ગુજરાતમાં પાછલે બારણે ડીસ-ઇન્વેસ્ટમેન્ટનો તખ્તો તૈયાર, સરકારી નિગમમાં MD તરીકે હવે ખાનગી વ્યક્તિ, બે નિવૃત IAS ઇન્ટરવ્યૂ પણ આપી આવ્યા
વડાપ્રધાન મોદીભાઈની બે દિવસની ગુજરાતની મુલાકાત પહેલા જ રાજ્યની ભાજપ સરકારે તેની GSFC, GNFC અને GACLના MDની પોસ્ટ માટે અમદાવાદ શાહીબાગમાં સર્કિટ હાઉસ ગુપચુપ ઇન્ટરવ્યૂ પણ લઈ લીધા

WND Network.Gandhinagar : ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસન વખતથી જેની ચર્ચાઓ ચાલી રહી છે તે સરકારી સાહસો-નિગમોનું વિનીવેશીકરણ એટલે કે ડીસ-ઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા હવે પાછલે બારણે થઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે, જે જગ્યાએ પહેલા સરકારી અધિકારી સિનિયર IASની મેનેજીંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત થતી હતી ત્યાં હવે બિન-સરકારી એટલે કે, ખાનગી વ્યક્તિને ગોઠવવાનો ઓફિશ્યલ પ્લાન અમલમાં આવી ગયો છે. થોડા સમય પહેલા ચાલુ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ગુજરાત સરકાર દ્વારા તેના નિગમ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ (Gujarat State Fertilizers & Chemicals Limited - GSFC), ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ (Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited - GNFC) તેમજ ગુજરાત અલ્કાઈઝ એન્ડ કેમિકલ્સ (Gujarat Alkalies and Chemicals Limited - GACL) માટે મેનેજીંગ ડિરેક્ટરની પોસ્ટ માટે રિક્રૂઈંટ્મેન્ટ - ઓપન ઇન્ટરવ્યૂની જાહેરાત આપવામાં આવી હતી. જેમાં હવે કોઈપણ જાતના અવાજ કે ચર્ચા વિના આ પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂ લેવાય ગયા છે. MDની પોસ્ટ માટેના સાક્ષાતકાર માટે અન્ય ઉમેદવારની સાથે તાજેતરમાં જ નિવૃત્ત થયેલા બે સિનિયર IAS ઓફિસર પણ ઇન્ટરવ્યૂ આપી આવ્યા છે. એટલે સંભવ છે કે, આ ત્રણ નિગમમાંથી ઓછામાં ઓછા બે નિગમમાં MD તરીકે આ રિટાયર્ડ IAS સચવાઈ - ગોઠવાઈ જશે. વળી આને યોગાનુયોગ કહો કે ગમે તે, ગુજરાતના પનોતા પુત્ર PM નરેન્દ્રભાઈ મોદી ગુજરાત આવવવાના હતા તેના ચાર દિવસ પહેલા જ આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અમદાવાદમાં શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે ગુપચુપ સંપન્ન કરી દેવામાં આવી હતી.
ગુજરાત સરકારના જાહેર સાહસ GSFC અને GACLના MD ની પોસ્ટ માટે ગઈ ત્રીસમી એપ્રિલ,2025ના રોજ અને GNFCના MD માટે મે મહિનાની પહેલી અને બીજી તારીખે વિવિધ અખબારોમાં જાહેરાત આપવામાં આવી હતી. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ મે મહિનાની 16 તારીખ હતી. અરજીઓ આવ્યા બાદ ઇન્ટરવ્યૂ માટે 21મી ઓગસ્ટના રોજ એટલે કે PM મોદીની ગુજરાત વિઝિટના ચાર દિવસ પહેલા અમદાવાદ શાહીબાગ ખાતે ઇન્ટરવ્યૂ લેવાનું ગોઠવવામાં આવ્યું હતું. ઓપનમાં થયેલી આ જાહેરાતના ઇન્ટરવ્યૂની જાણકારી એટલી હદે સિક્રેટ રાખવામાં આવી હતી કે, ખુદ સર્કિટ હાઉસના અધિકારીઓને પણ આ અંગે અજાણ હતા.
