોદ રાવ અને IAS એચ.એસ.પટેલને જવાબદાર માનવામાં આવ્યા હતા. રાવને ગઈકાલે જ લાંબા સમય પછી શિક્ષણ વિભાગમાંથી લાંબા સમય બાદ દૂર કરવામાં આવ્યા છે. જયારે પટેલ નિવૃત્ત થઇ ગયા છે.