કચ્છ : મહિલા ધારાસભ્યની છત્રછાયામાં કોંગ્રેસ-BJPના કાર્યકરોએ કરી લાખોની વીજચોરી, જાણો રુદ્રમાતા વીજચોરીની ઇનસાઇડ સ્ટોરી...
અન્ય એક રંગીલા ધારાસભ્યે વીજ ચોરીના આરોપીઓની ધરપકડ રોકાવી હોવાની ચર્ચા
WND Network.Bhuj (Kutch) :- ગુજરાતના રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ જાહેરમાં ભલે એકબીજાને ભાંડતા હોય પરંતુ રૂપિયા ખાવાની વાત આવે ત્યારે બંને સંપી જતા હોય છે. આવી જ એક ઘટના કચ્છમાં બની છે. જેમાં એક મહિલા ધારાસભ્યનાં આશીર્વાદથી કોંગ્રેસ અને ભાજપ બંનેના કાર્યકર લાખો રૂપિયાની વીજ ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે. જો કે બંને પક્ષના કાર્યકરોએ પોતાના નામને બદલે 'ભાઈ-ભતીજા' વાદનો ઉપયોગ કરીને લાખો રૂપિયાની વીજ ચોરીને અંજામ આપ્યો છે. આ વાત ત્યારે બહાર આવી જયારે ભુજ તાલુકાના રુદ્રમાતા ડેમની પાસે આવેલા વિસ્તારમાં ગેરકાયદે વીજ જોડાણ લેવા અંગેની ફરિયાદ થઇ હતી. જેમાં મજાની વાત એ પણ છે કે, એક તરફ જયાં મહિલા ધારાસભ્યના આશીર્વાદથી વીજ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો ત્યાં બીજી તરફ અન્ય એક રંગીલા સ્વભાવના ધારાસભ્યની મદદથી હજુ સુધી પોલીસ ફરિયાદમાં નામ આવેલા લોકોને પકડવામાં આવ્યા નથી. જેને પગલે કચ્છમાં કેટલી હદે પોલીટીકલ નેકસસ કામ કરે છે તે જોવા મળ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં એક નામ આવે છે વીરમ કરશનભાઇ ચાડનું. જેમણે પ્રથમ બે ગેરકાયદે કનેક્શન પછી પોતાને નામે વીજ જોડાણ લીધું હતું. વીરમ નામનો આ શખ્શ ભાજપના અગ્રણી અને DK હુલામણા નામથી જાણીતા દામજીભાઇ કરશનભાઇ ચાડનો ભાઈ છે. જે મહિલા ધારાસભ્ય માટે સુમરાસર, રુદ્રાણી વગેરે ગામની આસપાસના વિસ્તારોમાં કામ કરે છે. અને મહિલા ધારાસભ્યના કાર્યક્રમમાં જોવા પણ મળે છે. વીજ ચોરીમાં બીજુ નામ આવે છે કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા રણછોડ પાંચાભાઇ ગાગલનું. જેઓ કોંગ્રેસ તરફથી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂકેલા હરીભાઈ પાંચાભાઇ ગાગલના ભાઈ છે. આમ કોંગ્રેસ અને ભાજપ, બંને રાજકીય પક્ષના કાર્યકરોના ઘરમાંથી વીજ ચોરી કરનારા ઝડપાય છે.
સમગ્ર કૌભાંડમાં સત્તાવાર ફરિયાદ પ્રમાણે, 34 લાખની વીજ ચોરી કરવામાં આવી હોવાનું અનુમાન છે. વીજ ચોરીની અન્ય ચોરીની ઘટના કરતા આ ઘટના વિશેષ છે. કારણ કે, આમાં PGVCLના જ ટ્રાન્સ્ફોર્મરનો ઉપયોગ થયો છે. અને તે પણ તેમના અધિકારીની મદદ થી. વળી તેમાં સંડોવાયેલા લોકોને ધારાસભ્ય દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. સમગ્ર કૌભાંડમાં પોલીસે અત્યાર સુધી દસ લોકો સામે નામજોગ ફરિયાદ કરી છે. અને પોલીસ હજુ સુધી તેમની ધરપકડ કરી નથી. આ અંગે સમગ્ર મામલાની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જેઠવાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મામલો ત્રણ વર્ષથી ઓછી સજાનો છે. જેમાં ધરપકડ કરવી જરૂરી હોતી નથી. એટલે તેમણે આરોપીઓની ધરપકડ કરી નથી. કારણ જે હોય તે પરંતુ સમગ્ર મામલો કચ્છના રાજકારણમાં હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે.
ભેખધારીએ સૌથી પહેલા વહેતી ગંગામાં હાથ ધોયા :- લાખો રૂપિયાની ચકચારી ચોરીમાં રાજકીય સંડોવણી હોય ત્યારે સ્વાભાવિક છે કે સૌનું ધ્યાન આવા કૌભાંડ ઉપર હોય. વીજ ચોરીની ઘટના પ્રકાશમાં આવ્યા પછી જિલ્લા કક્ષાના એક અખબારના ગિરીશ નામના વ્યક્તિએ સમગ્ર મામલો દબાઈ જાય તે માટે છ આંકડાની રકમ લઈને પોલિટિકલ સ્કેમમાં આવેલા આરોપી લોકોના નામ લખ્યા નથી. જેને કારણે કચ્છના લોકો પણ નવાઈ પામી રહ્યા છે. અન્ય લોકો પણ આ સમગ્ર મામલો દબાઈ જાય તે માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ સોસીયલ મીડિયાના યુગમાં આવી વાતો છુપી રહેતી નથી. દર વર્ષે પોતાના જન્મ દિવસે ભેખધારી પત્રકારત્વની દુહાઈ આપતા અખબારની આ મામલામાં ભીનું સંકેલી લેવાની વર્ષો જૂની સિસ્ટમની આ સ્ટાઇલ હવે લોકોના ધ્યાનમાં આવી ગઈ છે. સમગ્ર મામલામાં મોટાભાગના લોકોએ પોતાની યથાશક્તિ મુજબ ગોઠવણ કરી છે તેથી કોઈએ અહીં બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં.
PGVCLનો ફરિયાદી અધિકારી જ આરોપી નીકળ્યો :- હિન્દી ફિલ્મના પ્લોટને પણ ટક્કર મારે એવી આ ઘટનાની શરૂઆત 13મી જૂનના રોજ થઈ હતી. જેમાં PGVCLના ઈજનેર જીગ્નેશ ચૌધરીએ ગેરકાયદે વીજ જોડાણ અને ચોરીની ફરિયાદ આપી હતી. જેમાં ઈજનેર ચૌધરીએ એવી ફરિયાદ કરી હતી કે, રુદ્રમાતા ડેમ સાઈટ ખાતે ધોરી ફીડરમાંથી વીજ ચોરોએ બે વીજ ટ્રાન્ફોર્મર લગાવીને વીજળીની ચોરી કરી રહ્યા છે. ગેરકાયદે ઉભા કરવામાં આવેલા આ બે વીજ ટ્રાન્ફોર્મરમાંથી ચોરી કરવામાં આવ્યાની વાત પોલીસના પણ ગળે ઉતરી ન હતી. છેવટે ઇન્વેસ્ટિગેશન કરતા ખબર પડી કે, ઈજનેર દ્વારા જ આ ગેરકાયદે જોડાણ આપવામાં આવ્યા હતા.