ઇન્ટરવ્યૂ પેનલના અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારના ચીફ સેકેટરી પંકજ જોશી (IAS Pankaj Joshi) તેમજ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ - ACS એસ.જે.હૈદર (IAS S J Haidar) ઉપરાંત જે તે ફિલ્ડ એક્સપર્ટને પણ બોલાવવામાં આવ્યા હોતા. ઇન્ટરવ્યૂ આપનારા ઉમેદવારોમાં અન્ય કેન્ડિડેટની સાથે તાજેતરમાં ગુજરાત કેડરમાંથી નિવૃત્ત થયેલા IAS જે.પી.ગુપ્તા (IAS J P Gupta) તેમજ IAS કમલ દયાની (IAS Kamal Dayani) આવ્યા હોવાનો દાવો સૂત્રોએ કર્યો છે. સર્કિટ હાઉસમાં ગોઠવવામાં આવેલા આ ઇન્ટરવ્યૂ અંગેની વધુ વિગતો મેળવવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા મુખ્ય સચિવ પંકજ જોશીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ મળી નો રીપ્લાય થયા હતા. મેસેજથી પણ તેમને જાણ કરીને આ મામલે તેમનો એક્સપર્ટ વ્યુ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ન્યૂઝ રિપોર્ટ ફાઈલ થયો ત્યાં સુધી તેમનો કોઈ જવાબ મળ્યો ન હતો.
સિનિયર IAS કમલ દયાનીનું ઇન્ટરવ્યૂ બેચ વાઈઝ તેમનાથી જુનિયર IAS હૈદરે લીધું : અમદાવાદમાં શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે 21મી ઓગસ્ટના રોજ ગોઠવવામાં આવેલા ઇન્ટરવ્યૂની પેનલમાં વર્ષ 1991ની બેચના IAS એસ.જે.હૈદર હોદાની રૂએ પેનલમાં હતા. હૈદર હાલ ઉર્જા વિભાગના ACS તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઇન્ટરવ્યૂ આપવા આવેલા IAS કમલ દયાની 1990ની બેચના વય મર્યાદાને લીધે નિવૃત્ત થયેલા અધિકારી છે. આમ બેચ વાઈઝ સિનિયર દયાનીનું ઇન્ટરવ્યૂ તેમના જુનિયર હૈદરે લીધું હતું એમ કહી શકાય.
IAS J.P. ગુપ્તા અને IAS કમલ દયાની ગોઠવાઈ જાય તો IAS S.J. હૈદર માટે જર્કમાં જવાનો રસ્તો સાફ : ગુજરાતની તમામ સરકારી ઉર્જા કંપની - નિગમ ઉપરાંત અદાણી અને ટોરેન્ટ જેવા મોટા ખાનગી ઉદ્યોગ સમૂહ ઉપર નિયંત્રણ કરવા માટેના ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન - ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC)ના ચેરમેન રિટાર્યડ IAS અનિલ મુકીમનો કાર્યકાળ ચાલુ મહિને ઓગસ્ટમાં વય મર્યાદાને લીધે પૂરો થઈ રહ્યો છે. એટલે IAS અનિલ મુકીમ (IAS Anil Mukim)ને સ્થાને કોણ ગોઠવાશે તે જાણવા માટે મોટા ખાનગી ઉદ્યોગ સમૂહ સહીત ગુજરાતની IAS લોબી ઉપરાંત રાજકારણીઓ પણ ઊંચાનીચા થઈ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો, મુકીમના સ્થાને તાજેતરમાં નિવૃત્ત થયેલા IAS જગદીશ પ્રસાદ ગુપ્તા ઉર્ફે જે.