ભાભર જૈન સાધ્વીજીની છેડતીની ઘટનામાં પોલીસે SITની રચના કરી, રક્ષાબંધનને બનેલી ઘટનામાં આરોપીઓને ઝડપી લેવા માટે એક લાખનું ઇનામ પણ છે

બનાસકાંઠા જિલ્લા પોલીસની LCB સહિતની 11 ટીમ રાત-દિવસ ટેક્નિકલ સર્વેલન્સ સહિતની કામગીરીમાં લાગેલી છે, બે આરોપીના સ્કેચ પણ બનાવાયા છતાં પરિણામ શૂન્ય

ભાભર જૈન સાધ્વીજીની છેડતીની ઘટનામાં પોલીસે SITની રચના કરી, રક્ષાબંધનને બનેલી ઘટનામાં આરોપીઓને ઝડપી લેવા માટે એક લાખનું ઇનામ પણ છે

WND Network.Bhabhar(Banaskantha) : આઠ દિવસ પહેલા રક્ષાબંધનના દિવસે બનસાકાંઠાના ભાભર (Bhabhar) માં જૈન સાધ્વીજીની છેડતીની ઘટનામાં આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે એક વિશેષ તપાસ દળ (SIT)ની રચના કરી છે. ભાભર ખાતે જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારેલા જૈન સાધ્વીજીની છેડતીની ઘટના બહાર આવતા બનાસકાંઠા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ઘટનામાં સામેલ બે આરોપીઓના સ્કેચ બનાવવા ઉપરાંત આરોપીઓને પકડનારને એક લાખનું ઇનામ જાહેર કરવામાં આવેલું છે. બનસાકાંઠાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહીત અલગ અલગ 11 ટીમ પણ ઘટનાની તપાસમાં લાગેલી છે. છતાં કોઈ પરિણામ ન દેખાતા કચ્છ બોર્ડર રેન્જ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવા માટે દિયોદરના આસિસ્ટન્ટ એસપી (ASP) ની નિગરાનીમાં એક સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને જેમ બને એમ ઝડપી આરોપીઓને દબોચી લેવાના ઓર્ડર કરવામાં આવ્યા છે.  

સાધ્વીજીની છેડતીની ઘટનાને પગલે ભાભર સહીત સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. જેને ધ્યાનમાં લઈને ઘટનાની ગંભીરતાને પારખીને બનસાકાંઠા LCB પાસેથી આ તપાસ લઈને SITને સોંપવામાં આવી છે. દિયોદર ડિવિઝનના ASP એસ.આર.માનકરની અધ્યક્ષતામાં SITમાં બનાસકાંઠા LCBના ઇન્સ્પેક્ટર વી.જી.પ્રજાપતિ ઉપરાંત સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ (SOG) બનાસકાંઠાના ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરી અને ભાભર પોલીસ મથકના મહિલા સબ ઇન્સ્પેક્ટર એન.પી.સોનારાને સામેલ કરવામાં આવ્યા છે.   

આરોપીઓને પકડી લેવા માટે તપાસ ઝડપથી થાય તે માટે બોર્ડર રેન્જના આઇજી ચિરાગ કોરડીયા (IPS Chirag Koradia) રવિવારે ભાભર પોલીસ સ્ટેશન ગયા હતા. ભાભરમાં પોલીસ અધિકારીઓ સાથેની ચર્ચા બાદ ઘટનાની તપાસ માટે એક ખાસ તપાસની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તકનીકી પુરાવાઓ મેળવવા માટે ટેક્નિકલ એક્સપર્ટ અધિકારીઓને પણ ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરીને દર સોમવારે પ્રોગ્રેસ રિપોર્ટ આપવા માટે પણ બનાસકાંઠાના SPને સૂચના પણ આપવામાં આવી છે.