ગુજરાત રાજ્યના છ જિલ્લા કલેક્ટરને ભારતના રાષ્ટ્રપતિએ દિલ્હી ખાતે વર્ષ 2023ના 'ભૂમિ સન્માન' એવોર્ડથી સન્માનિત કર્યા, જાણો શા માટે આ એવોર્ડ આપવામાં આવે છે...

લેન્ડ રેકોર્ડ ડિજિટાઇઝેશનથી જમીન સંબંધિત અનૈતિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર પણ અંકુશ આવશે

ગુજરાત રાજ્યના છ જિલ્લા કલેક્ટરને ભારતના રાષ્ટ્રપતિએ દિલ્હી ખાતે વર્ષ 2023ના 'ભૂમિ સન્માન' એવોર્ડથી સન્માનિત કર્યા, જાણો શા માટે આ એવોર્ડ આપવામાં આવે છે...

WND Network.Gandhinagar : ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મંગળવારે નવી દિલ્હીમાં ખાતે વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં “ભૂમિ સન્માન” 2023 એવોર્ડ આપ્યા હતા. જેમાં ડિજીટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રાજ્ય સચિવો અને જિલ્લા કલેક્ટરો અને તેમની ટીમો આ એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાંથી જામનગર સહીત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા અને ડાંગના કલેક્ટર અને તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. રેવન્યુ ડિપાર્ટમેન્ટ હેઠળ લેન્ડ રેકોર્ડની ઉત્કર્ષ કાર્યવાહી તેમજ તેનું ડીઝીટલાઇઝેશન કરવા અંગેની કામગીરીમાં ઉત્તમ પ્રદર્શન કરનારા ભારતભરના જિલ્લાઓમાથી તેમને પસંદ કરવામાં આવતા હોય છે. ગુજરાતના છ કલેક્ટર ઉપરાંત આ કામગીરી જેમના વિભાગ હેઠળ આવે છે તેવા ગુજરાતના લેન્ડ રિફોર્મના કમિશનર, સેટલમેન્ટ કમિશનર અને સ્ટેમ્પ ડ્યુટી કમિશનરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સહિતના સમગ્ર ભારતમાંથી આવેલા 68 કલેક્ટરને આ સન્માન મળ્યું હતું.  

ગુજરાતના લેન્ડ રિફોર્મનાં સચિવ અને કમિશનર પી.સ્વરૂપ, સ્ટેમ્પ ડ્યુટી કમિશનર જેનુ દેવન અને સેટલમેન્ટ કમિશનર મુકેશ પંડયા સહીત ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશ પટેલ, સાબરકાંઠાના કલેક્ટર નૈમેષ દવે, મહેસાણા જિલ્લાના કલેક્ટર એમ.નાગરાજન, જામનગરના કલેક્ટર બીજલ શાહ, અરવલ્લી જિલ્લાના કલેક્ટર પ્રશસતી પરિક અને નર્મદા જિલ્લાના કલેક્ટર શ્વેતા તિવેટિયાને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વર્ષ 2023 માટેનું  “ભૂમિ સન્માન” આપવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દેશના સર્વાંગી વિકાસ માટે ગ્રામીણ વિકાસને વેગ આપવો જરૂરી છે. ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે, જમીનના રેકોર્ડનું આધુનિકીકરણ એ મૂળભૂત જરૂરિયાત છે કારણ કે મોટાભાગની ગ્રામીણ વસ્તીની આજીવિકા જમીનના સંસાધનો પર આધારિત છે. ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે એક વ્યાપક સંકલિત જમીન વ્યવસ્થાપન પ્રણાલી અત્યંત મહત્વની છે. 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડિજીટલાઇઝેશનથી પારદર્શિતા વધે છે. જમીનના રેકોર્ડના આધુનિકીકરણ અને ડિજિટાઈઝેશનથી દેશના વિકાસ પર મોટી અસર પડશે. જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન અને વિવિધ સરકારી વિભાગો સાથે તેના જોડાણથી કલ્યાણકારી યોજનાઓના યોગ્ય અમલીકરણમાં મદદ મળશે. પૂર અને આગ જેવી આફતોને કારણે દસ્તાવેજો ખોવાઈ જવાના કિસ્સામાં પણ તે ખૂબ મદદરૂપ થશે.

લેન્ડ ડિજીટલાઇઝેશનથી શું લાભ થશે ? : ડિજિટલ ઇન્ડિયા લેન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ, લેન્ડને એક યુનિક ઓળખ નંબર પ્રદાન કરવામાં આવી રહ્યો છે જે આધાર કાર્ડની જેમ ઉપયોગી થઈ શકે છે. આ યુનિક નંબર જમીનનો યોગ્ય ઉપયોગ તેમજ નવી કલ્યાણ યોજનાઓ બનાવવા અને અમલમાં મૂકવામાં મદદ કરશે. ઈ-કોર્ટને જમીનના રેકોર્ડ અને નોંધણી ડેટા-બેઝ સાથે જોડવાથી ઘણા ફાયદા થશે. ડિજિટાઇઝેશનથી જે પારદર્શિતા આવી રહી છે તેનાથી જમીન સંબંધિત અનૈતિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર પણ અંકુશ આવશે.