પી.ગુપ્તા, કમલ દયાની ની સાથે સાથે હાલમાં સેવારત IAS એસ.જે. હૈદરનું નામ પણ ચર્ચામાં છે. કરોડો નહીં પરંતુ હજારો અબજો રૂપિયાની 'સત્તાવાર' લેવડ દેવડ ઉપર અસર કરનારી આ પોસ્ટ માટે એવું ચર્ચામાં છે કે, ગુજરાતની ભાજપ સરકાર હાલના ચાલુ IAS એસ.જે. હૈદરને VRS અપાવીને ગોઠવવા માંગે છે. પણ બીજી બાજુ જે.પી.ગુપ્તા પણ જર્ક માં જવા માટે ઉત્સુક છે. તેમના પછી રિટાયર્ડ થયેલા દયાનીને પણ પોસ્ટ રિટાયરમેન્ટ કામ જોઈએ છે. અને એટલે જ કદાચ આ બંને બાબુઓ ઇન્ટરવ્યૂ આપવા ગયા હશે. હવે ધારો કે, જો બંનેને સરકાર ત્રણમાંથી કોઈપણ બે નિગમમાં MD તરીકે ગોઠવી દે તો IAS હૈદરનો જર્ક જવાનો રસ્તો સાફ થઇ જાય તેમ છે. અલબત્ત આવી વાતોનો કોઈ ચોક્કસ આધાર પુરાવો નથી. પરંતુ હકીકત એ પણ છે કે, જે અધિકારીઓ MDની જાહેરાત કે ઇન્ટરવ્યૂ અંગે પણ મીડિયા સાથે વાત કરવાનું ટાળતા હોય તે જર્કની વાતે કેમ બોલે ?
ડીસ ઇન્વેસ્ટમેન્ટના અબજો રૂપિયાના ખેલમાં ગુજરાત ભાજપના નેતાઓ ખુબ કમાયા : સરકારી કંપની - નિગમના શેર્સની કિંમત બજારમાં નીચી હોય ત્યારે ઓછા ભાવે તેના શેર ખરીદી લેવામાં આવતા હતા. કારણ કે, સરકારમાં રહેલા, ડીસ ઇન્વેસ્ટમેન્ટની પોલિસી નક્કી કરતા સરકારના મંત્રીઓને ખબર હોય કે કયારે કેવી અને શું જાહેરાત કરવાની છે. એટલે આવી કોઈ જાહેરાત કરતા પહેલા ગુજરાત ભાજપના નેતાઓ નીચા ભાવે સરકારી કંપનીઓના શેર્સ ખરીદી લેતા હતા. અને જેવી જાહેરાત થાય કે તરત બજારમાં તેના ભાવ ઊંચકાય એટલે પાછા તેને વેચી પણ દેતા હતા. આ ખેલમાં ગુજરાતના ભાજપના ટોપનાં નેતાઓ અબજો રૂપિયા બનાવી ગયા છે. આ અંગેના ન્યૂઝ રિપોર્ટ્સ જે તે સમયે અંગ્રેજી અખબાર 'ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'માં અવાર-નવાર પબ્લિશ થઇ ચુક્યા છે. ભૂતકાળમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીભાઈ એ તો ડીસ ઇન્વેસ્ટમેન્ટની પોલિસી માટે ડીસ ઇન્વેસ્ટમેન્ટ કમિશનની રચના પણ કરી હતી. જેના અધ્યક્ષ તરીકે રિટાયર્ડ IAS કે.વી.ભાનુજન હતા. જો કે ડીસ ઇન્વેસ્ટમેન્ટ કમિશનના કે.વી.ભાનુજનની રિપોર્ટ ઉપર પણ કોઈ ઠોસ કામગીરી થઈ ન હતી. ગુજરાતના મુખ્યપ્રધાન મોદીભાઈ ત્યારે પણ કામગીરીમાં કડક અને પ્રામાણિક હતા, જેવા અત્યારે છે.