કઠવાડા ખાતે યોજાયેલા ડૉ. આંબેડકરની પ્રતિમા લોકાર્પણનાં કાર્યક્રમમાં શિક્ષણની સાથે ફિઝિકલ ફિટનેસ ઉપર પણ ભાર મુકાયો
નાની દસ્ક્રોઈ રોહિત સમાજ દ્વારા યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સમસ્ત રોહીત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા
WND Network.Ahmedabad : આધુનિક ભારતના નિર્માતા એવા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના લોકાર્પણનો એક કાર્યક્રમ અમદાવાદ જિલ્લામાં આવેલા કઠવાડા ગામ ખાતે રવિવારે યોજાયો હતો. જેમાં સમસ્ત રોહિત સમાજના વિવિધ ગોળ - સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંતો ઉપરાંત શિક્ષણવિદ્દ, સરકારી અધિકારીઓ, નિવૃત્ત અધિકારીઓ ઉપરાંત સમાજના જાણીતા વ્યક્તિઓએ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો તેમજ આમંત્રિતોએ બાબા સાહેબની સંઘર્ષની વાતો યાદ કરાવીને લોકોને આર્થિક- સામાજિક રીતે આગળ આવવા અપીલ કરી હતી. કાર્યક્રમનું આયોજન કઠવાડા ગામ વસ્તી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રતિમા અનાવરણ બાદ રોહિત સમાજના અગ્રણીઓએ ઉપસ્થિતિ લોકોને બાબાસાહેબને યાદ કરીને પ્રગતિશીલ રહેવા ઉપર ભાર મુક્યો હતો. B.B.C.લંડન માટે 'A cast at Birth' ડૉકયુમેન્ટ્રી ફિલ્મ તૈયાર કરવા ઉપરાંત જેમણે ડૉ.બાબા સાહેબ આંબેડકરના સંપુર્ણ અક્ષરદેહ 25 પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત કર્યા છે તેવા કુબડથલ ગામના ડૉ. એમ.કે.પરમારે કોલંબિયા યુનિવર્સીટી અંગેના પ્રસંગનો ઉલ્લેખ કરીને બાબાસાહેબ સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓનો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કોલંબિયા યુનિવર્સીટીના 300 વર્ષના ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી સ્કોલર તરીકે બાબાસાહેબ હતા તેમ ડૉ.પરમારે વધુમાં જણાવ્યું હતું.
કઠવાડા ગામના અને હાલ અમદાવાદ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા બિપિનચંદ્ર કે. ભુનાતરે લોકોને તેમના બાળકો ફિઝીકલી ફીટ રહે તે વાત ઉપર ભાર મૂકીને ગામમાંથી ઓછામાં ઓછા 100 વ્યક્તિ પોલીસમાં જોડાય તેવી અપીલ કરી હતી.
લાંબા સમયથી કઠવાડા ખાતે આંબેડકર સાહેબની પ્રતિમા મુકવાનું આયોજન ચાલતું હતું. જેમાં સમગ્ર રોહિત સમાજ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. ડૉ. આંબેડકરની પ્રતિમા માટે નવરંગપુરા-કઠવાડાના સ્વ.ધનીબેન જીવાભાઈ ચાવડાના પરિવાર તેમજ ભોજનના દાતા તરીકે કઠવાડાના ગામના સ્વ. ડાહીબેન અને ખનીબેન સુંદરભાઈ ચાવડાના પરિવારે સહયોગ કર્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે દૂરદર્શન અમદાવાદ કેન્દ્રના નિવૃત પ્રોડ્યુસર ડૉ.એમ.કે. પરમાર, અતિથિ વિશેષ તરીકે ગુરૂગાદીપતિ શ્રી વિજયદાસજી બાપુ તથા અમરાજીના મુંવાળા સમતા એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પૂનમચંદ એલ. પટેલ, ગુજરાત પોલીસમાં Dy.SP રહી ચૂકેલા જે.જે.મેવાડા, સમતા એજ્યુકેશન ટ્રસ્ટના સંકલકર્તા તથા લેખક એવા અરવિંદકુમાર એસ.માર્ડન, નાંદોલનાં રમણભાઈ સોનારા, સંત રોહિદાસ સ્મુર્તિ મંદિર-ગાંધીનગરના પ્રમુખ ડાહયાભાઇ પરમાર સહીત રોહિત સમાજના અન્ય પરગણા-ગોળ સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમાજના અન્ય અગ્રણીઓમાં નાની દસ્ક્રોઈ રોહિત સમાજના પચીસ ગામ ગોળના એન.વી.પરમાર(વલાદ ગામ), મંત્રી ગણપતભાઈ એલ.પરમાર(કુજાડ ગામ), કઠવાડા ગામના ભાનુભાઇ ચાવડા, કાંતિભાઈ ચાવડા, પ્રવીણભાઈ ભુનાતર, કુહા ગામના અમરતભાઈ ગોહિલ, કુબડથલ ગામના મધુસુદનભાઈ પરમાર, ભુવાલડી ગામના કલાભાઈ સોલંકી વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં કઠવાડા વસ્તી પંચ ઉપરાંત કઠવાડા ગામના યુવાનોએ જવાબદારી સાંભળી હતી.