ગૃહમંત્રીએ વખાણેલા PI સામે છેડતીની ફરિયાદ, જાણો શું બન્યું હતું મહિલા PSI સાથે પોલીસ સ્ટેશનમાં...
Dy.SP બી.એમ.પરમાર સામે સવા વર્ષથી વધુની છેક હવે 'પ્રાથમિક તપાસ' બાદ થયેલી કાર્યવાહી
WND Network.Bharuch : પોતાના પોલીસ સ્ટેશનમાં જ મહિલા સબ ઇન્સ્પેક્ટરની છેડતી કરનારા તત્કાલીન પીઆઇ સામે ભરૂચમાં ફરિયાદ દાખલ થઈ છે. વર્ષ 2021ની એક ઘટનામાં સવા વર્ષની 'પ્રાથમિક તપાસ' કર્યા પછી છેક હવે નવમી જુલાઈ,2022ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભરૂચ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા બી.એમ.પરમાર નામના પોલીસ અધિકારીએ ભરૂચ પોલીસ સ્ટેશનમાં તેમના તાબા હેઠળ કામ કરતા 55 વર્ષની ઉંમરના મહિલા PSIની છેડતી કરી હતી. જેમાં ફરિયાદ કરનારા મહિલા PSIની સાથે સાહેદ તરીકે અન્ય એક મહિલા PSI અને બે મહિલા પોલીસ કર્મચારીએ પણ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ.પરમાર સામે છેડતીના આક્ષેપો કર્યા હતા. જેની પ્રાથમિક તપાસ સવા વર્ષ સુધી ચાલ્યા પછી હવે છેક નવમી જુલાઈ,2022ના રોજ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી છે. પરમાર હાલમાં વડોદરા ખાતે Dy.SP તરીકે આદિજાતિ વિકાશ નિગમમાં વિજિલન્સ વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જુલાઈ,2021માં અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં પબ્લિશ થયેલા રિપોર્ટ પ્રમાણે, રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોવિડની કામગીરી દરમિયાન આગની એક ઘટનામાં પોલીસની કામગીરી સંદર્ભે PI પરમારની પર્સનલી બહુ પ્રશંસા કરી હતી. અને રાજ્ય સરકાર દ્વારા પરમાર સહીત 123 પોલીસ કર્મચારીને પાંચ લાખનું ઇનામ પણ આપ્યું હતું. જયારે મહિલા PSIની છેડતીની ઘટના માર્ચ, 2021માં બની હતી.
ભરૂચના 'બી' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છેડતીની ફરિયાદમાં બનાવની જગ્યા તરીકે પોલીસ ઇન્સ્પેક્ટરની ચેમ્બરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માર્ચ,2021માં 55 વર્ષની વયના મહિલા સબ ઇન્સ્પેક્ટરને પોતાની ચેમ્બરમાં બોલાવીને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર બી.એ.પરમાર દ્વારા કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. અને તે દરમિયાન પરમાર વિચિત્ર નજરે જોઈને ખરાબ ઇરાદે તેમની સાથે મિટિંગ કરવાનું કહે છે. મહિલા અધિકારી તેમને તાબે ન થતા પરમાર તેમને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરુ કરે છે. આવું માત્ર એક મહિલા PSI સાથે નથી બનતું. પરંતુ અન્ય એક મહિલા સબ ઇન્સ્પેક્ટર અને અને બે મહિલા કોન્સ્ટેબલ સાથે પણ બને છે. આથી ભોગ બનનારા લોકોમાં તેમનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટનાની તપાસ અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ નામના અધિકારીને સોંપવામાં આવી છે.
Dy.SPની તપાસ ડીવાયએસપી કરશે ! :- પોલીસ અધિકારી દ્વારા તેમના તાબા હેઠળ કામ કરતી મહિલા પોલીસ અધિકારીની છેડતીની આ ઘટના ખુબ જ ગંભીર છે. કારણ કે, જેમની સામે ફરિયાદ થઈ છે તે બી.એમ.પરમાર વર્ષોથી પોલીસ બેડામાં કામ કરે છે. વળી છેડતીની આ ઘટનામાં ખાલી પ્રાથમિક તપાસ કરવામાં જ સવા વર્ષથી વધુનો સમય થયો છે. માત્ર એટલું જ નહીં પરંતુ પરમાર સામે બે મહિલા સબ ઇન્સ્પેક્ટર ઉપરાંત તેમના પોલીસ મથકની બે મહિલા પોલીસ કોન્ટેબલ દ્વારા પણ છેડતીનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. લાંબા સમય પછી દાખલ કરવામાં આવેલી આ ફરિયાદની તપાસ Dy.SP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. ઇન્વેસ્ટિગેશન કરનાર અધિકારી સામે શંકા કરવાનું એક પણ કારણ નથી. પરંતુ એક જ રેન્કના આરોપી અધિકારીની તપાસ તેમની જ રેન્કનો ઓફિસર કરે તે કુદરતી ન્યાયના સિદ્ધાંતને સુસંગત નથી. એટલે લાંબા સમય પછી થયેલી ફરિયાદ બાદ પણ મહિલા પોલીસ કર્મચારીઓને ન્યાય મળશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે.