પાકિસ્તાનમાં ઘુસી જઈ વિજય ધ્વજ લહેરાવનારી ઇન્ડિયન આર્મીની ગોલ્ડન કટાર ડિવિઝને તેનો 58મોં રાઇઝિંગ ડે ઉજવ્યો
હજારો ચોરસ કિલોમીટરનો એરિયાને કબજે કરીને પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું હતું
WND Network.Ahmedabad : પાકિસ્તાન સામે 65 અને 71માં લડાયેલા યુદ્ધ દરમિયાન હજારો ચોરસ કિલોમીટરનો એરિયા કબજે કરીને દુશ્મન દેશને ઘૂંટણિયે પાડી દેનારી ભારતીય સેનાની અમદાવાદ આવેલી ગોલ્ડન કટાર ડિવિઝન દવારા તેનો 58મોં રાઇઝિંગ ડે (સ્થાપના દિવસ)ની ઉજવણી કરવામાં આવી હતી. યુદ્ધ સિવાયની સ્થિતિમાં પણ ઇન્ડિયન આર્મીની સધર્ન કમાન્ડ હેઠળ આવેલી આ ડિવિઝન દ્વારા તૌક્તે ચક્રાવાત, કોવિડ-19 અને મોરબીનો પૂલ તૂટી પડવાની દુર્ઘટના દરમિયાન ઉમદા રાહતના કાર્ય કરવામાં આવ્યા હતા.
ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 01 એપ્રિલ 2023ના રોજ 58મા રાઇઝિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગોલ્ડન કટાર ડિવિઝનના અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે આવેલા યુદ્ધ સ્મારક પાર્ક ખાતે યોજાયેલા એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ દરમિયાન કમાન્ડિંગ જનરલ ઓફિસરે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પુષ્પાંજલિ આપી હતી. સેનાના અધિકારીઓએ આ દિવસને વીર અને નિવૃત્ત સૈનિકોને વંદન કરવા માટે પણ સમર્પિત કર્યો હતો જેમણે તેમની નિષ્ઠા અને બલિદાનથી આ ડિવિઝનનું જતન કર્યું છે.
ગોલ્ડન કટાર ડિવિઝનનો ઇતિહાસ વીરતાની ગાથા સમાન છે. જેમાં અજોડ સાહસથી ભરપૂર શૌર્યપૂર્ણ ઓપરેશન તેમાં સામેલ છે. પાકિસ્તાન સાથે લડવામાં આવેલા યુદ્ધ દરમિયાન આ ડિવિઝનના ભારતીય વીર સૈનિકોએ 1965માં 340 ચોરસ કિમી અને 1971 દરમિયાન 7443 ચોરસ કિમી પર કબજો કરીને દુશ્મન દેશને ઘૂંટણીએ પાડી દીધો હતું. અને તેમના આ અદ્વિતીય સાહસને પગલે ભારતે આ બંને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.
માત્ર યુદ્ધ કે બોર્ડર ઉપર જ નહીં પરંતુ ગોલ્ડન કટાર ડિવિઝન હંમેશા ગુજરાત રાજ્યમાં દેશવાસીઓને મદદ અને સહકાર પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહેલી છે. ગુજરાતમાં આવેલા તૌક્તે ચક્રાવાત, કોવિડ-19 અને મોરબીનો પૂલ તૂટી પડવાની દુર્ઘટના દરમિયાન સેનાના જવાનો દ્વારા અદભુત રાહત કાર્યો કરવામાં આવ્યા હતા. કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં પોતાનું અસ્તિત્વ ધરાવતી આ ડિવિઝને “ગ્રામ સેવા, દેશસેવા” હેઠળ ગામડાઓનું મજબૂતીકરણ કરવા અને સુરક્ષા દળો દ્વારા સરહદી ગામોને દત્તક લેવા માટેની વિવિધ કાર્યોમાં પણ તેનું યોગદાન આપ્યું છે. ગુજરાત રાજ્યમાં આવેલી શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસને ઉત્પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ડિવિઝને "પરિવર્તન વર્ષ 2023"ની થીમ સાથે પોતાને ફરીથી દેશ સેવામાં સમર્પિત કર્યું છે.