Kutch : અદાણી પોર્ટનાં 184 ઇલેક્ટ્રિક ટ્રકમાં ટેક્સ ચોરીને મામલે ભુજના તત્કાલીન RTO વિપુલ ગામિત સહીત ઇન્સ્પેક્ટર- ક્લાર્કનો ખુલાસો માંગવામાં આવ્યો...

ભુજના તત્કાલીન ઇન્ચાર્જ RTO વિપુલ ગામિત અને ત્રણ RTO ઇન્સ્પેક્ટર દ્વારા 30 લાખનો 'વહીવટ' થયો હોવાને મુદ્દે લાંબા સમયથી ચાલી રહી છે તપાસ

Kutch : અદાણી પોર્ટનાં 184 ઇલેક્ટ્રિક ટ્રકમાં ટેક્સ ચોરીને મામલે ભુજના તત્કાલીન RTO વિપુલ ગામિત સહીત ઇન્સ્પેક્ટર- ક્લાર્કનો ખુલાસો માંગવામાં આવ્યો...

WND Network.Bhuj (Kutch) : ભુજમાં પોતાની ફરજ દરમિયાન અવાર નવાર વિવાદમાં રહેલા તત્કાલીન ઇન્ચાર્જ RTO વિપુલ ગામિત અને ત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા મુન્દ્રાના અદાણી પોર્ટમાં આવેલા 184 ઇલેક્ટ્રિકલ ટ્રકને માર્ચ-2023માં માત્ર પાંચ કલાકમાં જ વેરીફાય કરીને પાસ કરી દેવાને મુદ્દે શનિવારે ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસથી ખુલાસો માંગવામાં આવ્યો છે. જેમાં પોતે નખશીખ પ્રામાણિક હોવાનો પબ્લિસિટી સ્ટન્ટ કરનારા ઇન્ચાર્જ RTO વિપુલ ગામિત સહીત બે RTO ઇન્સ્પેકટર તેમજ ત્રણ કારકુનને લેખિતમાં ખુલાસો કરવાની નોબત આવી છે. સમગ્ર મામલામાં ટેક્સ ચોરીની વાત આવતી હોવાને પગલે ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કચેરી દ્વારા આ મુદ્દે લાંબા સમયથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહી છે. પ્રામાણિક અને કડક અધિકારી તરીકેનો દંભ કરનારા તત્કાલીન ઇન્ચાર્જ RTO વિપુલ ગામીતને રાજ્ય સરકારે માત્ર પાંચ મહિનામાં બદલી નાખ્યા હતા. અને તેમના ફરજકાળ દરમિયાન અનેક વિવાદ પણ સામે આવ્યા હતા. વિપુલ ગામિત નામના આ અધિકારીએ ભુજમાં RTOનો ચાર્જ છોડયો તેના આગલે દિવસે જ સ્પેશિયલ ઇન્સ્પેક્શનનો ઓર્ડર કરીને ત્રણ ઈન્સ્પેક્ટરને મુન્દ્રા જઈને અદાણી પોર્ટમાં ઉભેલા 184 ઈમ્પોર્ટેડ ટ્રકની ચકાસણી કરવાનો ખાસ હુકમ કર્યો હતો. આ કામગીરી અંગેના જરૂરી ડોક્યુમેન્ટ ગાંધીનગરથી માંગવામાં આવતા મામલો બહાર આવ્યો હતો. 

ગાંધીનગરથી જેમની પૂછપરછ કરવામાં આવી છે તેમાં  તત્કાલીન ઇન્ચાર્જ RTO વિપુલ ગામીત ઉપરાંત RTO ઇન્સ્પેક્ટર વી.સી.દેસાઈ, ડી.એમ.પંચાલ, કારકુન હાર્દિક સોનાણી, આશિષ માલકીયા તથા જયદેવ સરવૈયાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, 16મી માર્ચ,2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા બદલીના હુકમમાં ભુજના ઇન્ચાર્જ RTO વિપુલ ગામિતની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. ગામિતે ભુજનો ચાર્જ મુક્યો તેના આગલા દિવસે એક સ્પેશ્યિયલ ઇન્સ્પેક્શનનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં મુન્દ્રામાં અદાણી પોર્ટમાં આવેલા ઈમ્પોર્ટેડ ઈ- ટ્રક્નું વેરિફિકેશન કરીને તેના રજીસ્ટ્રેશનની કામગીરી કરવાની હતી. આ કામગીરી માટે ભુજની RTO કચેરીમાંથી ત્રણ ઇન્સ્પેક્ટર મુન્દ્રા ગયા હતા. જેમાં બે કારમાં એજન્ટ સાથે ડી.એમ.પંચાલ, વી.સી.દેસાઈ અને અંકિત પટેલ નામના ઇન્સ્પેક્ટર પણ સાથે હતા. અંકિત પટેલને સંવેદનશીલ કામગીરી કરવા માટે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી મનાઈ હોવાને પગલે દેસાઈ અને પંચાલની ઓફિસિયલ આઈડી ઉપરથી ટ્રક રેજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરીફાય કરવાની કામગીરી કરવામાં આવી હતી. પ્રથમ નજરે જ ગળે ન ઉતરે તેવી આ ઝડપી કામગીરીમાં કચેરી સમય પછી રાતના સમયે સરકારી આઈડીમાંથી ઈ-ટ્રક રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર મામલો આમ તો પતાવી દેવામાં આવ્યો હતો પરંતુ ગાંધીનગર ખાતે આવેલી કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આ 'જેટ ગતિ'એ થયેલી કામગીરી અંગે ફરિયાદ થઈ અને ત્યારબાદ ત્યાંથી જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવતા મામલો બહાર આવ્યો હતો. 

