Loksabha Election 2024 : માત્ર પાંચ વર્તમાન MPને કાઢી દસ ચાલુ સાંસદને ટિકિટ આપવા પાછળ મોદીની શું છે ગણતરી ? શું AAPને લીધે ભાજપે સ્ટ્રેટેજી બદલવી પડી ?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન પહેલી વખત બે સીટના EVM ઉપર પંજાનું નિશાન જોવા નહીં મળે, પાંચ લાખની લીડ સાથેની જીત ભાજપ માટે મોટો પડકાર

Loksabha Election 2024 : માત્ર પાંચ વર્તમાન MPને કાઢી દસ ચાલુ સાંસદને ટિકિટ આપવા પાછળ મોદીની શું છે ગણતરી ? શું  AAPને લીધે ભાજપે સ્ટ્રેટેજી બદલવી પડી ?

(Photo Credit : File Photo of Narendra Modi and Amit Shah, PTI)

WND Network.Ahmedabad : અન્ય રાજકીય પક્ષની સરખામણીએ ભાજપે ભારતના ચૂંટણીના ઇતિહાસમાં કદાચ પહેલી તે રીતે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેને કેટલાક લોકો સહીત ગોદી મીડિયા માસ્ટર સ્ટ્રોક ગણાવી રહ્યા છે. પરંતુ હકીકત અલગ છે. આ વખતે કોંગ્રેસના નેજા હેઠળના INDIA ના સાથી રાજકીય પક્ષ વચ્ચે થયેલી સમજૂતી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભાજપનો ગઢ માનવામાં આવતા ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. કદાચ એટલે જ પાંચ ચાલુ MPને બાદ કરતા દસ સાંસદને રિપીટ કરવા પડયા છે, જે ભાજપની સૌથી સફળ એવી 'નો રિપીટ' થિયરીના સિદ્ધાંતથી બિલકુલ અલગ છે. અને જે પંદર નામ ભાજપે તેની પહેલી યાદીમાં જાહેર કર્યા છે તેની પાછળ ચોક્કસ પ્રકારનું ગણિત કામ કરી રહ્યું છે. INDIA ગઠબંધનમાં કૉંગ્રેસ ગુજરાતની 24 બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગરની બેઠકો પર લોકસભાની ચૂંટણી લડશે. જયાં તેમને કાશ્મીરમાંથી દૂર કરવામાં આવેલી કલમ 370 અને રામમંદિરના મુદ્દાનો સામનો કરવો પડશે.  

રાજકીય નિષ્ણાંતોનું માનીએ તો ભાજપને પહેલી વખત ગુજરાતમાં AAPની એન્ટ્રીથી ખતરો દેખાઈ રહ્યો છે. કારણ કે, અત્યાર સુધી આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસના જ વોટ કાપતા હતા. ગુજરાતમાં લોકસભાની બેઠકો પર પાંચ લાખની લીડથી જીતવાનું લક્ષ્ય નક્કી કરીને ભાજપે જે 26 બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવાનું શરુ કર્યું છે તે પણ રસપ્રદ છે.  વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે 62.21 ટકા મત મેળવ્યા હતા. કૉંગ્રેસને 32.11 ટકા મત મળ્યા હતા. જેમાં ચાર બેઠકો જેમાં ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારીમાં 5 લાખથી વધુની સરસાઈ મેળવી હતી.  

પરંતુ હવે ઈન્ડિયા ગઠબંધનથી આમ આદમી પક્ષની ભાજપ પર મોટી અસર પડી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન વર્ષ 2022માં આમ આદમી પક્ષ 13 ટકા એટલે કે 41 લાખ મત લઈ ગયો હતો. જેમાં ભાવનગર અને બીજા બેઠકો પર સૌથી વધારે પ્રભાવ હતો. વિધાનસભાની ચૂંટણીમાં 3.18 કરોડ મતદારોએ તેમના મતનો પ્રયોગ કર્યો હતો. ગુજરાતમાં ભાજપ શહેરી વિસ્તારનો પક્ષ બની ગયો છે. 2022ની ચૂંટણીના મતદાનને જોઈએ તો ભાજપને શહેરોમાં 64 ટકા મત મળ્યા હતા. મતોમાં 4.47 ટકાનો વધારો થયો હતો. કૉંગ્રેસને શહેરોમાં 22.27 ટકા મત મળ્યા હતા. જે બતાવે છે કે, તેમના વોટ શેરીંગમાં 12.8 ટકાનો ઘટાડો થયો હતો. આ ચૂંટણીમાં ભાજપને 52.5 ટકા, જ્યારે કૉંગ્રેસને 27.75 ટકા મત મળ્યા હતા. જયારે 5 લાખ જેટલા મત 'નોટા'માં પડ્યા હતા.

