KutchMitra Daily : ગામને જ્ઞાન આપતા 'કચ્છમિત્ર'ની રહેણાંક કોલોનીમાં જ અનિયમિતતાની ફરિયાદ, પત્રકારે રજિસ્ટ્રારને પત્ર લખીને વહીવટ ઠપ્પ થઈ ગયો હોવાની પોલ ખોલી !

સાવ મામૂલી ભાવે ફાળવવામાં આવેલા સો મીટરના 91 પ્લોટની 'કચ્છમિત્ર પરિવાર કોલોની'માં વર્ષોથી સામાન્ય સભા મળતી ન હોવાની ફરિયાદ ઉપરાંત મેઇન્ટેનન્સ પણ લેવાતું નથી, પત્રકારે ખુદ ફરિયાદનો લેટર ફેસબુક ઉપર પોસ્ટ કર્યો !

KutchMitra Daily : ગામને જ્ઞાન આપતા 'કચ્છમિત્ર'ની રહેણાંક કોલોનીમાં જ અનિયમિતતાની ફરિયાદ, પત્રકારે રજિસ્ટ્રારને પત્ર લખીને વહીવટ ઠપ્પ થઈ ગયો હોવાની પોલ ખોલી !

WND Network.Bhuj (Kutch) : કચ્છમાં સરહદના સંત્રી હોવાનો, પીળું નહીં પરંતુ ભેખધારી પત્રકારત્વ કરતા હોવાનો દાવો કરતા જિલ્લા કક્ષાના છાપા 'કચ્છમિત્ર'ની કોલોનીમાં જ અનિયમિતતાની ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. સરકાર દ્વારા સાવ મામૂલી ભાવે ફાળવવામાં આવેલા સો મીટરના 91 પ્લોટની ભુજની પાસે આવેલા માધાપરમાં આવેલી કચ્છમિત્ર પરિવાર કોલોનીમાં વર્ષોથી સામાન્ય સભા મળતી ન હોવાની ફરિયાદ ઉપરાંત  મેઇન્ટેનન્સ પણ ન લેવાને કારણે સો જેટલા પરિવાર રહે છે તે કોલોનીનો વહીવટ ઠપ્પ થઈ ગયો હોવાની જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદનો આ લેટર 'કચ્છમિત્ર' છાપામાં ફરજ બજાવી ચૂકેલા સિનિયર જર્નાલિસ્ટએ ફેસબુક ઉપર મુક્યો છે. સરકાર અને તંત્રની ખામીઓને ઉજાગર કરનાર જિલ્લા કક્ષાના છાપાની કોલોનીમાં ચાલતી અનિયમિતતાની વાત બહાર પાડનારા પત્રકારની હિંમતને લોકોએ બિરદાવી હતી.  

વર્ષોથી કચ્છમિત્ર છાપામાં કામ કરનારા અને ગાંધીધામ બ્યુરો ઓફિસના ચીફ તરીકે ફરજ બજાવી ચૂકેલા સિનિયર જર્નાલિસ્ટ અદ્વૈત નવીનચંદ્ર અંજારિયા ભુજના કો-ઓપરેટીવ સોસાયટીના જિલ્લા રજિસ્ટ્રારને માધાપર સ્થિત કચ્છમિત્ર પરિવાર કો-ઓપ.સોસાયટીની અનિયમિતતા સબબ ફરિયાદ કરી છે. તેમણે કરેલી ફરિયાદનો લેટર ફેસબુક સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અત્યંત ખેદ સાથે શેર કરતા પત્રમાં લખ્યું છે કે, વર્ષોથી કોલોનીની સામાન્ય સભા બોલાવવામાં આવી નથી. આ અંગે તેઓ સવાલ ઉઠાવે છે તો તેમને વિચિત્ર જવાબો આપવામાં આવે છે. થોડા વર્ષોથી તો કોલોનીનું મેઇન્ટેનન્સ પણ ન લેવાને કારણે સો જેટલા પરિવાર રહે છે તે કોલોનીનો વહીવટ ઠપ્પ થઈ ગયો છે. તેમણે આ ફરિયાદ પત્ર લાંબી રજૂઆત પછી પણ યોગ્ય કાર્યવાહી ન થવાને લીધે ના છૂટકે લખવો પડ્યો છે તેવું લેટરમાં જણાવ્યું છે. 

ગામના હિસાબો માંગવા છે પણ પોતાનો હિસાબ નથી કરવો, ઓડિટ પણ બાકી : પીળું નહીં પરંતુ ભેખધારી પત્રકારત્ત્વ કરતા હોવાનો આવાર-નવાર દાવો કરતા જિલ્લા કક્ષાના છાપા કચ્છમિત્રની કોલોનીમાં વર્ષોથી હિસાબ જ કરવામાં આવ્યા નથી. 'કચ્છમિત્ર' છાપામાં ન્યૂઝ રિપોર્ટ છાપીને ગામના હિસાબો માંગતા ફરતા અખબારની કોલોનીમાં વાર્ષિક હિસાબોનું ઓડિટ બાકી છે. વરિષ્ઠ પત્રકાર અદ્વૈત અંજારિયાએ તેમના લેટરમાં લખ્યું છે કે, ઓડિટ થયું નથી એટલે સામાન્ય સભા પણ મળતી નથી. 

ગુજરાત કોઓપરેટીવ સોસાયટી એક્ટ 1961ની જોગવાઈ મુજબ તેમણે કચ્છમિત્ર પરિવાર કોલોનીના બાયલોઝ, કારોબારી સમિતિના નામો, સામાન્ય સભાની મિનિટ્સની માગ કરીને સાત દિવસનો પૂરતો સમય આપ્યો હોવા છતાં તેમને માહિતી આપવામાં ન આવતા ન છૂટકે તેમને ફરીયાદ પત્ર લખવો પડ્યો હોવાનું સિનિયર જર્નાલિસ્ટ અદ્વૈતભાઈએ લેટરમાં ઉલ્લેખ કર્યો છે.