મોરબીમાં લાંચ કેસ વખતે સસ્પેન્ડ થઈ ચૂકેલા ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ ફરી ફરજ મોકૂફ થયા, 'દાદા'ના ભાષણ વખતે ભુજમાં સુઈ ગયા હતા...
સરકારે સસ્પેન્ડ કર્યા કે સગવડ કરી આપી ? પહેલી તારીખથી આમ પણ જીગર પટેલ પાસેથી ભુજ પાલિકાનો ચાર્જ લઈને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા
WND Network.Bhuj (Kutch) : ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જયારે શનિવારે ભુજમાં તેમની સભા દરમિયાન એમ બોલી રહ્યા હતા કે, 'સરકારના પ્રયત્નોથી ભૂકંપમાં ભાંગી પડેલું કચ્છ ફરી બેઠું થયું છે' ત્યારે ભુજ નગર પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ સુઈ રહયા હતા. વાત સોસીયલ મીડિયામાં વહેતી થઈ એટલે રાજ્ય સરકારે તરત જ સાંજે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. મોરબીના મુખ્ય અધિકારી તરીકે લાંચ કેસમાં પકડાઈ ગયેલા ચીફ ઓફિસર જીગર પટેલને તે વેળાએ પણ સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ ફરીથી નોકરી ઉપર લઈને તેમને કચ્છમાં ગાંધીધામ અને ભુજ નગર પાલિકા પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. થોડા દિવસ અગાઉ રાજ્ય સરકાર દ્વારા તાલીમી IAS અધિકારીઓને રાજ્યની નગર પાલિકાઓમાં ચીફ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા છે. જેમાં ભુજ નગર પાલિકામાં જીગર પટેલની જગ્યાએ સુનિલ સોલંકી નામના સનદી અધિકારીને મુકવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે, જીગર પટેલને જો પહેલી તારીખ સોમવારથી રાજકોટ જવાનું જ હતું તો તેમને ખરેખર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે, સગવડ કરી આપવામાં આવી છે ?
મોરબીમાં ભાજપના એક નેતાને કોમર્શિયલ બાંધકામમાં મદદ કરવાના એક પ્રકરણમાં જીગર પટેલ લાંચ કેસમાં ઝડપાઇ ગયા હતા. અને તેમાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જીગરભાઈ જયાં પણ નોકરી કરવા ગયા છે ત્યાં હંમેશા વિવાદમાં રહ્યા છે. કચ્છના ગાંધીધામમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના 50 લાખના એક કોન્ટ્રાક્ટમાં પણ તેમનું નામ ઉછળ્યું હતું. આ સિવાય તેઓ જયારે મહેસાણા હતા ત્યારે પણ સત્તાપક્ષ ભાજપના ચૂંટાયેલા નગરસેવકોએ તેમની બદલવાની માંગ કરી હતી. સૂત્રોનું માનીએ તો, જીગર પટેલ જયાં પણ ચીફ ઓફિસર તરીકે નોકરી કરવા જતા હતા ત્યાં સુરતની એક એજન્સીને ગટર સફાઈનો કોન્ટ્રાકટ મળી જતો હતો. માત્ર મહેસાણા કે ગાંધીધામ જ નહીં પરંતુ ડીસા અને સિદ્ધપુરમાં પણ તેમની નોકરી ચર્ચામાં રહેલી છે. આમ, જીગર પટેલ સામે અનેક ફરિયાદો હતી. છતાં રાજ્ય સરકારને તે વેળાએ તેમની સામે એક્શન લેવાનું સૂઝ્યું નહીં. પરંતુ જેવા મુખ્યપ્રધાનની સભામાં જીગરભાઈ સુઈ ગયા એટલે તેમને સસ્પેન્ડ કરી દીધા. એટલે લોકો ભલે એમ કહે કે, 'દાદા'એ લાલ આંખ કરી છે. પરંતુ હકીકત કઈંક અલગ જ હોય તેવું લાગે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને લોકો લાડથી 'દાદા' તરીકે સંબોધે છે.
મારી ઓફિસમાં કોને પૂછીને રેકોર્ડિંગ કરે છે ? :- જીગર પટેલને સત્તાપક્ષ ભાજપના જ નેતાઓનું રક્ષણ મળતું રહેલું છે. એટલે જ આટલી બધી વિવાદાસ્પદ કામગીરી અને સસ્પેન્શન બાદ પણ ગાંધીધામ અને ભુજ જેવી ક્રીમ પોસ્ટિંગ મળતી રહી છે. સામાન્ય લોકો જયારે તેમની પાસે ફરિયાદ લઈને જતા હતા ત્યારે તેમની સાથેનું વર્તન પણ ખરાબ હોવાના આક્ષેપ થતા રહ્યા છે. માર્ચ,2023માં જયારે જીગર પટેલ ભુજ ચીફ ઓફીસરની ચેમ્બરમાં બેઠા હતા ત્યારે કેટલાક લોકો રજૂઆત કરવા ગયા હતા. તે વખતના વીડિયોમાં જીગર પટેલની ભાષા અને વર્તન જોતા એમ જ લાગે છે કે, તેમને સત્તાપક્ષ ભાજપના નેતાઓઓનો ચોક્કસ સપોર્ટ હશે. તો જ એક સરકારી કર્મચારી આટલી હિંમતથી બોલી શકે ને ? આ વિડીઓમાં તેઓ રજૂઆત કરનારને ચેમ્બરની બહાર નીકળી જવાની વાત કરતા દેખાય છે.