શું કાયમ હાઈકોર્ટ - સુપ્રિમકોર્ટની કડક ટિપ્પણીઓ સાંભળીને જ રાજી રહેવાનું ? હાઇકોર્ટના હુકમ સામે સુપ્રિમમાં અપીલ કરીને ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા MLA - મંત્રી પદ ભોગવી ગયા !

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવો 'ખેલ' ગુજરાત વિધાનસભાની બેઠક ઘોળકા ઉપર થયેલો, જેમાં હાઇકોર્ટે ચૂંટણી રદ્દ બાતલ જાહેર કરેલી અને મામલો સુપ્રીમમાં ગયેલો, પણ હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો

શું કાયમ હાઈકોર્ટ - સુપ્રિમકોર્ટની કડક ટિપ્પણીઓ સાંભળીને જ રાજી રહેવાનું ? હાઇકોર્ટના હુકમ સામે સુપ્રિમમાં અપીલ કરીને ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા MLA - મંત્રી પદ ભોગવી ગયા !

WND Network.Ahmedabad : ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. પરંતુ આવું માત્ર ચંડીગઢમાં જ નહીં પરંતુ દેશમાં જયાં પણ સત્તા પક્ષ મજબૂત સ્થિતમાં હોય ત્યાં અધિકારીઓને પોતાના પક્ષમાં લઈને આવી ગેરરીતિ કરતા હોવાની ઘટનાઓ બનેલી છે.

ગુજરાતની જ વાત કરીએ તો, વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ધોળકાની બેઠક પર હારેલા ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ 327 મતે વિજેતા જાહેર કરી દીધા હતા. ચૂંટણી અધિકારી જાનીએ  429 બૅલેટ પેપરના મતને ધ્યાનમાં લીધા વિના જ ભાજપના સિનિયર નેતા ચુડાસમાને 327 મતે વિજેતા જાહેર કરી દીધા હતા. મામલો ગુજરાત હાઇકોર્ટમાં ગયો અને ધોળકા બેઠકની એ ચૂંટણી રદબાતલ કરવામાં આવી હતી. જેને પગલે હાઇકોર્ટના આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મામલો હજુ પણ કોર્ટમાં ચાલુ છે. પણ ભાજપના ચુડાસમા તો પાંચ વર્ષ સુધી ધારાસભ્ય અને મંત્રી પદ ભોગવી ગયા. અને વાસ્તવમાં જીતેલા ઉમેદવાર અશ્વિન રાઠોડને હજુ સુધી ન્યાય મળ્યો નથી. ત્યારે પ્રશ્ન થાય કે શું આપણે આ રીતે કોર્ટની કડક ટિપ્પણીઓ સાંભળીને જ રાજી રહેવાનું ?

ગુજરાત પોલીસમાં લાંબા સમય સુધી ફરજ બજાવી ચૂકેલા અને સમયાંતરે સાંપ્રત વિષયો ઉપર સોસિયલ મીડિયા ઉપર સચોટ ટીકા-ટિપ્પણીઓ કરતા નિવૃત IPS અધિકારી રમેશ સવાણીએ અદાલતોની આ પ્રકારની ટીકાઓ મુદ્દે કઈંક આ પ્રકારે તેમના વિચારો પ્રગટ કર્યા છે. 

30મી જાન્યુઆરી 2024ના રોજ ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત બાદ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં ગયા હતા. ત્યાંથી રાહત ન મળી એટલે તેઓ સુપ્રિમકોર્ટમાં ગયા. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસનો આરોપ છે કે, પ્રિસાઇડિંગ ઑફિસરે આ ચૂંટણીમાં ધાંધલધમાલ કરી હતી અને સંખ્યાબળ ન હોવા છતાં ભાજપની જીત જાહેર કરી હતી. ચૂંટણીના દિવસનો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

5 ફેબ્રુઆરી 2024ના રોજ, સુપ્રિમકોર્ટના  મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે કહ્યું કે, 'આ લોકશાહીની મજાક છે. જે બન્યું તેનાથી અમે ચોંકી ગયા છીએ. અમે લોકશાહીની આ રીતે હત્યા નહીં થવા દઈએ. એ સ્પષ્ટ છે કે, બૅલેટ પેપર સાથે છેડછાડ કરવામાં આવી છે. શું આ રીતે ચૂંટણી થાય છે ?'