સમગ્ર પ્રકરણમાં સરવૈયા નામના કારકુન કમ કેશિયર દ્વારા 113 રસીદ અને આશિષ માલકીયા નામના કર્મચારી દ્વારા 71 રસીદ ઈશ્યુ કરવામાં આવી હતી. જેને હાર્દિક સોનાની નામના કર્મચારીએ વેરીફાય કરી હતી. એટલે તેમનો પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણ સંદર્ભે જેમની પાસે ભુજ RTOનો ચાર્જ છે તેવા પ્રદીપ વાઘેલાનો પણ સંપર્ક કરવામાં આવતા તેમણે ચાલુ તપાસને મુદ્દે જ ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ટેક્સ ચોરી થઇ છે કે કેમ તે આ તબક્કે ન કહી શકાય તેમ પ્રદીપ વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું. 

ક્લાર્ક દ્વારા કરવાની કામગીરી ઈન્સ્પેક્ટરે કરી હતી :-  મુન્દ્રાના અદાણી પોર્ટમાં આવેલા 184 ઈ-ટ્રકને પાસ કરવાની ઝડપી કામગીરીમાં ભુજની RTO કચેરીની વધુ પડતી ઝડપ અને સતર્કતા નવાઈ લાગે તેવી છે. ખાસ કરીને જે કામગીરી ક્લાર્ક લેવલે કરવાની તેમાં ઇન્સ્પેક્ટર જાતે પોતાની આઈડીમાંથી કામગીરી કરી છે. જે ગળે ઉતરે તેમ નથી. વળી જરૂરી ડોક્યુમેન્ટ રાતે કચેરી સમય બાદ અપલોડ કરવામાં આવ્યા છે.  

ઝડપથી કામ કરવામાં સરકારમાં જમા કરવાની ફી લેવાનું ભુલાઈ ગયું અને ગફલો બહાર આવ્યો :- માત્ર પાંચ કલાકના ટૂંકા સમયગાળામાં 184 ટ્રકને વેરીફાય કરવાની કામગીરી માટે RTO કચેરીના આ સ્ટાફને એવોર્ડ આપવો જોઈએ તેવી હતી. પરંતુ ઝડપી કામ કરવાની લ્હાયમાં વાહનના સ્પેશિયલ ઇન્સ્પેક્શન માટે જે જરૂરી ફી ભરવાની હોય તે જ ભુલાઈ ગયું હતું. માત્ર ફી રસીદ જ નહીં પરંતુ બે નંબરના રૂપિયા લેવાની ઉતાવળમાં જરૂરી ડોક્યુમેન્ટ પણ ભેગા કરવાની તસ્દી લેવામાં આવી ન હતી. અને આ શોધખોળને કારણે જ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હવે આ મામલે ટેક્સ ચોરી કરીને સરકારી તિજોરીને નુકશાન કરવાના મુદ્દે આકરી કાર્યવાહી થઇ શકે છે. 

184 ઈ-ટ્રક માટે 30 લાખમાં ડીલ થઈ હોવાનો ગંભીર આરોપ :- ઝડપી કામગીરી કરવામાં આવી તેના માટે વિરોધ ન હોવો જોઈએ. પરંતુ સમગ્ર પ્રકરણમાં 30 લાખના ગેરકાયદે વહીવટની વાતથી રાજ્યની ભાજપ સરકારનું ખરાબ લાગી રહ્યું છે. સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે, તત્કાલીન ઇન્ચાર્જ RTOના કાર્યકાળ દરમિયાન મુન્દ્રા પોર્ટમાં 184 ટ્રકના વેરિફિકેશનનો મામલો આવ્યો હતો. ગામિતની બદલી થઈ ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ ન હતી. તેવામાં અચાનક ચાર્જ છોડવાના એક દિવસ પહેલા વિપુલ ગામિત સ્પેશ્યિલ ઇન્સ્પેક્શનનો ઓર્ડર કરે છે. અને જેટલી ઝડપથી ઓર્ડર થાય છે તેટલી જ ઝડપથી ગણતરીના કલાકોમાં ટ્રકને વેરીફાય કરીને તેની નોંધણી પણ કરી દેવામાં આવે છે. આ સમગ્ર કામ માટે 30 લાખમાં ડીલ થઈ હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. એટલે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા જે તે સમયે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક માત્ર ડી.એમ.પંચાલ નામના ઇન્સ્પેક્ટર સિવાય કોઈએ આ ગંભીર મામલે વાત કરવાની તસ્દી લીધી ન હતી. ધ્રુવ પંચાલ નામના ઇન્સ્પેક્ટર દ્વારા 30 લાખની વાત સાવ જ ખોટી હોવાનું જણાવ્યું હતો. ઇન્સ્પેકટર પંચાલે તો એવો પણ દાવો કર્યો હતો કે, સ્પેશિયલ ઇન્સ્પેકશન જેવા ખાસ કિસ્સામાં RTOને વાહનની સરકારી ફી નહિ લેવાની પણ સત્તા છે. તેમણે આવું સરકારી ફીની રસીદ ન મળતી હોવાને સંદર્ભે કહ્યું હતું.