ચિંતા કે પબ્લિસિટી સ્ટન્ટ ? કચ્છમાં રાપર બેઠકના ભાજપના ઉમેદવારે કોંગ્રેસના પ્રતિસ્પર્ધીને સુરક્ષા આપવા પોલીસને પત્ર લખ્યો
કોંગ્રેસના ભચુ અરેઠીયાને વિરેન્દ્રસિંહ દ્વારા ઉભી કરવામાં આવેલી છટકબારી લાગે છે
WND Network.Rapar (Kutch) : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસાર ધીમે ધીમે તેની સ્પીડ પકડી રહ્યો છે. તેવામાં રાજકીય પક્ષ અને તેમના ઉમેદવારો દ્વારા પણ એકબીજા ઉપર આક્ષેપ - પ્રતિઆક્ષેપને લીધે વિવાદ સર્જાઈ રહ્યા છે. કઈંક આવું જ કચ્છમાં પણ થઈ રહ્યું છે. કચ્છની રાપર બેઠકના ભાજપના ઉમેદવારે તેમના પ્રતિસ્પર્ધીને પોલીસ રક્ષણ આપવાનો પત્ર લખ્યો છે. જેને કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે, કે શું ખરેખર ભાજપના ઉમેદવારને તેમની ચિંતા છે કે પછી આ એક પ્રકારનો પબ્લિસિટી સ્ટન્ટ છે. કારણ કે કોંગ્રેસના ઉમેદવારને પણ એવું લાગી રહ્યું છે કે, તેમના ગુંડાઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલે લોકોની આંખો પહોળી થઇ રહી છે કે, રાપરમાં ખરેખર શું ચાલી રહ્યું છે ?
કચ્છની રાપર બેઠક ઉપર હાલના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુ અરેઠીયાને કોંગ્રેસે આ વખતે ટિકિટ આપી છે. અને પ્રચાર દરમિયાન કેટલીક જગ્યાએ તેમનો લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો હોવાના સમાચાર પણ આવી રહ્યા છે. દરમિયાન રાપર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ કચ્છના એસપીને પત્ર લખીને તેમને પોલીસ રક્ષણ આપવા માટે કહ્યું છે. સામાન્ય રીતે ઉમેદવાર પોતાના રક્ષણ માટે પોલીસમાં રજૂઆત કરતા હોય છે.
ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ કચ્છના SPને લખેલા પત્ર અંગે સમર્થન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારનો રાપર વિધાનસભા ક્ષેત્રમાં લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. એટલે હાર ભાળી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર જાતે પોતાના ઉપર હુમલાનું નાટક કરાવીને તેમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે જ તેમણે પોલીસને તેમને રક્ષણ આપવા માટે લેટર લખ્યો છે.
બીજી બાજુ કોંગ્રેસના ભચુભાઇ અરેઠીયા એ કહ્યું કે, રાપર તાલુકાના સઈ ગામે તેમના પ્રચાર - રોડ શો દરમિયાન એક દારૂ પીધેલી વ્યક્તિએ ગાળો બોલીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ અંગે પોલીસને પણ જાણ કરી દીધી છે. આમ બંને પક્ષના ઉમેદવાર એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં કચ્છની રાપર બેઠકની ચૂંટણી નેશનલ મીડિયામાં ચમકે તો નવાઈ નહીં.
Web News Duniya