Operation Sindoor Kutch Bhuj Airport : ઑપરેશન સિંદૂરને પગલે ગુજરાતમાં ઈન્ડો-પાક બોર્ડરની નજીક આવેલા કચ્છનું ભુજ-કંડલા એરપોર્ટ બંધ કરી દેવાયું, મુંબઈ-અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવાઈ
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં આવેલા ભુજ-કંડલા સહીત રાજકોટ અને જામનગર એરપોર્ટને અચોક્કસ મુદ્દત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું

WND Nertwork.Bhuj (kutch) : પહેલગામના નિર્દોષ ભારતીય પ્રવાસીઓ ઉપર કરવામાં આવેલા કાયર ત્રાસવાદી હુમલાના જવાબે ભારતે અપેક્ષિત સૈનિક કાર્યવાહી કરી છે. બુધવારે વહેલી સવારે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) કરીને પાકિસ્તાન તેમજ તેના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી બેઝ કેમ્પમાં એર સ્ટ્રાઇક કરી છે. ભારતના આ જવાબી એક્શનને પગલે પાકિસ્તાન દ્વારા પણ સૈનિક કાર્યવાહીની સંભવિત ગુસ્તાખીને ધ્યાનમાં રાખીને ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં આવેલા ભુજ અને કંડલા એરપોર્ટ (Bhuj Airport) ને અચોક્કસ મુદ્દત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ભુજ-કંડલાની સાથે સાથે રાજકોટ અને જામનગર એરપોર્ટને હાલ પૂરતું બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વહેલી સવારે ઇન્ડિયન એરફોર્સ (Indian Airforce) ની એક્શન પેક કાર્યવાહી બાદ સૌથી પહેલા ઉત્તર ભારતના શ્રીનગર, અમૃતસર, લેહ, ધર્મશાળા અને જમ્મુ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા હતા. ગુજરાત દરીયાઇ અને જમીની બોર્ડરથી પાકીસતાન સાથે જોડાયેલું છે. તેવામાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યના ભુજ-કંડલા સહીત રાજકોટ (Rajkot) અને જામનગર (Jamnagar Airport)હવાઈ મથકને સિવિલિયન ફ્લાઇટ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે.
ભુજ એરપોર્ટને બંધ કરી દેવાને પગલે મુંબઈથી સવારે આવતી અને જતી બે ફ્લાઇટ ઉપરાંત અમદાવાદથી આવતી તેમજ દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવામાં ભુજ એરપોર્ટના સત્તાવાર સૂત્રો દ્વારા અનુમોદન આપવામાં આવ્યું હતું.
ભુજ એરપોર્ટ માટે એરફોર્સ સ્ટેશનનો રન-વે ઉપયોગ કરવામાં આવે છે : ભુજમાં આવેલા એરપોર્ટ ઉપર આવતી જતી સિવિલિયન ફ્લાઇટ માટે ભુજ એરફોર્સ સ્ટેશનના રન - વે નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ભારતના ઓપરેશન સિંદૂરને પગલે ગુજરાત સહીત દેશના તમામ સરહદી વિસ્તારને હાઈ એલર્ટ ઉપર મુકવામાં આવ્યા છે. આવા સંજોગોમાં દુશમન દેશ પાકિસ્તાનની કોઈપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવાના ભાગ રૂપે ભુજ, રાજકોટ અને જામનગર એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.