SMC Raid In West Kutch Police effect : માનકુવા કેરા SMC રેડની અસર, પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટર પાસેથી પોલીસ સ્ટેશનનો ચાર્જ લઈ લેવામાં આવ્યો, લિવ રિઝર્વંમાં ધકેલી દેવાયા, DGP કક્ષાએ આકરા પગલાં લેવાઈ શકે છે

કરોડો રૂપિયાનો ઈંગ્લીશ દારૂ ઝડપાયા બાદ ભુજ લેવલે તેમની ક્ષમતા મુજબ કાર્યવાહી કરવામાં આવી, આગામી દિવસોમાં DGP દ્વારા મોટી કાર્યવાહી થઈ શકે છે

SMC Raid In West Kutch Police effect : માનકુવા કેરા SMC રેડની અસર, પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટર પાસેથી પોલીસ સ્ટેશનનો ચાર્જ લઈ લેવામાં આવ્યો, લિવ રિઝર્વંમાં ધકેલી દેવાયા, DGP કક્ષાએ આકરા પગલાં લેવાઈ શકે છે

WND Network.Bhuj (Kutch) : રાજ્યના પોલીસ વડા DGPના સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell - SMC) દ્વારા રવિવારે સવારે ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1.28 કરોડનો માતબર જથ્થો ઝડપી લીધા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને એક સબ ઈન્સ્પેક્ટર પાસેથી ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે અને તેમને લીવ રિઝર્વમાં ધકેલી દેવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ બાદ આ પ્રકારનું પગલું લોકલ લેવલે અપેક્ષિત હતું. પરંતુ સૂત્રોનું માનીએ તો, આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ ભવનથી DGP દ્વારા હજુ પણ આકરા પગલા લેવામાં આવી શકે છે. 

રવિવારે વહેલી સવારે DGP IPS Vikas Sahayના તાબા હેઠળ કામ કરતા સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell - SMC)ની ટીમ દ્વારા 1.28 કરોડનો માતબર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવાની ઘટના બાદ ભુજના SPને કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. એટલે હાલ પૂરતા માનકુવા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસ.એમ.રાણા તેમજ એચ.એચ. બ્રહ્મભટ નામના એક સબ ઇન્સ્પેક્ટરને લિવ રિઝર્વમાં ઉતારી દેવામાં આવ્યા છે અને તેમને પોલીસ મુખ્ય મથકને હવાલે ધકેલી દેવામાં આવ્યા છે. માનકુવા પોલીસ સ્ટેશનનો ચાર્જ પાયલ ગોટી વાળા વિવાદાસ્પદ ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલને આપવામાં આવ્યો છે. આ વાત ને પશ્ચિમ કચ્છ પોલીસના ભુજના કંટ્રોલ રૂમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય (DGP IPS Vikas Sahay)ના તાબા હેઠળ આવતા સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell - SMC) દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસના વિસ્તારમાં એક માસમાં બીજી રેડ કરવામાં આવી હતી. માંડવી તાલુકાના ત્રગડી ગામના ક્વોલિટી કેસ બાદ SMCની ટીમ દ્વારા આ વખતે રવિવારે વહેલી સવારે માનકુવા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા કેરા પાસે શરાબનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો. શરાબનું કટિંગ એટલે કે ડીટ્રીબ્યુશન થઈ રહ્યું હતું ત્યારે જ SMCની ટુકડી ત્રાટકી હતી. રેડ દરમિયાન 800 પેટી શરાબના માલ સાથે 13 મજુર અને બુટલેગર અનોપસિંહના ચાર માણસને પણ દબોચી લેવામાં આવ્યા હતા. અલબત્ત બુટલેગર અનોપસિંહ હાથ લાગ્યો નથી. SMCની કાર્યવાહીને પગલે કડક અને પ્રામાણિક માનવામાં આવતી પશ્ચિમ કચ્છની પ્રામાણિક પોલીસનો પર્દાફાશ થયો છે. એટલે દેખાવ પૂરતી પણ કાર્યવાહી કરવી પોલીસની મજબૂરી હતી. 

મોરબીમાં પણ રાણા SMCની કાર્યવાહીને પગલે સસ્પેન્ડ થઈ ચુક્યા છે : સૂત્રોનું માનીએ તો અગાઉ મોરબી જિલ્લામાં ફરજ બજાવતી વેળાએ જયારે SMC દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે હાલના માનકુવાના પોલીસ ઇન્સ્પેક્ટર રાણા ત્યારે ત્યાં સબ ઇન્સ્પેક્ટર હતા અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેનશનને લીધે રાણાનું પ્રમોશન પણ મોડું આવ્યું હતું. 

DGP સસ્પેન્ડ કરવા સહિતની આકરી કાર્યવાહી કરી શકે છે : સૂત્રોનું માનીએ તો પશ્ચિમ કચ્છ પોલીસમાં ચાલતી પોલીસની લાલિયાવાડી અંગે રાજ્યના પોલીસ વડા IPS વિકાસ સહાય કાર્યવાહી કરવાના આકરા મૂડમાં છે. જેનો સંકેત SMC દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં કરવામાં આવી રહેલી કાર્યવાહી છે. સંભવ છે કે, આગામી સમયમાં માનકુવા પોલીસના ઇન્સ્પેક્ટર રાણા સહીત ઘણા લોકો સામે DGP સહાય આકરી કાર્યવાહી કરી શકે છે. 

વિકાસને વિકાસનું તેડું ? : પોલીસ સૂત્રોનું માનીએ તો ગુજરાત સરકાર અને DGP વિકાસ સહાય પશ્ચિમ કચ્છ પોલીસમાંથી ઝડપાયેલા કરોડો રૂપિયાના શરાબના જથ્થાને મુદ્દે નારાજ છે. DGP લેવલે જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવે તે પહેલા પશ્ચિમ કચ્છ પોલીસના વડા SP વિકાસ સુંડાને ગાંધીનગરનું તેડું આવ્યું છે. અલબત્ત આ અંગેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.