સુપ્રિમકોર્ટે પ્રિસાઇડિંગ ઑફિસરને 19 ફેબ્રુઆરીએ સુનાવણીમાં હાજર થવા અને તેમના વર્તન અંગે ખુલાસો કરવા કહ્યું છે. ચંડીગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કુલ 35 બેઠકો છે. ભાજપ પાસે 16 મત હતા. જ્યારે આમ આદમી પાર્ટી પાસે 13 અને કોંગ્રેસ પાસે 7 મત હતા, કુલ 20 મત હતા; તેમાંથી પ્રિસાઇડિંગ ઑફિસરે 8 મત અમાન્ય ગણ્યા ! તેથી ભાજપના મનોજ સોનકરનો 16 મતે વિજય થયો હતો. 

થોડાં પ્રશ્નો :  [1] દિગમ્બરની પાંચશેરી ભારે જ હોય ! ગુજરાતમાં તો આના કરતાં વધુ શરમજનક બન્યું હતું. 2017માં, ધોળકાની વિધાનસભાની બેઠક પર હારેલ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીએ 327 મતે વિજેતા જાહેર કરેલ ! જેમાં 429 બૅલેટ પેપરના મતને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. ગુજરાત હાઈકોર્ટે આ કૌભાંડ પકડ્યું તો ચુડાસમાએ સુપ્રિમકોર્ટમાં અપીલ કરી અને 5 વરસ ધારાસભ્ય પદ ભોગવ્યું અને શિક્ષણમંત્રી પદ પણ માણ્યું. હાઈકોર્ટે રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર IAS વિનીતા બોહરા સામે પગલાં લેવા જણાવેલ. પરંતુ સરકારે શું પગલાં લીઘાં તે લોકો જાણતા નથી.  સુપ્રિમકોર્ટે પણ ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થઈ છતાં સુનાવણી ન કરી. વાસ્તવમાં જીતેલા ઉમેદવાર અશ્વિન રાઠોડને હજુ ન્યાય ન મળ્યો. સત્તામાં હોય તેને ન્યાય મળે, વિપક્ષમાં હોય તેને અન્યાય ભાગમાં આવે. આ કેવું ન્યાયતંત્ર? આ કેવી લોકશાહી? 

[2] જ્યાં સુધી સુપ્રિમકોર્ટ પ્રિસાઇડિંગ ઑફિસર - રિટર્નિંગ ઓફિસરને જેલમાં નહીં પૂરે ત્યાં સુધી સત્તાપક્ષના ચાપલૂસ IAS અધિકારીઓ પાછી પાની કરવાના નથી ! સુપ્રિમકોર્ટ પાસે સત્તા છે, એકાદ કિસ્સામાં તો હુકમ કરવો જોઈએ કે નહીં? માત્ર કડક ટિપ્પણીઓ કરવાથી સત્તાપક્ષના નેતાઓમાં અને  તેમના ચાપલૂસ IAS અધિકારીઓમાં ડર બેસે ખરો? 

[3] જૂઓ તો ખરા ! માત્ર વિપક્ષના મતો જ અમાન્ય ઠરે ? સત્તાપક્ષનો મત ક્યારેય અમાન્ય ન ઠરે ! આ કેવો ચમત્કાર? શું આ લોકશાહીની મજાક નથી?  શું આ લોકશાહીની હત્યા નથી? 

[4] ચૂંટણીમાં ગડબડ કરવી એટલે લાખો લોકો સાથે વિશ્વાસઘાત કરવો ! શું આવો ગુનો કરનારને જેલમાં પૂરવો ન જોઈએ? વિશ્વાસઘાત કરીને/ ખોટી રીતે જીતેલો ધારાસભ્ય કે મેયર હોદ્દો ભોગવી શકે? તેમને તાત્કાલિક ડિસમિસ કરવો ન જોઈએ? 12 જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ જગમોહન સિંહાએ વડાપ્રધાનને દોષિત ઠેરવ્યા હતા ! શું જસ્ટિસ જગમોહન જેવી હિમ્મત સુપ્રિમકોર્ટમાં રહી નથી? હાઈકોર્ટ/ સુપ્રિમકોર્ટે બંધારણની ચિંતા કરવાની છે કે સત્તાપક્ષની? જ્યાં સુધી મોટામોટા ગુનેગારોને સજા નહીં થાય ત્યાં સુધી નાના ગુનેગારોને સજા કરવાનો કોઈ અર્થ ખરો? શું નાગરિકોએ કાયમ હાઈકોર્ટ/ સુપ્રિમકોર્ટની કડક ટિપ્પણીઓ સાંભળીને જ રાજી રહેવાનું છે ? 

@RameshSavani10