Kutch : હવે આવો ત્યારે અપહરણ થયેલી સગીરા અને આરોપીને લઈને આવજો કાં તમારા SP ને કહેજો કે કોર્ટમાં હાજર રહે ! મુન્દ્રા પોલીસને હાઇકોર્ટની ફરી ફટકાર

હાઇકોર્ટની કડક તાકીદ છતાં પોલીસ અધિકારી દાદ નથી દેતા, જો પોલીસ હાઇકોર્ટને ગાંઠતી ન હોય તો કલ્પના કરો કે, સામાન્ય લોકોનું શું થતું હશે ? હેબિયસ કોર્પ્સ રિટ ની સુનાવણી ટાણે વધુ એક વખત પોલીસની પોલ ખુલી

Kutch : હવે આવો ત્યારે અપહરણ થયેલી સગીરા અને આરોપીને લઈને આવજો કાં તમારા SP ને કહેજો કે કોર્ટમાં હાજર રહે ! મુન્દ્રા પોલીસને હાઇકોર્ટની ફરી ફટકાર

WND Network.Mundra/Ahmedabad : સુપ્રિમ કોર્ટથી લઈને નીચલી અદાલતોમાં વારંવાર તાકીદ કરવા છતાં જાડી ચામડીની પોલીસને કોઈ અસર ન થતી હોવાના અનેક દાખલાઓ વચ્ચે વધુ આવી એક ઘટના સામે આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આકરી ટિપ્પણી અને તાકીદ કરવા છતાં કચ્છની મુન્દ્રા પોલીસ ઉપર તેની કોઈ જ અસર થતી નથી. વીસ દિવસ પહેલા જ 18મી ઓગસ્ટના રોજ મુન્દ્રા ભુજપુરની લઘુમતી સમુદાયની સગીરા અપહરણ કેસમાં કચ્છ પોલીસને ગુજરાત કોર્ટે ફટકાર લગાવીને SP ને જાતે અંગત રસ લઈને કેસની તપાસ કરવાની તાકીદ કરવામાં આવી હતી. છતાં આજે સોમવારે મુન્દ્રા પોલીસ અપહરણ થયેલી સગીરા અને આરોપીને પકડ્યા વિના એ જ જુના કાગળિયા લઈને કોર્ટમાં હાજર ત્યારે વધુ એક વખત તેને ફટકાર લગાવામાં આવી  હતી. આ વખતે તો કોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, આગામી મુદ્દત દરમિયાન અપહરણ થયેલી સગીરા અને આરોપીને લઈને આવજો અન્યથા તમારા SP ને કહી દેજો કે કોર્ટ સમક્ષ હાજર થઈ જાય. કચ્છના મુન્દ્રા તાલુકાની સગીરાને શોધવાને બદલે પોલીસે સમગ્ર મામલામાં તપાસ બંધ કરી દેવા માટે 'A' સમરી રિપોર્ટ ભરવાની હરકત બાદ સગીરાના નાના દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પ્સ રિટ કરવામાં આવી હતી. જેમાં પોલીસની પોલ ખુલી જતા કોર્ટ છેલ્લી બે મુદતથી તેને શાબ્દિક જાબખા મારી રહી છે. પરંતુ SP અને મુન્દ્રા પોલીસને તેની લેશમાત્ર અસર નથી થઇ રહી.  

વીસ દિવસ પહેલા 18મી ઓગસ્ટના રોજ ગુજરાત હાઇકોર્ટે સગીરાના અપહરણ બાદ તેના નાનાએ કરેલી રિટના સંદર્ભમાં મુન્દ્રા પોલીસને યોગ્ય તપાસ કરીને આગામી મુદતમાં એટલે કે, આજે સોમવારે બીજી સપ્ટેમ્બરના રોજ રહેવાનું કહ્યું હતું. પરંતુ હાઇકોર્ટને પણ જાણે કે, પોલીસ ઘોળીને પી ગઈ હોય તેમ આજે પણ એજ જ જુના કાગળિયા લઈને કોર્ટમાં હાજર રહી હતી. જેને હાઇકોર્ટ દ્વારા ગંભીરતાથી લઈને હુકમ કર્યો હતો કે, આવતી મુદતે સગીરા, આરોપીને લઈને એક અઠવાડિયામાં આવતા મંગળવારે દસમી સપ્ટેમ્બરના રોજ હાજર રહેજો. અને જો આવું ન થઈ શકે તો તમારા SP ને કોર્ટમાં હાજર થઈ માટેની સમજ આપજો.

