અરે સાહેબ, આ તો આપણા લોકો છે, એમનાથી પડદો શા માટે ? PM મોદીનાં રોડ શો વાળા રૂટ ઉપર ઝૂંપડા ઢાંકી દેવાયા...

લોકોને સવાયા કચ્છીના દર્શનથી વંચિત રાખવાનું તંત્રનું કૃત્ય લોકોને ખૂંચ્યું ...

અરે સાહેબ, આ તો આપણા લોકો છે, એમનાથી પડદો શા માટે ? PM મોદીનાં રોડ શો વાળા રૂટ ઉપર ઝૂંપડા ઢાંકી દેવાયા...

WND Network.Bhuj (Kutch) :- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છની મુલાકાતને લઈને ભુજના લોકોમાં અનોખો ઉમંગ અને આતુરતા જોવા મળી રહી છે. તેવામાં મોદીનો રોડ શો થવાનો છે તે રૂટ ઉપર આવતા ઝુંપડા ઢાંકી દેવામાં આવ્યા છે. કચ્છ અને કચ્છી માડુઓ પ્રત્યે વિશેષ પ્રેમ હોવાનું અનેક વખત જાહેરમાં કબૂલાત કરી ચૂકેલા મોદીને તેમના જ લોકોને જોવાથી વંચિત રાખવાનું આ કૃત્ય લોકોને ગમ્યું નથી. વિદેશથી કોઈ મહેમાન આવ્યા હોય અને આપણા લોકોને ઢાંકવા પડે એ સમજાય તેવું છે. પરંતુ આપણા પોતાના સવાયા કચ્છી એવા મોદી સાહેબના દર્શનથી સામાન્ય લોકોને વંચિત રાખવા કેટલું યોગ્ય છે ? મોદીને નજીકથી ઓળખનારા લોકો પણ માને છે કે, સાહેબ જયારે અહીંથી પસાર થશે અને તેમના પોતાના લોકોને ઢાંકેલા જોશે તો તેઓ પણ ચોક્કસ નારાજ થશે. 

આગામી રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે ભુજમાં ત્રણ કિલોમીટર લાંબો રોડ શો યોજાવાનો છે. તેના ઉત્સાહ અને તૈયારીના અતિરેકમાં અમલદારોએ જી.કે.જનરલ હોસ્પિટલ પછી ગાંધીધામ તરફ જતા રોડ ઉપર આર્મી કેમ્પની સામે આવેલા ઝુંપડાઓ ઢાંકી દીધા છે. જેને લઈને અહીંથી પસાર થતા લોકોને પણ નવાઈ લાગી રહી છે. ભૂતકાળમાં જયારે અમદાવાદમાં ચીનના રાષ્ટ્રપતિ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન આવ્યા હતા ત્યારે આ પ્રકારે સ્લમ એરિયાને ઢાંકી દેવામાં આવ્યો હતો. પણ ત્યારે વાત અલગ હતી, કારણ કે તેઓ વિદેશી મહેમાન હતા. અને તેઓ ઝુંપડા જોઈ જાય તો આપણા દેશનું ખરાબ લાગે. પરંતુ આ તો આપણા સૌના લાડકા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. તેઓ તો બધું જાણે જ છે. તો એમનાથી આવો પડદો શા માટે ? જે હોય તે, પરંતુ તંત્રની જડબેસલાક અને ઉત્કૃષ્ઠ કામગીરી વચ્ચે આપણા લોકોને જ ઢાંકી દેવાનું વહીવટી તંત્રનું આ કૃત્ય કચ્છી માડુઓને ગમ્યું નથી. 

ભગવાન પણ માફ નહીં કરે :- રોડ શો ઉપર આવેલા જે ઝુંપડાઓ ઢાંકી દેવામાં આવ્યા છે તેમાં કેટલાક ભગવાનની મૂર્તિઓ બનાવીને ગુજરાન ચલાવી રહ્યા છે. થોડા દિવસો બાદ ગણેશચતુર્થી આવી રહી છે. એટલે આ ગરીબ લોકોએ ભગવાન ગણેશની મૂર્તિ બનાવવાનું શરુ કર્યું છે. અધિકારીઓએ આ મૂર્તિઓ ઢાંકી દીધી છે. ભગવાનને પડદા પાછળ ઢાંકી દેવાનું આવું કૃત્ય પણ લોકોને ગમ્યું નથી. એકપણ દિવસની રજા લીધા વિના કલાકો સુધી લોકો માટે કામ કરનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને તો નહીં જ ગમે પણ સાથે સાથે પ્રધાન સેવક મોદીના દર્શનથી વંચિત કરવાનું કામ કદાચ ભગવાનને પણ નહીં ગમે...