કચ્છ ગાંધીધામ BJPના મંત્રીની આત્મહત્યા કેસમાં નવો વળાંક, સ્યુસાઇડ નોટ - વિડીયો અને સાહેદનું નિવેદન કોર્ટમાં રજુ કરવાની આરોપીની માગ

સ્યુસાઇડ નોટમાં જેમનો ઉલ્લેખ છે તેવા સાહેદ દુષ્યંત જાડેજાના પોલીસ સમક્ષના નિવેદનને લઈને આરોપી દ્વારા અદાલતમાં દાદ માંગવાને પગલે નવાજુની થવાની સંભાવના

કચ્છ ગાંધીધામ BJPના મંત્રીની આત્મહત્યા કેસમાં નવો વળાંક, સ્યુસાઇડ નોટ - વિડીયો અને સાહેદનું નિવેદન કોર્ટમાં રજુ કરવાની આરોપીની માગ

WND Network.Gandhidham (Kutch) : પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના ભાજપના એક યુવા અગ્રણીની આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસના એક આરોપી દ્વારા કાયદાની જોગવાઈ અનુસાર ભાજપના અગ્રણીની સ્યુસાઇડ નોટ - વિડીયો તેમજ પોલીસે જેમનું નિવેદન લીધું છે તેવા એક મહત્વપૂર્ણ સાહેદના નિવેદનને કોર્ટમાં રજુ કરવાની માગણી કરી છે. 

આત્મહત્યાના આ ચકચારી કેસના એક આરોપી એવા લોન કન્સલ્ટન્ટ પ્રકાશ મોદીના ગાંધીધામના ધારાશાત્રી દિલીપ જોશીની અખબારી યાદી મુજબ, ગાંધીધામ શહેર ભાજપના નેતા દીપેશ ત્રિપાઠીના કેસમાં આપઘાત કરવા અગાઉ લખવામાં આવેલી સ્યુસાઇડ નોટ તથા વિડીયો રેકોર્ડિંગ કર્યું હોવાની હકીકત પોલીસ ફરિયાદમાં છે. પરંતુ સ્યુસાઇડ નોટની હકીકતોને ધ્યાને લેવામાં આવે તો કઈંક અલગ જ માહિતી-વિગતો બહાર આવે તેમ હોવાથી તેમજ તપાસ માટે પોલીસ ઉપર સતત દબાણ ફરિયાદ પક્ષ બનાવી રહેલ છે. 

આવા સંજોગોમાં સ્યુસાઇડ નોટની હકીકતો બહાર આવે તે ખુબ જ જરૂરી હોવા તથા અન્ય બહારના દબાણને લીધે નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય તે અંત્યંત જરૂરી છે. આ કેસના સંદર્ભે અટક કરવામાં આવેલા કથિત આરોપી પ્રકાશ મોદીના ગાંધીધામના ધારાશાત્રી દિલીપ જોશી દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ - 94 હેઠળ મરનારની સ્યુસાઇડ નોટ, વિડીયો તથા એક નિષ્પક્ષ સાહેદના નિવેદન કોર્ટમાં રજુ કરવાની અરજી કરવામાં આવી છે.

આ કેસમાં પોલીસ દ્વારા હજુ ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધીમાં ચાર આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સંજોગોમાં કેસના મહત્વપૂર્ણ દસ્તાવેજ ગુજરાત હાઇકોર્ટમાં રજુ કરવા માટે કરવામાં આવેલી અરજીની ગંભીરતાને દયાનમાં લઈને અદાલતે કેસની તપાસ કરી રહેલા અધિકારીને નોટિસ કરીને હાજર રેહવાની તાકીદ પણ કરી છે.  

પોલીસ દબાણમાં કામ કરી રહી છે ? : સૂત્રોનું માનીએ તો કચ્છ ભાજપના અગ્રણીની આત્મહત્યાના આ કેસમાં સામેલ અને દૂરથી બધો ખેલ જોઈ રહેલા ગાંધીધામ ભાજપના કેટલાક અગ્રણીઓ તેમના જુના હિસાબ સેટ કરવા માટે અંગત રસ લઇ રહ્યા છે. આ કેસમાં જેનું એક આરોપી તરીકે નામ આવે છે તેના પિતા સાથે ગાંધીધામ ભાજપના એક મહિલા અગ્રણીને પહેલાથી 36નો આંકડો છે. એટલે તેના દીકરાને ફિટ કરીને પોતાનો જૂનો રાજકીય હિસાબ સેટ કરવા માટે પોલીસ ઉપર અનુચિત દબાણની વાત પણ સૂત્રો કરી રહ્યા છે. ટૂંકમાં સમગ્ર મામલો દેખાય છે તેવો સહેલો અને સરળ નથી.