Ahmedabad Airport : ભુજનો સગીર અને યુવાન અમદાવાદ એરપોર્ટથી વિમાનમાં બેસે તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા
કોલકાતા જતી ફ્લાઇટ માટે બંનેએ લગેજ ચેક-ઇન પણ કરી દીધું હતું, ભુજ પોલીસે એલર્ટનો મેસેજ આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોર્ડિંગ પ્રક્રિયા રોકી ને બંને ને અટકાવ્યા

WND Network.Ahmedabad / Bhuj (Kutch) : પશ્ચિમ કચ્છ પોલીસના ભુજ એ ડીવીજન પોલીસના એલર્ટના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભુજના એક સગીર અને યુવાનને તેઓ અમદાવાદ એરપોર્ટથી વિમાનમાં બેસે તે પહેલા જ ઝડપી લેવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા ભુજના આ બંને ઘરેથી ચાલ્યા ગયા બાદની ખબર પડતા ભુજ પોલીસે એલર્ટ અમદાવાદ પોલીસને એલર્ટ કરી હતી. દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સથી બંનેનું લોકેશન અમદાવાદ એરપોર્ટનું નીકળી આવ્યું હતું. ભુજથી નીકળીને આ બંને કોલકાતા જવા માટે અમદાવાદ જવા નીકળી ગયા હતા. જો કે એ કોલકાતા જતી ફ્લાઇટ માટે બંનેએ લગેજ ચેક-ઇન કરીને ફ્લાઈટમાં બેસવા માટે આગળ વધી રહ્યા હતા ત્યારે જ ભુજ પોલીસે એલર્ટનો મેસેજ આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોર્ડિંગ પ્રક્રિયા રોકી ને બંને ને અટકાવી દીધા હતા.
ભુજના જૂની રાવલ વાડી વિસ્તારમાં રહેતા બંનેને હાલ અમદાવાદથી ભુજ પાછા લાવવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા ભુજના એ ડીવીજન પોલીસ મથકમાં બંનેના ફેમિલી દ્વારા જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે તેમનું ટેક્નિકલ સર્વેલન્સ શરુ કરી દઈને આ અંગેનો મેસેજ મહત્વના સ્થળોએ મોકલ્યો હતો. ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલે 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સગીર અને યુવાનના પરિવારજનોએ પોલીસને બે દિવસ પહેલા જાણ કરી હતી. બંને કયા કારણોસર ઘરેથી ચાલ્યા ગયા હતા તેમજ અન્ય માહિતી માટે પીઆઇ પટેલે રાહ જોવાનું કહ્યું હતું.
બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાલુંકે કહ્યું કે, અમને ભુજ પોલીસે એલર્ટ આપ્યું હતું એટલે તેઓ તરત જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પીઆઇ સાલુંકેએ વધુમાં એમ પણ ઉમેર્યું કે, ભુજનો સગીર અને યુવાન કોલકાતા માટેની ફ્લાઇટ માટે સામાન ચેક ઈન કરીને બોર્ડિંગ પ્રોસેસ પણ પુરી કરી લીધી હતી. પરંતુ તેમની ટીમ દ્વારા બોર્ડિંગ પ્રોસેસ અટકાવીને બંનેનો કબ્જો લીધો હતો.
બંને કોલકાતા કેમ જતા હતા ? કારણ અકબંધ : પોલીસે સમગ્ર ઘટનામાં એક્ટિવ રોલ ભજવીને કોઈ અનહોની થાય તે પહેલા જ બંનેને પકડીને ઉમદા કાર્ય કર્યું હતું. પરંતુ બંને ઘરેથી કેમ ભાગ્યા અને તેમની સાથે શું હતું તે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઈને ભુજ પોલીસે કોઈ ફોડ પાડ્યો ન હતો. બંનેના પુરા નામ અને સરનામાં પણ પોલીસે જાહેર કર્યા હતા.