અગ્નિપથને લઈને સૈન્યની પ્રેસ કોન્ફરન્સ પર ઉભા થઈ રહયા છે આ ગંભીર સવાલો...
ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોએ પ્રેસ કોન્ફરન્સમાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનો સાથે કરી સ્પષ્ટ વાત...

WND Newtwork.Delhi : રવિવારે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોએ લગભગ એક કલાકની પ્રેસ કોન્ફરન્સમાં સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનો સાથે સ્પષ્ટ વાત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સંરક્ષણ મંત્રાલયમાં સૈન્ય બાબત વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી, વાયુસેનાના એર માર્શલ એસ.કે. ઝા, નૌકાદળના વાઇસ એડમિરલ ડી.કે. ત્રિપાઠી અને સેનાના એડજ્યુટન્ટ જનરલ બંસી પોનપ્પા હાજર રહ્યા હતા. જેમાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, અસામાજિક તત્વો તેમજ કોચિંગ સંસ્થાઓ યુવાનોના ગુસ્સાને વેગ આપવામાં સામેલ છે, તેમણે બહુ સાફ શબ્દોમાં એવું પણ ઉમેર્યું હતું કે, આ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચી લેવામાં આવશે નહીં. અને આગચંપી અને તોડફોડ કરનારાઓ માટે ભારતીય સેનામાં કોઈ જ સ્થાન નથી.
પ્રેસ કોન્ફરન્સ પર ટિપ્પણીઓ : બીજી બાજુ સેનાની આ પ્રેસ કોન્ફરન્સ પર સવાલ ઉઠાવતી કેટલીક ટિપ્પણીઓ થઈ રહી છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો છે કે, 75 વર્ષમાં પહેલીવાર ત્રણ સેના પ્રમુખોને સરકારની નીતિનો બચાવ કરવા માટે લાવવામાં આવ્યા છે જ્યારે બીજી બાજુ સંરક્ષણ અને ગૃહ મંત્રાલય મૌન છે. જે ઘણું સૂચવી જાય છે.
આ પ્રેસ કોન્ફરન્સ અંગે વરિષ્ઠ પત્રકાર મનોજ જોશીએ એવું કહ્યં કે, 'એવું લાગતું હતું કે તેમની પાસે ધમકી આપવા સિવાય કહેવાનું ઓછું હતું. તેઓ યોજનાની વિશિષ્ટતાઓ સમજાવવાને બદલે હિંસા વિશે વધુ ચિંતિત હતા.' તેમણે એમ પણ કહ્યું કે,પત્રકાર પરિષદમાં મીડિયાના લોકોએ પણ યોગ્ય પ્રશ્નો પૂછ્યા ન હતા.
નિવૃત્ત મેજર જનરલ શિયોનાન સિંહે પણ આ પ્રેસ કોન્ફરન્સ અંગે કહ્યું કે, જ્યારે અધિકારીઓ કહે છે કે કયા આધારે લોકોની ભરતી કરી શકાશે નહીં, તો તમે હકારાત્મક લાગણી નહીં, પરંતુ વધુ વિરોધ પેદા કરી રહ્યા છો. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, 'મને આ પ્રેસ કોન્ફરન્સનો હેતુ સમજાયો નહીં. શું સરકારનું કડક વલણ રજૂ કરવાનો હેતુ હતો ? અને જો સરકારનું વલણ કડક છે, તો લશ્કરી અધિકારીઓ શા માટે આ વાત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? "આ પ્રેસ કોન્ફરન્સમાં વિરોધ કરી રહેલા લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એવું લાગે છે કે તમે કોઈને પાઠ ભણાવવા માંગો છો.