KutchMitraDaily Adani Group : શું કચ્છનું જિલ્લા કક્ષાનું અગ્રણી અખબાર વેચાઈ ગયું છે ? જાણો શું જવાબ આપ્યો છે 'કચ્છમિત્ર'નું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીએ

જન્મભૂમિં સમૂહના 'કચ્છમિત્ર' સહિતના અખબારોનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં અદાણી ગ્રુપના પ્રણવ વિનોદભાઈ અદાણીની ટ્રસ્ટી તરીકેની નિયુક્તિ બાદ મામલો ચર્ચામાં આવેલો

KutchMitraDaily Adani Group : શું કચ્છનું જિલ્લા કક્ષાનું અગ્રણી અખબાર વેચાઈ ગયું છે ? જાણો શું જવાબ આપ્યો છે 'કચ્છમિત્ર'નું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીએ

ઉપરોક્ત તસવીરમાં કચ્છમિત્ર અખબારમાં પ્રસિદ્ધ થયેલા અદાણી ગ્રુપના ન્યૂઝની ઇમેજ તેમજ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં જેમની નામના થાય છે તે ગૌતમ અદાણી સાથે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને અદાણી (એગ્રો-ઓઇલ-ગેસ)ના મેનેજીંગ ડિરેક્ટર પ્રણવ અદાણી (જમણી બાજુ છેલ્લે) જોઈ શકાય છે - Photo Credit : BusinessToday 

WND Network.Bhuj (Kutch) : કચ્છ જિલ્લાના અગ્રણી અખબારને દેશના મોટા ઉદ્યોગ સમૂહ દ્વારા ખરીદી લેવામાં આવ્યું હોવાની ચર્ચા માત્રથી માત્ર મીડિયા સમૂહમાં જ નહીં પરંતુ ઉદ્યોગ જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જ કચ્છમાં સૌથી વધુ ફેલાવો ધરાવતા અને સમાચારની દુનિયામાં જેનું નામ માન અને આદર સાથે લેવાય છે તેવા 'કચ્છમિત્ર' અખબારે તેનો 78મો જન્મ દિવસ ઉજવ્યો છે ત્યારે ન્યૂઝ પેપરનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટને જ ખરીદી લેવાની વાતે ખાસ્સી એવી ચર્ચાઓ થઈ રહી છે. NDTV ઇન્ડિયા તેમજ NEWS18 જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમમાં એન્ટ્રી કરી ચૂકેલા અદાણી ગ્રુપે સરહદી જિલ્લા કચ્છમાં આગવું સ્થાન ધરાવતા 'કચ્છમિત્ર' ન્યૂઝ પેપર ઉપર ટ્રસ્ટી તરીકે પોતાના લોકોને નિયુક્ત કરીને આડકતરી રીતે આ અખબાર ઉપર આધિપત્ય જમાવી લીધું છે. જન્મભૂમિં સમૂહના 'કચ્છમિત્ર' સહિતના અખબારોનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં અદાણી ગ્રુપના પ્રણવ વિનોદભાઈ અદાણીની ટ્રસ્ટી તરીકેની નિયુક્તિ બાદ મામલો સૌ પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો. 

કચ્છ જિલ્લા તેમજ અહીંના લોકોના હિત માટે સૌથી આગળ રહેતા 'કચ્છમિત્ર' અખબારમાં લગભગ દરરોજ અદાણી સમૂહને લાગતા પોઝિટિવ ન્યૂઝ આવતા હોવાને કારણે પણ આ ચર્ચાને વેગ મળી રહ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ અદાણી સમૂહને ભાજપની સરકાર સાથે સારું કહી શકાય તેવું ટયુનિંગ છે તેવામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ મંગળવારે કચ્છમિત્ર ભવનની મુલાકાતે આવી રહ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ કચ્છમાં કોઈ અખબારની કચેરીએ આંટો મારવા ગયા હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે. 

અખબાર વેચાઈ ગયું હોવાની વાત CHA ના ન્યૂઝથી બહાર આવેલી : આમ તો જયારે 'કચ્છમિત્ર' અખબારનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે પણ અદાણીની પ્રિન્ટ મીડિયામાં એન્ટ્રી સંબંધે ચર્ચાઓ ચાલી હતી. પરંતુ થોડા સમય પહેલા જયારે કચ્છના કસ્ટમ હાઉસ એજન્ટ્સ (CHA)ની સમસ્યાને વાચા આપતા એક ન્યૂઝ કચ્છમિત્ર પેપરમાં આવ્યા હતા. ત્યારે તેને ગંભીરતાથી લેવામાં આવ્યા હતા. આ ન્યૂઝ અદાણી પોર્ટને અસર કરે તેમ હતા. અને ત્યારબાદ અદાણી ગ્રુપ કચ્છમિત્ર અખબારને જ ખરીદી લેવા માટે તૈયાર હોવાની વાત બહાર આવી હતી. 

કોણ છે પ્રણવ અદાણી અને શું કહ્યું છે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીએ : હિંડનબર્ગના રિપોર્ટ બાદ જેમની સૌથી વધુ ચર્ચા થઈ હતી તે વિનોદભાઈ શાંતિલાલ અદાણીના ગૌતમભાઈ અદાણીના મોટા ભાઈ છે. જેઓ ભારતની બહાર રહે છે. પ્રણવ અદાણી તેમના દીકરા છે. એટલે સંબંધની રીતે જોવા જઈએ તો પ્રણવ અદાણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના સગા ભત્રીજા થાય. પ્રણવભાઈ અદાણી ગ્રુપમાં ઓઇલ અને ગેસના મેનેજીંગ ડિરેક્ટર હોવા ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પણ છે. 

જિલ્લાનું સૌથી જૂનું, પ્રામાણિક અને નિડર 'કચ્છમિત્ર' અખબાર વેચાઈ ગયું છે કે નહીં તે જાણવા અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા તેનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાર્દિકભાઈએ આવી કોઈ જ વાતમાં તથ્ય ન હોવાનું દાવા સાથે ભારપૂરક કહ્યું હતું.