આમ આદમી પક્ષે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં ભાજપને હરાવીને દેશનું લોકતંત્ર બચાવવા માટે કૉંગ્રેસની 24 સીટો પર આમ આદમી પક્ષ માટે દેશ બચાવવા કામ કરશે. આમ હવે ભાજપને મોટો પડકાર ઉભો થયો છે. તે ઉમેદવારોની પસંદગીમાં દેખાય છે. જેમાં કેટલીક બેઠકો પર ભાજપે થાપ ખાધી હોય તેવું રાજકીય એક્સપર્ટ માની રહ્યા છે. વર્ષ 2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસ પાટીદાર આંદોલન અને યુવા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ખોડા ઠાકોર અને જિગ્નેશ મેવાણીના બળે ફરીથી બેઠી થઈ હતી.અને ત્યારે કૉન્ગફ્રેસિસ સત્તાથી માત્ર વેંત છેટી રહી ગઈ હતી. પણ આ નેતાઓમાંથી બે કોંગ્રેસ છોડી જતાં કોંગ્રેસ ફરી રસાતળ ગઈ છે. પરંતુ આ વખતે બેઠકો ભલે કોંગ્રેસ ન લઇ જાય પણ ભાજપને મળતી બેઠકમાં ગાબડું પાડશે એ ચોક્કસ છે. 

ગુજરાતની તમામ 8 મહાનગરપાલિકાઓ અને તમામ 33 જિલ્લા પંચાયતોમાં અત્યારે ભાજપની સત્તા છે. કુલ 74 નગરપાલિકાઓ અને 196 તાલુકા પંચાયતોમાં ભાજપની સત્તા છે. કૉંગ્રેસ પાસે માત્ર એક જ નગરપાલિકા અને 18 તાલુકા પંચાયતોમાં સત્તા છે. ગ્રામ પંચાયતો, તાલુકા, જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ કાયમ મજબૂત ગણાતી હતી. ત્યાં હવે કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. 

ભાજપને રણનીતિ કેમ બદલાવી પડી ? : આમ તો ગુજરાતના તમામ 26 સાંસદને ભાજપ બદલવાના મૂડમાં હતો. પણ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પક્ષ એક બની જતાં મતોનું ધ્રુવીકરણ સર્જાયું છે. ગુજરાતના ભાજપી નેતાઓ કરતા દિલ્હીમાં બેઠેલા મોદી અને અમિત શાહ આ વાસ્તવિકતાથી બખૂબી વાકેફ છે અને એટલે જ તેમને ચાલ બદલવી પડી છે. આમ આદમી પક્ષ અને કોંગ્રેસ વચ્ચે જે ગઠબંધન થયું છે તેમાં આપના 12 ટકા મતો હવે કોંગ્રેસ તરફ ફંટાય તેવી બીક ભાજપને છે. અને સાથે સાથે સૌરાષ્ટ્રમાં બધું હેમખેમ પાર પાડવાના આશયથી કોઈને પણ પ્રથમ નજરે ગળે ન ઉતરે તેવો ફેરફાર કરવો પડ્યો છે. 

મંત્રી માંડવિયા અને રૂપાલાને કેમ ચૂંટણી લડાવી રહ્યું છે ભાજપ ? : જે પોરબંદરની બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે તે ત્રણ જિલ્લાની સાત વિધાનસભા બેઠકની બનેલી છે. પોરબંદરથી રમેશ ધડુક હારે તેમ હતા તેથી આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને ઉમેદવાર ઉભા કરાયા છે. તેઓ મૂળ ભાવનગર પાલિતાણાના છે. અહીં સારા ઉમેદવાર ન મળતાં માંડવિયાને આયાત કરવા પડ્યા છે. મનસુખ માંડવિયાને ભાવનગર કે અમરેલી બેઠક પરથી ઉમેદવાર બનાવવાના હતા. પણ આમ આદમી પક્ષે ભાવનગરમાં કોંગ્રેસ સાથે સમજૂતી કરીને ઉમેદવાર જાહેર કરતાં માંડવિયાને પોરબંદર મોકલી દેવાયા છે. મોદી ઈચ્છે છે કે માંડવિયા કોઈ સંજોગોમાં ન હારવા જોઈએ. રમેશ ધડુક સાંસદ છે. તેમને ફરીથી ઉમેવાર જાહેર ન કરતાં તેઓ મોદી અને શાહ સામે નારાજ છે તેવું પણ અહીંના કાર્યકાર્તામાં ચર્ચાઈ રહ્યું છે. 