સગીરાના નાના તરફથી કરવામાં આવેલી ફરિયાદની વિગતો આપતા તેમના એડવોકેટ અમન સમાએ જણાવ્યું હતું કે, 16મી નવેમ્બર,2023ના રોજ પશ્ચિમ કચ્છ પોલીસના તાબા હેઠળના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સગીરાના નાના એ ફરિયાદ કરી હતી. જેમાં ભુજપુર ગામના કાના પ્રકાશભાઈ ભાટ ઉર્ફે બારોટ નામના યુવક સહીત તેના માં-બાપ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પોલીસે થોડા સમય સુધી તપાસનું નાટક કર્યું અને ત્યારબાદ કેસમાં આગળ વધુ તપાસની જરુરુ નથી તેમ જાતે જાતે માની લઈને કેસ સમાપ્ત કરી દેવા માટેની કાયદાકીય પ્રકિયા સંદર્ભે ભુજના ડેપ્યુટી SP સમક્ષ રજૂઆત કરી હતી.

જે લોકો કોર્ટને ગાંઠતા નથી એ મીડિયાને જવાબ આપે ? : એવું માનવામાં આવતું હોય છે કે, જાડી ચામડીના લોકોને ગમે એટલું કહેવામાં આવે તો પણ તેમને કોઈ અસર થતી નથી. જે પોલીસ હાઇકોર્ટને ગણકારતી ન હોય તે મીડિયાને જવાબ આપે ખરી ? છતાં 'વેબ ન્યૂઝ દુનિયા' મુન્દ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાકેશ જે ઠુમ્મરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોતે હાલમાં રજામાં છે એટલે આ કેસની કાંઈ ખબર નથી તેવું PI ઠુમ્મરે જણાવ્યું હતું. ત્યારબાદ હાઇકોર્ટે જેમને આવતી મુદ્દતે હાજર રહેવાની તાકીદ કરી છે તે પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસપી IPS સાગર બાગમારેનો સંપર્ક કરીને કેસ અંગેની લેટેસ્ટ હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પહેલી વખત ફોન રિસીવ કરીને એસપી સાગરે કહ્યં કે, 'તેઓ સમગ્ર મામલે અજ્ઞાન છે, તપાસ કરીને કહું છું.' પરંતુ અમુક સમય પછી બીજી વખત ફોન કરવામાં આવ્યો તો એસપી 'નો રીપ્લાય' રહ્યા હતા. હવે તમે કલ્પના કરો કે, જે લોકો હાઇકોર્ટને પણ ગાંઠતા ન હોય તે લોકો સામાન્ય વ્યક્તિઓની કેવી દશા કરતા હશે ? 

'તપાસથી ભાગવા માટે 'A' સમરી રિપોર્ટનો આઈડિયા બહુ સારો છે' : પશ્ચિમ કચ્છ પોલીસની કાર્યવાહીને જોઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઘણી આકરી ટીકા કરવામાં આવી રહી છે. જેમાં ગઈ મુદ્દત દરમિયાન કોર્ટે કરેલી ટિપ્પણી બહુ આકરી હતી. જેમાં કોર્ટે 'A' સમરી રિપોર્ટ ફાઈલ કરવાના કૃત્યને બહુ ગંભીરતાથી લઈને ટિપ્પણી કરી હતી કે, 'તપાસથી ભાગવા માટે પોલીસ દ્વારા 'A' સમરી રિપોર્ટ ભરી દેવાનો આઈડિયા બહુ સારો છે.' 

( લઘુમતી સમુદાયમાંથી આવતી સગીરાને ભગાડી જવાના કેસની સમગ્ર વિગતો જાણવા માટે વેબ ન્યૂઝ દુનિયા દ્વારા અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલો ન્યૂઝ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો https://webnewsduniya.com/Gujarat-High-Court-On-Kutch-Mundra-Police-In-Habeas-Corpus-Writ-12082024