ભુજ LCBનો હપ્તાખોરીનું કલંક ભૂંસવાનો પ્રયાસ, તલવાણા ગામ પાસે દોઢ કરોડ નો અંગ્રેજી શરાબ દારૂના અડ્ડાઓએ પહોંચે એ પહેલા જ ઝડપી લીધો

મુંદરા-માંડવી રોડ પર ગેસના ટેન્કરમાં આવેલા દારૂનું ડિસ્ટ્રીબ્યુશન થાય એ પહેલા પોલીસ ત્રાટકી, મજુર માણસો પકડાયા પણ કુખ્યાત બુટલેગર પોલીસની પહોંચ બહાર

ભુજ LCBનો હપ્તાખોરીનું કલંક ભૂંસવાનો પ્રયાસ, તલવાણા ગામ પાસે દોઢ કરોડ નો અંગ્રેજી શરાબ દારૂના અડ્ડાઓએ પહોંચે એ પહેલા જ ઝડપી લીધો

WND Network.Bhuj (Kutch) : છેલ્લા કેટલાય સમયથી કચ્છમાં, ખાસ કરીને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના ગુણવત્તાસભર દરોડાઓને લીધે પોલીસની નિષ્ઠા સામે લોકો શંકાની નજરે જોઈ રહ્યા હતા. તે દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ તેના ઉપર લાગેલા હપ્તાખોરીના કલંકને ભુંસવાના પ્રયાસના ભાગરૂપે દોઢ કરોડનો શરાબનો માલ ઝડપી લીધો હતો. LCBના સબ ઇન્સ્પેક્ટર જેથી અને જાદવની ટુકડીએ મુંદરા-માંડવી રોડ પર તલવાણા ગામ પાસે દોઢ લાખનો અંગ્રેજી શરાબ દારૂના નાના અડ્ડાઓએ પહોંચે એ પહેલા જ ઝડપી લીધો હતો. જો કે તેમની આ કાર્યવાહી દરમિયાન નાના મજુર માણસો પકડાઈ ગયા હતા પરંતુ કુખ્યાત બુટલેગર તેમને મળ્યા ન હતા.  

LCBની સત્તાવાર પ્રેસનોટ મુજબ, ગેસના ટેન્કરમાં શરાબના જથ્થાને સંતાડવામાં આવ્યો હતો. તેમની ટીમને બાતમી મળી હતી એટલે તેમણે મુંદરા-માંડવી રોડ પર આવેલા તલવાણા ગામ પાસે રેડ પાડી હતી. તેમને બોર્ડર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IG) IPS ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક IPS વિકાસ સુંડાએ આવું કરવા માટે સૂચના આપી હતી. 

LCB ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર PSI એચ.આર.જેઠી અને PSI જે.બી.જાદવની ટીમના પંદરેક કર્મચારીઓ માંડવીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે જેઠી સાહેબને બાતમી મળી કે, ત્રગડી ગામના યુવરાજસિંહ જાડેજા અને અબડાસા ખાનાય ગામના જીતુભા સોઢાએ ગુજરાત બહારથી ગેસના ટેન્કરમાં ઈંગ્લીશ શરાબનો જથ્થો મંગાવ્યો છે. અને આ માલ તેઓ આજે રાતે મતલબ કે, મંગળવાર રાતે મુંદરા-માંડવી રોડ પર તલવાણા ગામ પાસે આવેલી હોટેલ ઓમ બન્ના પાસે કટિંગ કરવાના છે ( હોલસેલમાં આવેલા દારૂને અલગ અલગ પોઇન્ટ - અડ્ડા સુધી પહોંચાડવા માટે ડિસ્ટ્રીબ્યુટશન કરવાની કામગીરી ). બસ પછી તો જેઠી સાહેબની ટીમ SMC દરોડો પાડે તે પહેલા જ પહોંચી ગઈ અને બધાને પકડી લીધા હતા

ત્રીસમી જૂન પછી તવાઈ આવવાની હતી એ નક્કી જ હતું : પોલીસ ભૂલ કરે તો પણ બદનામ થાય અને સારું કામ કરે તો પણ લોકો દબાયેલા સ્વરે તેમની ટીકા કરતા હોય છે. LCB ભુજની આ એક્શન પેક ધમાકેદાર કાર્યવાહી પછી પણ આવું થઇ રહ્યું છે. સૂત્રો એ એવો દાવો કર્યો કે, SMCની રેડ બાદ ત્રીસમી જૂન પછી કચ્છમાં દારૂની પરમિશન આપવામાં આવી ન હતી. ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં લિકર પરમિટની વાત સમજાય તેવી છે પરંતુ આટલા મોટા જથ્થામાં કોણ પરમિશન આપતું હશે તે એક મોટો સવાલ છે. SMCની રેડ અને ગુજરાતના DGP વિકાસ સહાયના ઍક્સટેંશન પછી કચ્છમાં આવી કાર્યવાહી અપેક્ષિત હતી. બાકી પોલીસની નજર બહાર કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય એ વાતમાં માલ નથી.