Breaking News : ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ 'એલન મસ્કે' હેક કર્યું ? જાણો શું છે સમગ્ર ઘટના...
સાંજથી હેક થયેલા પોલીસનું ટ્વીટર એકાઉન્ટ થયાની જાણકારી ગૃહમંત્રી સંઘવીએ ટ્વીટ કરી
WND Network.Gandhinagar : સાયબર ક્રાઇમ સહિતના વિવિધ ગુન્હાઓથી બચવા માટે નાગરિકોએ શું કરવું જોઈએ તેવી સલાહ સૂચન આપતું ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ સોમવારે સાંજે ઓચિંતું હેક થઈ ગયું હતું. ગુજરાત પોલીસના ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટને હેક કરીને હેકર્સ દ્વારા તેનું નામ બદલીને 'એલન મસ્ક' કરી નાખવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યકક્ષાનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના પર્સનલ ટ્વીટર એકાઉન્ટ ઉપરથી ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. જો કે, રાતે દસેક વાગ્યાના અરસામાં ગુજરાત પોલીસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ ફરીથી રીસ્ટોર કરી દેવામાં આવ્યું હતું.
રાજ્યકક્ષાનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટને હેક આવ્યું હોવા અંગે તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપરથી સોમવારે રાતે 21:54 કલાકે ટ્વીટ કર્યું હતું. જો કે તે પહેલા જ પોલીસ અધિકારીઓને આ અંગેની જાણ થઈ ગઈ હોવાને પગલે ગાંધીનગર ખાતે આવેલા પોલીસ ભવનમાં દોડધામ મચી ગઈ હતી.
આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંપર્ક કરવામાં આવતા તેઓ મળી શક્ય ન હતા. બીજી બાજુ ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ ગુજરાત પોલીસનું એકાઉન્ટ પોલીસ ભવનમાંથી હેન્ડલ થતું હોવાનું જણાવીને સમગ્ર મામલામાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.