Kutch Land Scam : આઠ એકર સરકારી જમીનને ભુજની DILR કચેરીએ 29 એકર 'બનાવી' દીધી, ચાર જુદી જુદી શીટ બનાવીને રસ્તાઓ અને તળાવ પણ ફેરવી નાખ્યા...

સરકારી તિજોરીને 24 હજારનું નુકશાન પહોંચાડનારા ડેપ્યુટી કલેક્ટર જે.ડી.જોશી સામે ગુન્હો નોંધનારી સરકાર કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા આ પ્રકરણમાં કોઈ જ કાર્યવાહી નથી કરતી

Kutch Land Scam : આઠ એકર સરકારી જમીનને ભુજની DILR કચેરીએ 29 એકર 'બનાવી' દીધી, ચાર જુદી જુદી શીટ બનાવીને રસ્તાઓ અને તળાવ પણ ફેરવી નાખ્યા...

WND Network.Bhuj (Kutch) : ભુજની વર્ષોથી સરકારી ખરાબાની એવી 29 એકર જમીનને રેગ્લયુર કરીને બિન ખેતી કરી દેવાના મસમોટા કૌભાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ભ્રષ્ટાચારરૂપી આ ગંગામાં કચ્છની DILR (ડીસ્ટ્રીકટ ઇન્સ્પેક્ટર લેન્ડ્ઝ રેકર્ડઝ ) કચેરીની ભૂમિકા ગંગોત્રી સમાન હોવાની હકીકત બહાર આવી છે. કારણ કે જમીન માપણીની આ કચેરી દ્વારા વખતો વખત ચાર માપણી શીટ બનાવીને આઠ એકર સરકારી ખરાબાની જમીનને 29 એકર બતાવી દેવામાં આવી છે. અને આ માપણી શીટને આધારે જ નાયબ કલેકટરથી કલેકટર સુધીના અધિકારીઓએ તેને રેગ્યુલર કરીને સરકારી જમીનને ખાનગી હાથોમાં પધરાવી દેવામાં છે. જેને કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. સરકારી તિજોરીને 24 હજારનું નુકશાન પહોંચાડનારા ડેપ્યુટી કલેક્ટર સામે થોડા દિવસ પહેલા જ ગુન્હો નોંધનારી રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા સામે કોઈ જ કાર્યવાહી નથી કરી રહી. 

જમીનનો સત્તા પ્રકાર નક્કી કર્યા વિના સરકારી પડતર લેન્ડને રેગ્યુલર કરીને બિન ખેતી કરવાના આ પ્રકરણની શરૂઆત થાય છે ભુજમાં આવેલી કચ્છની જમીન માપણી કચેરીથી. સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડનારા આ કૌભાંડમાં ભુજની DILR કચેરી દ્વારા વર્ષ 2004માં એક માપણી શીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ભુજની સીમમાં આવેલી સરકારી પડતર જમીનના રેવન્યુ સર્વે નંબર 186ની જમીનને DILR કચેરી તેની માપણી શીટના એમ.આર. નંબર 3/30/03/04 થકી કુલ જમીન આઠ એકર જ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. માત્ર એટલું જ નહીં પરંતુ સમયાંતરે આ એક જ સર્વે નંબર 186ની ચાર અલગ અલગ માપણી શીટ તૈયાર કરવામાં આવે છે. જેને પગલે જે જમીન વર્ષોથી સરકારી હતી તેને 'નિયમિત' કરવામાં કચ્છના મહેસુલી અધિકારીઓને 'રસ્તો' મળી જાય છે. આટલું ઓછું હોય તેમ જમીન માપણીના આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા વર્ષ 2014માં જે જમીનનો ઉત્તરનો સીમાડો મીરઝાપરનો હતો તેને બિલ્ડરની સ્કીમને લાભ થાય તે માટેની ગોઠવણ કરીને ઉત્તર દિશામાં હયાત રસ્તો પણ માપણી શીટમાં ચીતરી દેવામાં આવે છે. DILR કચેરી દ્વારા આવી 'કરામત' એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, સરકારી જમીનના રેવન્યુ સર્વે નંબર 186ને અન્ય કોઈ રસ્તો મળતો ન હતો. અને એટલે જ રાતોરાત માપણી શીટમાં હયાત રસ્તાનો જન્મ થઇ જાય છે.  

