Kutch Betel Nut Extortion Scam : સોપારી તોડકાંડના મુખ્ય આરોપી પંકજ ઠક્કરને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા, શું હવે સોપારી તોડકાંડ સમેટાઈ જશે ?

પંકજ ઠક્કર દ્વારા બોગસ દસ્તાવેજ બનાવીને સોપારીની દાણચોરી કરેલી અને તોડકાંડને અંજામ આપ્યો હતો

Kutch Betel Nut Extortion Scam : સોપારી તોડકાંડના મુખ્ય આરોપી પંકજ ઠક્કરને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા, શું હવે સોપારી તોડકાંડ સમેટાઈ જશે ?

WND Network.Ahmedabad : કચ્છ પોલીસની આબરૂને બટ્ટો લગાડતા કરોડો રૂપિયાના ચકચારી સોપારી-તોડ કાંડમાં અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓ ધીમે ધીમે જામીન ઉપર જેલ મુક્ત થઇ રહ્યા છે.  આ કેસમાં હવે આજે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં બોગસ દસ્તાવેજ બનાવીને સોપારીની દાણચોરી કરનારા મુખ્ય આરોપી એવા દાણચોર પંકજ ઠક્કરને જામીન મળી ગયા છે. અગાઉ આ કેસમાં સંડોવાયેલા મોટાભાગના આરોપીઓ જેલની બહાર  છે ત્યારે મુખ્ય પાત્ર એવા પંકજને જામીન મળી જતા સમગ્ર મામલો પૂર્ણતા ભણી જઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ભુજની કોર્ટમાં જમીન ન મળવાને કારણે ઉપરોકત બંને આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. અલબત્ત કિરીટસિંહ ઝાલાની સરખામણીએ પંકજ ઠક્કર માટે જામીન મેળવાનો રસ્તો થોડો અઘરો હતો, કારણ કે અખરોટ તેમજ કાળા મરી તેમજ સોપારીના દાણચોરીના લુધિયાણા DRI કેસમાં તે જમીન મુક્ત થયેલો છે. પરંતુ અવાર-નવાર જામીનની શરતોનું ઉલ્લંઘન કરવાને કારણે તેની બેઇલ એપ્લિકેશન રદ્દ કરવા માટેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં લુધિયાણા DRI દ્વારા કરવામાં આવેલી છે. છતાં તેને જામીન મળી ગયા હતા જયારે કિરીટસિંહને જામીન મળ્યા ન હતા. 

ભુજની કોર્ટમાંથી જમીન અરજી રિજેક્ટ થયા બાદ જયારે પંકજ ઠક્કર અને પોલીસ કર્મચારી કિરીટસિંહ ઝાલાએ હાઇકોર્ટનો રૂખ કર્યો કર્યો હતો ત્યારે જ ચર્ચાઈ રહ્યું હતું કે હવે સમગ્ર કૌભાંડમાં હવે કાંઈ થવું નથી. અને થયું પણ એવું જ છે. બધા પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા છે. પ્રારંભથી જ જેમાં કોઈ મોટી ગરબડ હોવાની ચર્ચાઓ થઇ રહી છે તેવા આ સોપારી કાંડમાં દુબઈથી વાયરલ થયેલી અસંખ્ય ઓડિયો કલીપમા પોલીસ ઓફિસર સહિતના નામજોગ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જ નક્કી થઇ ગયું હતું કે, કાં આ પ્રકરણમાં ભીનું સંકેલાઇ જશે અથવા તો ફરિયાદ થશે. કારણ કે, કરોડો રૂપિયાના તોડકાંડમાં કોન્સ્ટેબલથી લઈને IPSથી અને કચ્છ ભાજપના એક યુવા નેતાનું કનેક્શનની વાતો ચર્ચાઈ રહી હતી. આ યુવા નેતાના નામ સાથે પણ કેટલીક ઓડિયો કલીપ વાયરલ થઇ હતી. 

પ્રકરણ દબાવી દેવા માટે પોલીસના વચેટિયાઓથી માંડીને પોલીસ ઇન્સ્પેક્ટર- પીએસઆઇ અને IPS ઓફિસર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ જયારે તોડના રૂપિયા પાછા આપવાની વાત થતી હતી ત્યારે મંત્રણાઓ ભાંગી પડતી હતી. અને છેવટે ઓડિયો ક્લિપને ડાબી દેવા માટે જે અરજીમાં પોલીસે મહિનાઓ સુધી કાંઈ ન કર્યું તેમાં લાંચ રૂશ્વતના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. 

કચ્છની ઝાંબાઝ પોલીસે પંકજ અને અનિલ પંડિત સામે લાંચ આપવાનો કેસ કેમ ન કર્યો ? : શરૂઆતથી સોપારી-તોડ કાંડમાં કચ્છ પોલીસના અમુક ભ્રષ્ટ અધિકારીઓને ભૂમિકાને લઈને સવાલો થઇ રહ્યા છે. ત્યારે સોપારીની ટ્રકો છોડાવવા માટે પાંચ કરોડની લાંચ આપનારા દાણચોર પંકજ ઠક્કર અને તેના સાગરીત અનિલ પંડિત એન્ડ કંપની સામે ACBના કાયદા તળે લાંચ આપવા અંગેનો કેસ કેમ નથી કર્યો તે મુદ્દો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, લાંચ રુશ્વત અંગેના કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે, જેમ લાંચ લેવી ગુન્હો છે તેમ લાંચ આપવી પણ ગુન્હો છે. અને આ કેસમાં તો પંકજ અને અનિલ બંને શરૂઆતથી કહી રહ્યા છે કે તેમણે સોપારી છોડાવવા માટે બોર્ડર રેન્જ IGના તાબા હેઠળ આવતા સાયબર ક્રાઇમના ચાર પોલીસ કર્મચારીને કરોડો રૂપિયાની તોડ સ્વરૂપે લાંચ આપી છે. આમ પોલીસની બેવડા માપદંડ વાળી કામગીરીને લઈને પણ આમાં અલગથી કોઈ મોટો તોડ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

કોણ અંદર છે, કોણ બહાર આવ્યું અને કોણ હજુ ફરાર છે ? : કચ્છની સોપારીની દાણચોરીની આ ચર્ચાસ્પદ ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સંડોવાયેલા હોવાની વાત પછી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કુલ બે કેસ કરવામાં આવેલા છે. જેમાં એક કેસ ACBની જોગવાઈ હેઠળ કરવામાં આવેલો છે. જેમાં ચાર પોલીસ કર્મચારી સહીત બે અન્ય આરોપીઓ છે. આ છ આરોપી તેમજ પાછળથી પકડાયેલા એક સહીત કુલ સાત આરોપીઓ પૈકી હવે એક પોલીસ કર્ચચારી એવા આરોપી જેલમાં છે. જયારે મહિનાઓથી ફરાર એવા બે પોલીસ કર્મચારી રણવીરસિંહ ઝાલા અને ભરત ગઢવી ને કચ્છની ઝાંબાઝ પોલીસ કે તેમની રચવામાં આવેલી સ્પેશ્યિલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) હજુ સુધી પકડી શકી નથી. અન્ય એક કેસ જેમાં બોગસ દસ્તાવેજ બનાવીને દાણચોરી કરવાના કેસમાં પંકજ અને અનિલ સહીત અન્ય આરોપીઓ જેલમાં હતા. જેમાંથી હવે અનિલ અને પંકજ જેલ મુક્ત થઇ ગયા છે.