કચ્છ : ભાનુશાળી મર્ડર કેસના આરોપી જયંતિ ડુમરાનો દીકરો પણ દારૂ પીતા ઝડપાયો, પોલીસે રોડ ઉપર કારમાંથી પકડ્યો

જયંતિ ડુમરા પણ ભચાઉની જેલમાં સાથી કેદીઓ સાથે દારૂની પાર્ટી કરતા ઝડપાયેલા

કચ્છ : ભાનુશાળી મર્ડર કેસના આરોપી જયંતિ ડુમરાનો દીકરો પણ દારૂ પીતા ઝડપાયો, પોલીસે રોડ ઉપર કારમાંથી પકડ્યો

WND Network.Bhuj (Kutch) :- ભાનુશાળી મર્ડર કેસના આરોપી જયંતિ  ડુમરાના દીકરાને ભુજ પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપી લીધો હતો. સોમવારે ધનતેરસની મધરાતે ઓમ જયંતીલાલ ઠક્કર તેની કારમાં જાહેર રોડ ઉપર અન્ય એક યુવાન સાથે દારૂ પી રહ્યો હતો ત્યારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. બંને યુવાનને પોલીસે પકડીને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ પકડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. દીકરા ઓમ ની જેમ તેના પિતા પણ ભૂતકાળમાં દારૂ પિતા ઝડપાઇ ચુક્યા છે. અલબત્ત તેઓ જાહેરમાં નહીં પરંતુ ભચાઉની સબ જેલમાં અન્ય સાથીદાર કેદીઓ સાથે દારૂની મહેફિલ માણતા પકડાયા હતા. તાજેતરના ભુજના ચકચારી હનીટ્રેપ કેસમાં પણ જયંતિ ઠક્કર ડુમરાનું નામ આવવાને પગલે તેઓ ચર્ચામાં છે.  

ભુજ એ ડીવીજન પોલીસે દાખલ કરેલી એફઆઈઆર પ્રમાણે, તેમને કંટ્રોલ રૂમમાંથી વર્દી (સૂચના) મળી હતી કે, ભુજ શહેરના મુન્દ્રા રોડ ઉપર બાલાજી ગ્રીન્સ તરફ જતા રસ્તામાં ઉભેલી કારમાં દારૂની પાર્ટી ચાલી રહી છે. એટલે પોલીસે તરત ત્યાં જઈને ચેકીંગ કર્યું તો, બ્લેક કલરની હ્યૂન્ડાઈ અલકાઝર કારમાં બે નવ યુવાન દારૂ પી રહ્યા હતા. તેમની પાસે ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની બોટલ તેમજ પ્લાસ્ટિકની ગ્લાસ અને નમકીન પણ પડ્યા હતા. અક્ષર રેસિડેન્સીના મકાન નંબર 273માં રહેતો 18 વર્ષનો પૃથ્વીરાજ નિરજરાજ સોલંકી અને માધાપરના જુનાવાસમાં આવેલા હીરાણીનગરના મકાન નંબર 132માં રહેતો ઓમ જયંતીલાલ ઠક્કરને પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ પકડીને તેમની પાસેથી આઈફોન, દારૂની બોટલ, અલકાઝાર કારને કબ્જે કરી હતી.   

મીડિયાએ ન્યૂઝ તો 'કવર' કર્યા પણ ડુમરાની વાત છુપાવી   ભુજનો ચકચારી હની ટ્રેપ કેસ હોય કે રુદ્રમાતા વીજળી ચોરીની વાત હોય કે પછી વાત હોય કુનરીયા ખનીજ ચોરીની, આ તમામ કેસમાં કચ્છના મિત્ર હોવાનો દાવો કરીને ભેખધારી પત્રકારત્વના દંભમાં રાચતા અખબાર સહિતના મીડિયાએ જયંતિ ઠક્કરના દીકરાના ન્યૂઝ તો કવર કર્યા પરંતુ તેમના વાચકોને એ અણસાર ન આવવા દીધો કે, ઝડપાયેલો યુવાન એ જયંતિ ઠક્કરનો દીકરો છે. એવું કહેવાય છે કે, ડુમરાના દીકરાના ન્યૂઝ 'કવર' ન થાય તે માટે પણ 'આયોજન' કરવામાં આવ્યું હતું. જે સફળ રહ્યું હતું.