કચ્છ : 'નિશાનચૂક માફ,નહીં માફ નીચું નિશાન' માલધારી સમાજની બે દિકરીએ આર્ચરીમાં સાધ્યું નેશનલ સુધીનું તીર...

'બેટી બચાઓ-બેટી પઢાઓ' અભિયાનને સાર્થક કરતી કચ્છની બે દિકરી

કચ્છ : 'નિશાનચૂક માફ,નહીં માફ નીચું  નિશાન' માલધારી સમાજની બે દિકરીએ આર્ચરીમાં સાધ્યું નેશનલ સુધીનું તીર...

WND Network.Bhuj (Kutch) : દિકરીને જો ઉડવા માટે ખુલ્લું આકાશ અને પરિવારનો સહયોગ મળે તો તે દરેક ક્ષેત્રમાં પોતાના નામની પતાકા લહેરાવી શકે છે. આવું જ કઈંક કચ્છમાં કૃષિ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી એવા રબારી સમાજની બે દિકરી સાથે થયું છે. આ બંને દીકરીએ પરંપરા અને રૂઢીવાદની દિવાલો તોડીને આર્ચરી જેવી ઓછી પ્રચલિત પરંતુ મહેનત માંગી લેતી રમતમાં સફળ તીર સાધીને છેક નેશનલ કક્ષા સુધી પોતાનું નામ દર્જ કરાવ્યું છે. અને ભવિષ્યમાં કપરી મહેનતના બળે કોમનવેલ્થ અને ઓલિમ્પિક સુધી જવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે. તેમની આ મહેનતને જોઈને જિલ્લાના કલેક્ટર દિલીપ રાણાએ પણ તેમના 'કોફી વીથ કલેકટર' કાર્યક્રમમાં બંને દિકરીનું ખાસ સન્માન કરીને પ્રોત્સાહિત કરી હતી.

કચ્છના અંજાર તાલુકાના અજાપરની જિજ્ઞા રબારીની અને નવાગામની ચેતના રબારીએ નાનપણથી જ ગાયો-ભેંસો વચ્ચે જીવન વિતાવીને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. નાનપણથી  રમત-ગમતમાં ખુબ જ હોંશિયાર હોવાથી માધાપર ખાતે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ડિસ્ટ્રીકટ કક્ષાની સ્પોર્ટસ સ્કુલમાં એડમિશન પ્રાપ્ત થયું હતું. અને ત્યારબાદ આ બંને દિકરીને ઉડવા માટે જાણે કે ખુ્લ્લું ફલક અને મોકળું મેદાન મળી ગયું હતું. બંને દિકરીઓની કાબેલિયતને પારખીને તેમને તિરંજદાજી એટલે કે આર્ચરીમાં તાલીમ આપવામાં આવતા આજે ૧૪ વર્ષની જિજ્ઞા અને ૧૩ વર્ષની ચેતના નાનકડા ગામથી લઇને સમગ્ર ગુજરાતનું નામ દેશમાં રોશન કરી રહી છે. તેમની આ સિદ્ધિને કચ્છના કલેક્ટર દિલીપ રાણાએ તાજેતરમાં યોજાયેલા તેમના 'કોફી વીથ કલેકટર' કાર્યક્રમમાં બંને દિકરીનું ખાસ સન્માન કરીને પ્રોત્સાહિત કરી હતી.

રીકવર આર્ચરીમાં માસ્ટરી ધરાવતી જિજ્ઞા, આર્ચરી ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા આંધ્રપ્રદેશ-વિજયવાડામાં આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજયને રી-પ્રેઝન્ટ કરીને કવોલીફાઇડ કર્યું હતું. તો ધો.૮માં અભ્યાસ કરતી ચેતના રબારી કમ્પાઉનડ આર્ચરી કેટેગરીમાં નેશનલ ગેમ રમીને કવોલીફાઇડ થઇ હતી. આ બંને દિકરીઓ આજે કચ્છ અને ગુજરાતનું ગૌરવ બનીને ઉભરી રહી છે અને આર્ચરીમાં આગળ વધી રહી છે. જે દર્શાવે છે કે, દિકરીઓને માત્ર પ્રોત્સાહન આપવામાં આવે તો તે ધારે તે કરી શકે છે.

જિજ્ઞા અને ચેતનાની જેમ માધાપરની ભવ્યા ડાકીએ પણ કેવીએસ આયોજીત નેશનલ ગેમમાં પાંચકો રેન્ક મેળવીને પરિવાર અને કચ્છનું નામ રોશન કરી ચુકી છે. ભુજ કેન્દ્રીય વિદ્યાલય નં.૨ આર્મી સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતી માધાપરની ભવ્યા દિનેશ ડાકીએ હરીયાણા ખાતે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં તાજેતરમાં સમગ્ર દેશમાં પાંચમો ક્રમ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ભવ્યા જણાવે છે કે, સરકારની બેટી બચાવો, બેટી બઢાઓ અભિયાન થકી આજે રમત-ગમત ક્ષેત્રે છાત્રાઓને ખુબ પ્રોત્સાહન મળી રહ્યું છે. સરકારની પ્રોત્સાહક યોજનાઓ તથા અભ્યાસમાં કરાતી મદદના કારણે જ મારા જેવી દિકરીઓ આગળ સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બની છે. મારા માતા-પિતાના અમુલ્ય સહયોગ થકી આજે હું મોટા સપના જોઇ શકું છું. બસ મારી તમામ વાલીઓને અપીલ છે કે, તમારી દિકરીમાં જે પણ આવડત હોય તેને ઉજાગર કરવાની તક આપો. જો સરકાર દિકરીઓ માટે આટલું કરતી હોય તો માતા- પિતાએ માત્ર એક ઢાલ બનીને પોતાની વ્હાલીને જરૂર પ્રોત્સાહન આપવું જોઇએ.

જિજ્ઞાની મહેનત જોઈને પિતાએ લાખ રૂપિયાની કીટ લઇ આપી :-  કચ્છના અંજાર તાલુકાના અજાપરની જિજ્ઞા રબારીની લગન તેમજ મહેનતને જોઈને તેના માલધારી પિતાએ તેને એક લાખની કિંમતની આર્ચરી કીટ લઇ આપી હતી. પરિણામે માં-બાપના સહયોગ અને પોતાનામાં મુકવામાં આવેલા વિશ્વાસને જીજ્ઞાએ સાર્થક કરી બતાવ્યું હતું.