કચ્છ : ચૂંટણીના આગલા દિવસે ભુજમાં ભાજપ-લોહાણા સમાજના અગ્રણીએ ચોવીસ કલાકમાં જ ગુલાંટ મારી, જાણો શું છે સમગ્ર મામલો...

ભુજ નગર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ભરત રાણાને કેમ ભાજપને ટેકો જાહેર કરવો પડ્યો ?

કચ્છ : ચૂંટણીના આગલા દિવસે ભુજમાં ભાજપ-લોહાણા સમાજના અગ્રણીએ ચોવીસ કલાકમાં જ ગુલાંટ મારી, જાણો શું છે સમગ્ર મામલો...

WND Network.Bhuj (Kutch) : કચ્છમાં છ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારો સામે આંતરિક અસંતોષ ચરમ સીમાએ છે તેવામાં આજે બુધવારે ભુજ નગર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને લોહાણા સમુદાયના અગ્રણી દ્વારા ભાજપનો છેડો ફાડીને કોંગ્રેસના ઉમેદવાર તરફી અખબારી જાહેરાતને પગલે ખળભળાટ મચી ગયો હતો. જો કે ગણતરીના કલાકોમાં ભરત રાણાને ભાજપને ટેકો જાહેર કરવો પડ્યો હતો. આમ ગણતરીના કલાકોમાં ભજવાયેલા નાટક પાછળ ભાજપનો આંતરિક કચવાટ બહાર આવ્યો હતો. રાણાને ભુજના હાલના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના ટેકેદાર માનવામાં આવે છે. નીમાબેનને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. તેવામાં સમગ્ર ઘટનાક્રમ પાછળ કોઈ મોટી બબાલ હોવાનું રાજકીય સૂત્રો દાવો કરી રહ્યા છે.  

ભાજપના અગ્રણી તરીકે ભુજ નગર પાલિકામાં કારોબારી ચેરમેન રહી ચૂકેલા ભરત રાણા વાગડ રઘુવંશી લોહાણા સમાજના ભુજ તાલુકાના પ્રમુખ પણ છે. આ વખતે ભાજપે કચ્છમાં લોહાણા સમુદાયના એક પણ વ્યક્તિને ટિકિટ આપી નથી. ભુજના હાલના ચાલુ ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય લોહાણા સમુદાયમાંથી આવે છે અને તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. રાણાને બેનના ટેકેદાર માનવામાં આવે છે. તેવામાં આજે અખબારોમાં ભરત રાણાની કોંગ્રેસની તરફેણમાં આપવામાં આવેલી જાહેરાતને પગલે કચ્છના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. આમ પણ જયારથી ભાજપ દ્વારા ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારથી વિવાદ તો સર્જાયેલો છે. તેવામાં રાણાની જાહેરાતે ભડકો કરી દીધો હતો. સૂત્રોનું માનીએ તો આ સમગ્ર ઘટનાની જાણ ઉપર સુધી  કરવામાં આવતા ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ શરુ કરી દેવામાં આવ્યું હતું. અને અપેક્ષા મુજબ સવારે કોંગ્રેસમાં જવાની જાહેરાત કરી ચૂકેલા સાંજ સુધીમાં તો ભાજપના ફરી એક વખત ટેકેદાર તરીકે બહાર આવ્યા હતા. 

કચ્છમાં ભુજની બેઠક ઉપર ભાજપને જોખમ છે ? :- વર્ષોથી ભાજપની બેઠક માનવામાં આવતી ભુજની સીટ ઉપર આ વખતે ભાજપને જોખમ હોવાનું રાજકીય જાણકારો માની રહ્યા છે. કારણ કે, ભાજપ દ્વારા જયારથી અહીં  ડૉ. નીમાબેનને કાપીને કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે ત્યારથી ડખો શરુ થયો છે. સેન્સ લેતી વેળાએ જ ભુજ ભાજપના લોકલ કાર્યકરોએ સ્થાનિકને ટિકિટ આપવાની જાહેરમાં વાત કરી હતી. અને આવી રજૂઆત કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલની સહમતી વગર શક્ય ન હતું. આ ઉપરાંત જૈન સમુદાયમાંથી પણ કોઈને ટિકિટ આપવામાં આવી નથી. સાથે સાથે કોંગ્રેસે આ વખતે લેઉવા પટેલ સમુદાયમાંથી આવતા અરજણ ભુડિયાને ટિકિટ આપી છે. ભૂતકાળમાં હજુ સુધી કોઈપણ રાજકીય પક્ષે લેઉવા પટેલને ટિકિટ આપી નથી. ભુજના ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે. વળી તેમનો સ્વભાવ ચીકણો હોવાનો કારણે ખુદ ભાજપમાં જ તેમની સામે કચવાટ હોવાનું રાજકીય સૂત્રો માની રહ્યા છે. ચૂંટણીનું પાર્ટી ફંડ વાપવામાં તેમના દ્વારા કરવામાં આવેલી કરકસરની બૂમ ઉપર સુધી પહોંચી હતી. જેને પગલે થોડા દિવસ પહેલા જયારે ગુજરાત ભાજપના ચંદ્રકાન્તભાઈ પાટીલ ભુજ આવ્યા ત્યારે તેમણે ભુજ ઉપરાંત અંજાર અને માંડવીના ઉમેદવારીને આ અંગે ટકોર કરી હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. આમ તમામ સંજોગોમાં જોવા જઈએ તો ભુજની બેઠક ઉપર હાલ તો ભાજપને લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. 

ભરત રાણા ગેરસમજનો ખુલાસો કરવાને બદલે મોબાઈલ બંધ કરી દીધો :- કચ્છના રાજકારણમાં ખુબ જ ચકચારી એવા આ ઘટનાક્રમમાં સવારે ભરત રાણાએ અખબારોમાં જાહેરાત તેમના તથા કોંગ્રેસના ઉમેદવાર સાથેની તસ્વીર સાથે તેમનો બળાપો કાઢ્યો હતો. જેમાં તેમણે ભાજપના સરમુખત્યારશાહી વલણ, પાયાના કાર્યકરો તથા રઘુવંશી લોહાણા સમાજની થતી સતત અવગણના અને લોકલ નબળી નેતાગીરી અને કીન્નાખોરી ભર્યા વલણથી કંટાળીને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપીને 300થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઈને ભુજના કોંગ્રેસી ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો. પરંતુ અચાનક સાંજે વળી પાછા 'ગેરસમજ'ની વાત કરીને ભાજપને ટેકો જાહેર કર્યો ત્યારે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા તેમનો સંપર્ક કરીને કઈ ગેરસમજ હતી તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવતા તેમણે મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો.