Kutch DPA : મોદી સામે મોરચો, તુણામાં PMના ડ્રીમ પ્રોજેક્ટ માટે દબાણવાળી જમીન ખુલ્લી કરાવવા ગયેલા કંડલા પોર્ટના કર્મચારીઓ ઉપર ભાજપ સાથે સંકળાયેલા નમક માફિયાનો હુમલો
કરોડો રૂપિયાની જમીન ઉપર નમકનું દબાણ કરી બેઠેલા લોકો 70થી વધુ વાહનમાં આવીને કર્મચારીઓને જમીન પોર્ટની નહીં પણ KASEZની હોવાનું કહી પહેલા અટકાવ્યા અને પછી ફટકાર્યા, તુણાની કન્ટેનર જેટી માટેનો રસ્તો ખોલવા માટે દબાણ દૂર કરવા જરૂરી
WND Network Gandhidham (Kutch) : કચ્છમાં દબાણ કરવાવાળા માફિયાની હિંમત કેટલી હદે વધી છે તે આજે ગાંધીધામ પાસે આવેલા તુણા ગામે બનેલી ઘટનાથી અંદાજ આવે છે. વડાપ્રધાન મોદી (PM Narendra Modi) જેના માટે સતત મહેનત કરી રહ્યાં છે તેવા તુણા કન્ટેનર જેટીના પ્રોજેક્ટ આડે ભાજપના જ કેટલાક માથાભારે તત્વો આડા આવી રહ્યા છે. તુણા કન્ટેનર જેટી તરફ જવાના રસ્તા ઉપર જમણી બાજુએ કરોડો રૂપિયાના મૂલ્યની 1500 એકરથી વધુ જમીન ઉપર નમક માફિયાઓ કબ્જો જમાવીને બેઠા છે. મંગળવારે બપોરે કંડલા પોર્ટ (Deendayal Port Authority - DPA) ની ટીમ જયારે આ દબાણ દૂર કરવા માટે ગઈ ત્યારે બસ્સોથી વધુ લોકો 70-75 વાહનોમાં દબાણવાળી જગ્યાએ આવી પહોંચતા મામલો તંગ બની ગયો હતો. હજુ કંઈ વાતચીત થાય કે સમજાવટ થાય તે પહેલા ભાજપ (BJP) સાથે સંકળાયેલા ભૂ-માફિયાઓ કંડલા પોર્ટના કર્મચારીઓ ઉપર તૂટી પડ્યા હતા. અચાનક થયેલા હુમલાથી પોતાનો જીવ બચાવવા કર્મચારીઓ પોલીસની શરણમાં જતા રહ્યા હતા.
ઘટનાની ગંભીરતાને પારખીને કંડલા પોર્ટ પ્રસાશન દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ સ્થાનિક અને ભાજપના કેટલાક નેતાઓને ઈશારે આ લખાય છે ત્યાં સુધી પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, તુણા કન્ટેનર જેટી તરફ જવાના જમણી તરફના રસ્તા બાજુ 1500 એકરથી વધુ જમીન ઉપર કેટલાક માથાભારે તત્વો વર્ષોથી કબ્જો કરીને બેઠા છે. શંભુ આહીર અને અજા આહીર નામના વ્યક્તિને ઈશારે આજે બસ્સોથી વધુ લોકો હથિયારો સાથે દબાણવાળી જગ્યાએ ઉભા થઈ ગયા હતા. શંભુ અને અજા નામના આ બંને વ્યક્તિ સત્તા પક્ષ ભાજપ સાથે સંકળાયેલા છે. કદાચ એટલે આટલી મોટી ઘટનામાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી.
કંડલા પોર્ટ (DPA) દ્વારા થોડા દિવસ પહેલા જ પોર્ટની જમીન ઉપર ખોટી રીતે કબ્જો કરીને બેઠેલા તત્વોને હટી જવાની નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેને લીધે ઘર્ષણ થવાનું નક્કી હતું. છતાં સ્થાનિક ભાજપના નેતાઓને ઈશારે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ આડે અડચણો ઉભી કરવામાં આવી રહી છે.
સમગ્ર મામલે પોર્ટના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરવા છતાં તેમને સમગ્ર મામલે કંઈપણ કહેવાનો ઇન્કાર કરીને દબાણની કામગીરી કરવાના આયોજન અંગે સમર્થન આપવામાં આવ્યું હતું.
કરોડોની જમીન ઉપર કોનો ડોળો ? : સૂત્રોનું માનીએ તો, જાહેરમાં પોર્ટના શુભેચ્છક તેમજ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારનો અંચળો ઓઢીને ફરતા કેટલાક લોકો મફતમાં પોર્ટની જમીન ઉપર કબ્જો કરવા માંગે છે. એટલે તેમના માણસોને જ પોર્ટના કર્મચારીઓ ઉપર હુમલો કરાવાની જમીન પચાવી પાડવા માટે ત્રાગું કરવામાં આવ્યું હોય તેવો સૂત્રોએ વધુમાં દાવો કર્યો હતો.
Web News Duniya