આઠ એકરમાંથી 29 એકર કરી દેવાના જમીન માપણી કચેરીના આ 'જાદુ' અને હાલ ભાજપમાં ભળી ગયેલા તત્કાલીન કલેક્ટર દ્વારા 'મહેરબાન' થઇ જવાને પગલે આજુબાજુના તળાવોની પાળ તેમજ મીરઝાપર ગામની ગૌચર જમીનને પણ દબાવી લેવામાં આવી છે. જેની સામે કચ્છનું તંત્ર મૌન હોવાની સાથે લાચાર પણ છે. કારણ કે, જેમના થકી આ કૌભાંડનો જન્મ થયો છે તેમને ભાજપની રાજ્ય સરકારના આશીર્વાદ છે. 

જમીન માપણી કચેરીએ નગર નિયોજકને પણ 'મૂર્ખ' બનાવ્યા  : રાજ્ય સરકાર હસ્તકની કચેરીઓમાં સરકારી જમીન અને તેની આસપાસની લેન્ડને લઈને કેટલો વિરોધાભાસ છે અથવા તો જાણી જોઈને ઉભો કરવામાં આવ્યો છે તે આ મામલામાં સ્પષ્ટ દેખાય છે. સરકારી પડતરના રેવન્યુ સર્વે 186ની પાસે 187 નંબર આવેલો છે. જે આજે પણ રેકર્ડ પ્રમાણે એક તળાવ છે. તેમ છતાં તેનું માર્જિન બચાવીને બિલ્ડરને ફાયદો પહોંચાડવાના આશયથી તળાવને DILR કચેરીની માપણી શીટમાં દૂર દર્શાવવામાં આવ્યું છે. જેનો ખુલાસો અન્ય કોઈ નહીં પરંતુ સરકારની જ એક ઓફિસ નગર નિયોજક કચેરી દ્વારા લેખિતમાં સત્તાવાર કરવામાં આવ્યો છે. 

સિંચાઈ વિભાગના બે ચેક ડેમને પણ દબાવી દેવામાં આવ્યા : સરકારી જમીનની લ્હાણી કાર્ય પછી તેમાં પ્રવેશ માટે રસ્તો પણ બનાવવો જરૂરી હતો. એટલે જાદુગરને પણ ટપી જાય તેવા સરકારના ભ્ર્ષ્ટ બાબુઓની મહેરબાનીથી રેવન્યુ સર્વે નંબર 185 અને 186ના તળાવની ઓગનને પણ બંધ કરી દેવામાં આવી છે. માત્ર એટલું જ નહીં પરંતુ રસ્તાથી ખાલી 100 મીટર દૂર આવેલા ભુજ સિંચાઈ વિભાગના જે બે ચેક ડેમ હતા તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 

ક્ષેત્રફળમાં ફેરફાર હોય ત્યારે કમી જાસ્તી પત્રક (કેજેપી) ફરજીયાત છતાં બિનખેતીનો હુકમ પણ થયો, પ્લોટ પણ પડયા : વર્ષોથી સરકારી જમીનનો રેવન્યુ સર્વે નંબર 186 સરકારી છે તેવામાં તેની માપણી કરવામાં આવે છે અને તેની માંગણી પણ થાય છે. ત્યારે તત્કાલીન કચ્છ કલેક્ટર એમ.થેન્નારસન જમીન માંગણીની અરજીને ફગાવીને મામલો ખુબ જ જૂનો હોવાનું જણાવીને મામલતદાર સમક્ષ અપીલ કરવાનો હુકમ કરે છે. ત્યારબાદ કલેક્ટર એમ.થેન્નારસન બદલાય જાય છે. અને થોડા વર્ષ પછી મહેન્દ્ર પટેલ નામના પ્રમોટી આઈએએસ અધિકારી કચ્છના કલેક્ટર તરીકે આવે છે. તેમની સમક્ષ રીવીઝન અરજી કરવામાં આવે છે અને એમ.એસ.પટેલ નામના આ ઓફિસર સરકારી જમીનને રેગ્યુલર કરી આપે છે. આ આખી પ્રોસેસ દરમિયાન જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે. છતાં જમીનનું કેજેપી ભર્યા વિના આખી જમીન ન માત્ર બિન ખેતી કરી દેવામાં આવે છે પરંતુ તેના પ્લોટીંગ કરીને તેનું વેચાણ પણ દેવામાં આવે છે. 

જમીન માપણી કચેરીની આ 'જાદુઈ પ્રક્રિયા' અંગે વધુ વિગતો મેળવવા તેમજ કચેરીના જવાબદાર અધિકારીનો પક્ષ જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા હાલના DILR એચ.એસ.રબારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ તેમના સરકારી તેમજ ખાનગી મોબાઈલ નંબર ઉપર મળી શક્યા ન હતા.