મહિલા કર્મચારીને 'તારી આંખો શ્રીદેવી જેવી છે' કહેવું ભારે પડ્યું, કોન્ટ્રાકટ ઉપર નોકરી કરી રહેલા GAS કેડરના અધિકારીને સરકારે ઘરભેગા કરી દીધા

મહિલા Dy.SOની ફરિયાદને પગલે સરકારે કડક કાર્યવાહી કરીને છ મહિનામાં જ તાત્કાલિક કોન્ટ્રાકટ પૂરો કરી રવાના કર્યા

મહિલા કર્મચારીને 'તારી આંખો શ્રીદેવી જેવી છે' કહેવું ભારે પડ્યું, કોન્ટ્રાકટ ઉપર નોકરી કરી રહેલા GAS કેડરના અધિકારીને સરકારે ઘરભેગા કરી દીધા

WND Network.Gandhinagar : રાજ્ય સરકારે શુક્રવારે જયારે 109 સનદી અધિકારીની બદલીનો હુકમ કર્યો ત્યારે એક ઓર્ડર એવો પણ કર્યો હતો જેની સચિવાલયમાં ભારે ચર્ચા ચાલી છે. એક મહિલા કર્મચારીની ફરિયાદને પગલે સરકારે થોડા મહિના અગાઉ કોન્ટ્રાકટથી નોકરી ઉપર લીધેલા GAS કેડરના નિવૃત્ત ઓફિસરને ઘરભેગા કરી દીધા છે. લાંબા સમયથી પરેશાન મહિલા કર્મચારીને જયારે આ અધિકારીએ એવી કોમેન્ટ કરી કે, 'તારી આંખો તો શ્રી દેવી જેવી લાગે છે.' ત્યારે મહિલા સમજી ગઈ કે, હવે આ અધિકારીની ફરિયાદ કરવી જ પડશે. મામલો સચિવાલયની મહિલાઓ અંગેની સમિતિથી ચીફ મિનિસ્ટર ઓફિસ (CMO) સુધી પહોંચ્યો ત્યારે સરકારે તાત્કાલિક અસરથી ગુણવંત વાઘેલા નામના અધિકારીનો કોન્ટ્રાકટ રદ્દ કરીને તેમને રવાના કરી દીધા હતા. 

નાયબ સેક્શન ઓફિસર તરીકે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહેલા મહિલા કર્મચારી લાંબા સમયથી પરેશાન હતા. સૂત્રોનું માનીએ તો, અવાર નવાર તેમને કામના બહાના હેઠળ ચેમ્બરમાં બોલાવવામાં આવતા હતા. પરંતુ જયારે ગુણવંત વાઘેલા નામના આ રીટાયર્ડ અધિકારી ' તારી આંખો તો શ્રીદેવી જેવી છે' તેવા પ્રકારની કોમેન્ટ કરવાનું શરુ કર્યું ત્યારે મહિલા કર્મચારીએ ફરિયાદ કરવાનું નક્કી કરી લીધું હતું. નિવૃત્ત થયા પછી પણ સરકારમાં ગોઠવાઈ ગયેલા અધિકારી સામે ફરિયાદ કરવી એ નાનીસૂની વાત ન હતી. આથી મહિલાએ સચિવાલયમાં મહિલાઓ માટે બનાવેલી સમિતિ સમક્ષ વાઘેલાની ફરિયાદ કરી હતી. અને મામલો જયારે છેક CMO સુધી પહોંચ્યો ત્યારે સરકારે ગંભીરતાને પારખીને તાત્કાલિક અસરથી જી.સી.વાઘેલાનો કોન્ટ્રાકટ ટર્મિનેટ કરીને રવાના કરી દીધા હતા.  

GAS કેડરના વાઘેલાને નિવૃત્તિ બાદ IAS લેવલનું પોસ્ટિંગ મળેલું :- વર્ષ 2016માં ગેસ કેડરમાંથી સિલેક્શન ગ્રેડમાં નિવૃત્ત થયેલા ઓફિસર ગુણવંત વાઘેલાને ગુજરાતની ભાજપ સરકારે  IAS લેવલનું પોસ્ટિંગ આપીને કરાર આધારિત નોકરી ઉપર રાખ્યા હતા. રિટાયર્ડ થયાના 6 વર્ષ પછી જયારે જી.સી.વાઘેલાને સરકારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જમીન સુધારણા જેવું ટેબલ આપ્યું ત્યારે સચિવાલયમાં લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. કારણ કે તે વખતે ડામોર નામના એક ઓફિસર ઓલરેડી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા. 

ફાઈલમાં સહી કરાવવા વાઘેલા જાતે સચિવ પાસે જતા :- નિવૃત્ત વાઘેલા મોટાભાગે ગાંધીનગરમાં નોકરી કરતા હતા. તેઓ કચ્છમાં પણ અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વાતચીતમાં એકદમ સરળ સ્વભાવના વાઘેલા ફાઈલમાં સચિવની સહી લેવા માટે જાતે તેમની ચેમ્બરમાં જતા હતા.