આ ઉપરાંત મનસુખ માંડવિયાને ભાવનગરથી ટિકિટ ન આપવાનું કારણ આમ આદમી પક્ષ છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને આમ આદમી પક્ષના ધારાસભ્ય કોળી સમુદાયના ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. ભાવનગરમાં કોળી મતદારોનું કાયમ પ્રભુત્ત્વ રહ્યું છે. મનસુખ માંડવિયાને ટિકિટ આપવાનું ટાળ્યું હોવાનું કારણ તેમની હારની શક્યતા છે.  લોકસભાની આગામી ચૂંટણી માટે કૉંગ્રેસે હજુ સુધી ઇન્ડિયા ગઠબંધન હેઠળ તેના ફાળે ગુજરાતમાં આવેલી 24 બેઠકો પૈકી એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી, એટલે પોરબંદરથી તેના ઉમેદવાર કોણ હશે તે જાહેર થયું નથી.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો વિજય રૂપાણીને રાજકોટની સીટ ઉપરથી ચૂંટણી લડવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી હતી. પણ તેમના નામે ફેરફાર કરીને હવે રાજકોટ બેઠક પરથી કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કરાયા છે. તેઓ મૂળ અમરેલીના છે. ભાજપ માટે સલામત ગણાતી રાજકોટની બેઠક 2019માં ભાજપના મોહન કુંડારિયા સાડા ત્રણ લાખથી વધુ મતથી ચૂંટાયા હતા. રાજકોટથી મોહન કુંડારિયા સામે ભારે વિરોધ હતો. તેથી તેમના સ્થાને કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમની એસસી અનામત સીટ ઉપર  કિરીટ સોલંકીને હાંકી કાઢવામાં આવ્યા છે. તેમના સ્થાને ઍડવોકેટ અને ભાજપના પ્રવક્તા દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવાયા છે. અમદાવાદમાં SC સમુદાયમાં ઘણી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. જેમાં વણકર જ્ઞાતિનું પ્રભુત્વ અન્ય સમાજ કરતા શિક્ષણ અને અન્ય દ્રષ્ટિએ થોડું વધુ છે. જો કે અનામત બેઠક હોવા છતાં આ પ્રકારની રિઝર્વ બેગઠક ઉપર સામાન્ય વર્ગમાંથી આવતા મતદારોનું જ વર્ચસ્વ રહેતું હોય છે. 

બાકીની 11 બેઠકોની યાદી જાહેર કરવામાં આવી નથી તેમાં ભાજપમાં વિખવાદો છે. જેમાં મહેસાણાની બેઠક પર દાવો જતો કરવાની નીતિન પટેલને જાહેર કરવાની ફજર પાડવામાં આવી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. તેઓ હવે મહેસાણાથી ચૂંટણી નહીં લડે. આમ નીતિન કાકાએ રજની પટેલ માટે માર્ગ મોકળો કરી આપ્યો છે. 

કચ્છની વાત કરીએ તો ટિકિટ માટેની સેન્સ પ્રક્રિયા વેળાએ અનુસૂચિત જાતિના સમુદાય હેઠળ આવતા ભાજપના વીસથી વધુ અગ્રણીઓએ દાવો કર્યો હતો. પરંતુ વિનોદ ચાવડાની સરખામણીએ તેમનું કદ ટૂંકું પડ્યું હતું. ચાવડાને ત્રીજી વખત ટિકિટ આપવા પાછળ પણ અન્યને જે રીતે રિપીટ કરવામાં આવ્યા છે તે લોજીક કામ કરી રહ્યું છે. ટૂંકમાં એમ કહી શકાય કે, કચ્છમાં ભાજપમાં રહેલા દલિત નેતાઓએ વધુ મહેનત કરવી પડશે અથવા તો તેમના રોજગાર ધંધા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. યુવાન વયે સંસદ સુધી પહોંચનારા વિનોદ ચાવડા અને ભાજપ બંને જીતે તો મોદીની સરકારમાં તેમને રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા તેવી સંભાવના પણ છે.