Kutch : 'હું 18 લાખ બોલ્યો જ નથી' ભુજ RTOમાં બાર લાખની કાર માટે નવડાની બોલી લગાવનારનો દાવો, જાણો શું છે ઇનસાઇડ સ્ટોરી...
RTO નંબરની નવી FD સિરીઝમાં હરરાજીનો ફુગ્ગો ફૂટી ગયો, હવે નવેસરથી 'નવ' નંબર માટે ઓક્શન કરવામાં આવશે
WND Network.Bhuj (Kutch) : સોમવારે જયારે કચ્છ આરટીઓ કચેરીએ મનપસંદ નંબર માટેની હરરાજી કરી ત્યારે બાર લાખની કારના માલિકે પ્રીમિયમ '9' નંબર લેવા માટે 18 લાખની બોલી બોલ્યા ત્યારે સૌ કોઈ મોઢામાં આંગળા નાખી ગયા હતા. અને સોસીયલ મીડિયા સાઈટ કચ્છના માધ્યમોમાં પણ આ હરરાજીની ખાસ્સી એવી ચર્ચા થઈ હતી. પરંતુ ઓક્શનના ચોવીસ કલાક પણ થયા નથીને કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો છે. હવે કારનો માલિક એમ કહે છે કે, તેણે 18 લાખની બોલી લગાવી જ નથી. હકીકતમાં નવ નંબર મેળવવા માટે પૂર્વ કચ્છમાંથી એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ નવ નંબર લેવા માટે બોલી લગાવી હતી. તેમને આરટીઓ રજીસ્ટ્રેશનનો નવડો ન મળે તે માટે આ રમત રમવામાં આવી હતી. અલબત્ત તેમાં બોલી કરનારને બેઝ એમાઉન્ટના 40 હજાર ગુમાવવા પડશે તે અલગ વાત છે.
ભુજ સ્થિત આરટીઓ કચેરીમાં સોમવારે નવી FD સિરીઝમાં મનગમતા નંબર મેળવવા માટે હરરાજી કરવામાં આવી હતી. જેમાં ઓનલાઇન લોગીન કરીને જેઓને તેમના મનપસંદ નંબર લેવા હતા તેઓએ બોલી લગાવી હતી. જેમાં પ્રીમિયમ નંબર માનવામાં આવતા નંબર '9' માટે રામજી ચામરીયા નામના વ્યક્તિએ બાર લાખની તેની કાર માટે જયારે 18.45 લાખ રૂપિયાની સર્વોચ્ચ બોલી લગાવી ત્યારે સૌની આંખો પહોળી થઈ ગઈ હતી. સોસીયલ મીડિયાથી માંડીને કચ્છના માધ્યમોમાં પણ આ ન્યૂઝ ચમક્યા હતા. પરંતુ તેની ચમક ગણતરીના કલાકોમાં જ ત્યારે ખોવાઈ ગઈ જયારે બોલી લગાવનારે એવો દાવો કર્યો કે, તેમણે 18 લાખની કોઈ વાત કરી જ નથી.
સૂત્રોનું માનીએ તો, આ આખી 'રમત' પાછળ કેટલાક લોકોની મેલી મુરાદ હતી. કચ્છમાં રાપર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા જયદીપસિંહ જાડેજાએ લેન્ડ ક્રુઝર બ્રાન્ડની એક કાર લીધી છે. અને તેમણે પણ પોતાની આ કાર માટે નવ નંબર લેવા માટે આરટીઓની હરરાજીમાં બોલી કરી હતી. સૂત્રોએ એવો દાવો કર્યો છે કે, જયદીપસિંહ જાડેજાને તેમની લેન્ડ ક્રુઝર કારને નવ નંબર ન મળે તે માટે તેમના વિરોધીઓએ આ 'રમત' રમી હતી. હરરાજીમાં તેમનો બીજો નંબર હતો. જો કે, તેમાં તેમને ઓક્શન માટે ભરવા પડતી બેઝ એમાઉન્ટ ચાલીસ હજાર ગુમાવવા પડશે .
આ અંગે ઇન્ચાર્જ આરટીઓ પ્રદીપ વાઘેલાના જણાવ્યા પ્રમાણે, કોઈ વ્યક્તિ તેમના લોગીન આઈડીમાંથી જ નંબર ઓક્શનમાં ભાગ લઇ શકે છે. એટલે બોલી લગાવનાર એમ છટકી શકે નહીં. આ પ્રકારના કેસમાં જો બોલી કરનાર વ્યક્તિ હરરાજીની રકમ ન ભારે તો તેની બેઝ એમાઉન્ટ જપ્ત કરી લેવામાં આવે છે. અને ફરીથી તે નંબર માટે ઓક્શન કરવામાં આવતું હોય છે તેમ અંતમાં તેમણે ઉમેર્યું હતું.