Kutch RTO Inspector Suspend : મુન્દ્રા RTO ચેક પોસ્ટ ઉપર 'ઘેર' હાજર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ, ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
આસિસ્ટન્ટ RTO ઇન્સ્પેક્ટર ધર્મેશ બી બલદાણીયાએ ગાંધીધામના ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ પધ્ધર પોલીસ મથકે ધાક-ધમકીની ફરિયાદ નોંધાવીને ચર્ચામાં રહેલા
WND Network.Bhuj (Kutch) : કચ્છમાં ભ્ર્ષ્ટાચારથી ખદબદતા ભુજ આરટીઓમાં ફરજ બજાવતા કેટલાક અધિકારી અને કર્મચારીઓ દ્વારા ઓવરલોડ વાહનો સામે આંખ આડે કાન કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો થતી રહી છે. આ પ્રકારની ચર્ચાઓ અને વિવાદ વચ્ચે છઠ્ઠી ફેબ્રુઆરી,2024ના રોજ ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસના મહિલા અધિકારી જાતે મુન્દ્રા ખાતેના ચેક પોઇન્ટ પર ત્રાટક્યા હતા અને ફરજ પરના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ડીબી બલદાણીયા હાજર ન હોવાનું ધ્યાનમાં આવતા આ અંગેનો રિપોર્ટ કર્યો હતો. જેને પગલે બુધવારે સાંજે ભુજ RTO ઓફિસ અંતર્ગત આવતા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ધર્મેશ બી બલદાણીયા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને પગલે હજુ પણ કચ્છના RTOની સિસ્ટમમાં ગરબડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભુજ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અને મુન્દ્રા RTO ચેકપોસ્ટ ઉપર તૈનાત આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ધર્મેશ બી બલદાણીયા જયારે 19મી જાન્યુઆરીના ગાંધીધામના ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ પધ્ધર પોલીસ મથકે ધાક-ધમકીની ફરિયાદ નોંધાવી હતી ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ ઘટનામાં જ મેમો આપવા બદલ મિતુલ ગઢવી નામના વ્યક્તિએ ફોન કરીને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર બલદાણીયા ને ધાક ધમકી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. અને ત્યારથી આ વિવાદની શરૂઆત થઇ હતી.
ભુજની આરટીઓ કચેરીના સૂત્રોનું માનીએ તો, મુન્દ્રા વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનોને રૂપિયા લઈને જવા દેવા માટેનું એક લીસ્ટ ભુજના આ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર બીબી બલદાણીયા ચલાવતા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. લિસ્ટમાં હોય તે નંબરોને કોઈપણ ક્યારે હાથ દેતા નહીં આ લિસ્ટની કોપી ગાંધીનગર ખાતે આવેલા વાહન વ્યવહાર કમિશનર ઓફિસ સુધી પહોંચી હતી. જેની ખરાઈ કરવા માટે ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા મહિલા અધિકારી વિનિતા યાદવને છઠ્ઠી ફેબ્રુઆરીના મુન્દ્રા ખાતે સરપ્રાઈઝ ચેકિંગ માટે મોકલવામાં આવ્યા હતા.
વહેલી સવારે કરવામાં આવેલા મહિલા અધિકારીના આ ઓચિંતા ચેકીંગ દરમિયાન આસિસ્ટન્ટ RTO ઇન્સ્પેક્ટર ધર્મેશભાઈ હાજર દેખાયા ન હતા. અને આ દરમિયાન મહિલા અધિકારીએ ચેકપોસ્ટથી પસાર થઇ રહેલા ઓવરલોડ બે થી ચાર વાહનોને મેમો પણ ફટકાર્યા હતા. બીજા દિવસે આ સમગ્ર સરપ્રાઈઝ ચેકિંગનો રિપોર્ટ ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીએ ગાંધીનગર કચેરીને કર્યો હતો.
મુન્દ્રા ચેક પોઇન્ટ પર ફરજ હોવા છતાંય હાજર ન રહેવા બદલ તેમજ ફરજમાં બેદરકારી દાખવવા બદલ આસિસ્ટન્ટ RTO ઇન્સ્પેક્ટર ધર્મેશ બલદાણીયા ને સસ્પેન્ડ કરવાનો હુકમ ગુરુવારે સાંજે કમિશનરે કર્યો હતો. આ અંગે ઇન્ચાર્જ ભુજ આરટીઓ પી.પી. વાઘેલાનો સંપર્ક કરતા તેમણે સમર્થન આપ્યું હતું.
ભુજ આરટીઓમાં સસ્પેન્શનનો સંભવત પ્રથમ કિસ્સો : આમ તો ભુજ આરટીઓ કચેરી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલી છે. તેવામાં જયારે વિવાદાસ્પદ RTO અધિકારી વિપુલ ગામીતને ટૂંક સમયમાં જ ભુજથી બદલીને ગાંધીનગર બેસાડી દેવામાં આવ્યા ત્યારે મામલો ટોક ઓફ ઘી ટાઉન બન્યો હતો. આ ઉપરાંત ભુજમાં જ ફરજ બજાવતા ત્રણ ઇન્સ્પેક્ટરોને રૂટિન કામથી મહિનાઓ સુધી દૂર રાખવામાં આવ્યા હતા. મુન્દ્રા ચેક પોસ્ટ ખાતે ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાને પગલે વધુ એક વખત મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ભુજ આરટીઓ કચેરીમાં આ પ્રકારે ફરજ દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના છે.