કન્ટેનર કાર્ગોમાં અદાણીનો વિકલ્પ મળ્યો, કંડલા પોર્ટના તુણા ટેકરા મેગા કન્ટેનર ટર્મિનલનું ટેન્ડર સાઉદીની DP વર્લ્ડ કંપનીને મળ્યું
કન્ટેનર કાર્ગોમાં ઓપશન મળતા દેશમાં વિદેશી હૂંડિયામણ સાથે નિકાશકારોને પણ મોટો ફાયદો થશે
WND Network.Bhuj (Kutch) : છેલ્લા નવેક વર્ષથી જે પ્રોજેક્ટને ભેદી સંજોગોમાં યેનકેન પ્રકારે અટકાવી દેવામાં આવ્યો હતો તેવા તુણા ટેકરાના મેગા કન્ટેનર ટર્મિનલના ટેન્ડરની પ્રક્રિયા હવે સંમ્પન્ન થઈ છે. કંડલા પોર્ટ હસ્તકના તુણા ટેકરાના મેગા કન્ટેનર ટર્મિનલનું ટેન્ડર સાઉદી અરેબિયાની ડીપી વર્લ્ડની સહયોગી કંપનીને મળ્યું છે. PMO તરફથી આપવામાં આવેલી સ્પષ્ટ સુચનાને પગલે કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગેના ટેન્ડરની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવી હતી. સાઉદી અરેબિયાની ડીપી વર્લ્ડની સહયોગી કંપની હિન્દુસ્તાન ઇન્ફ્રાલોગ પ્રા. લિ. (DP વર્લ્ડ સાથે) દ્વારા રૂ.6500 પર TEUની ઓફર કરવામાં આવતા તેમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી કન્ટેનર કાર્ગોમાં માત્ર કચ્છ જ નહીં પરંતુ પશ્ચિમી ભારતના તમામ બંદરોમાં અદાણી ગ્રુપની મોનોપોલી હતી. પરંતુ હવે હિન્દુસ્તાન ઇન્ફ્રાલોગની એન્ટ્રી થવાને પગલે કોમ્પિટિટિવ રેટ મળવાને કારણે દેશના અનેક નિકાશકારોને પણ ફાયદો થશે.
પોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી પ્રેસ નોટ મુજબ, આ પ્રોજેક્ટ કલ્પના વર્ષ 2013 માં કરવામાં આવી હતી. જે હવે સાકાર જવા થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં આશરે રૂ. 4500 કરોડનું રોકાણ સામેલ છે, જે ભારતના કોઈપણ મોટા બંદરો પર પીપીપી પ્રોજેક્ટમાં અત્યાર સુધીનું સૌથી વધુ મૂડી રોકાણ છે. આ મેગા કન્ટેઈનર ટર્મિનલ પ્રોજેક્ટ વાર્ષિક 2.19 મિલિયન TEUs ની હેન્ડલિંગ ક્ષમતા માટે પરિકલ્પિત છે, જેમાં કન્સેશનર માટે રૂ. 4243.64 કરોડ અને ઓથોરિટી માટે રૂ. 296.20 કરોડનો અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ છે. દીનદયાળ પોર્ટ જહાજો અને રસ્તાના નેવિગેશન માટે સામાન્ય મૂળભૂત માળખા, જેવા કે એક્સેસ ચેનલમાં રોકાણ કરશે. ભરતીની જરૂરિયાત માટે કોઈપણ પૂર્વ-બર્થિંગ અટકાયત વિના આ પ્રોજેક્ટ 18 મીટરના ડ્રાફ્ટ સાથે 21000 TEU સુધીના કદના કન્ટેનર જહાજોને સુવિધા પૂરી પાડશે. આ ટર્મિનલ 2026થી કાર્યાન્વિત થઈ શકે તેવી સંભાવના છે.
અદાણીના વિકલ્પની સાથે સાથે આ લાભ પણ થશે :- વ્યૂહાત્મક સ્થાનને કારણે (બધા બંદરો વચ્ચે સૌથી નજીક- મોટા કે નાના, ગીચ વસ્તીવાળા અને ઝડપથી વિકાસ પામતા ઉત્તરીય અંતરિયાળ વિસ્તારોમાં) કન્ટેનર ટર્મિનલ દેશમાં કન્ટેનર લોજિસ્ટિક્સની કિંમત ઘટાડવામાં મદદ કરશે. આ ઉપરાંત ઉંડા ડ્રાફ્ટ અને અત્યાધુનિક હેન્ડલિંગ ટેક્નોલોજી સાથે, કન્ટેનર ટર્મિનલ ઉત્પાદકતા અને બિઝનેસ કરવામાં સરળતામાં એક નવો બેન્ચમાર્ક સેટ થાય તેવી સંભાવના છે. અત્યાર સુધી કન્ટેનર કાર્ગો માટે મુન્દ્રાના અદાણી પોર્ટ સિવાય નજીકમાં કોઈ વિકલ્પ ન હતો. પરંતુ આ ટર્મિનલને લીધે કચ્છના આર્થિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે, જેમાં અનેક આનુષંગિક સેવાઓ (વેરહાઉસિંગ વગેરે) અને લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. સાથે સાથે કન્ટેનર ટર્મિનલ, DPA માટે રોયલ્ટીની કમાણી ઉપરાંત, ભારત સરકારને કરવેરા આવક (પ્રત્યક્ષ અને પરોક્ષ)નો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત પણ હશે. આ ઉપરાંત કન્ટેનર ટર્મિનલ નેશનલ હાઈવે ઓથોરિટી અને રેલ્વે તરફથી જરૂરી મોટા રોકાણો સાથે ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પણ મોટો વેગ આપશે. આનાથી કચ્છ સિવાય રાજ્યના અન્ય ભાગોના વિકાસમાં પણ મદદ મળશે.