New Zealand : અમુલના વાઇસ પ્રેસિડેન્ટ વલમજી હુંબલ સાથે ગયેલી બે વ્યક્તિએ વિદેશી મહિલા સાથે અશોભનીય વર્તન કર્યું, પોલીસ ફરિયાદ પણ થઈ

વિદેશી મહિલાને સેલ્ફી લેવાનું કહીને પકડી લેવામાં આવી હોવાના આક્ષેપથી સફેદ સહકારી ક્ષેત્ર વિદેશમાં કલંકિત થયું

New Zealand : અમુલના વાઇસ પ્રેસિડેન્ટ વલમજી હુંબલ સાથે ગયેલી બે વ્યક્તિએ વિદેશી મહિલા સાથે અશોભનીય વર્તન કર્યું, પોલીસ ફરિયાદ પણ થઈ

WND Network.Bhuj (Kutch) : બિઝનેશ ડીલ માટે ન્યૂઝીલેન્ડ ગયેલા અમુલના ડેલિગેશન સામે ગંભીર પ્રકારની ફરિયાદ થઈ હોવાનું બહાર આવ્યું છે. અમુલના વાઇસ પ્રેસિડેન્ટ વલમજી હુંબલ સાથેના ડેલિગેશનમાં રહેલી બે વ્યક્તિએ સોમવારે એક કાર્યક્રમ દરમિયાન ત્યાંની એક વિદેશી મહિલા સાથે સેલ્ફી લેવા માટે રક્ઝક કરી હતી. ન્યૂઝીલેન્ડના મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે, મહિલાની સેલ્ફી લેવા જતા આ બે વ્યક્તિએ તેને પકડી લીધી હતી. જેને પગલે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ન્યૂઝીલેન્ડના કાયદા પ્રમાણે આવી ઘટનામાં આરોપીઓના નામ ઝડપથી બહાર આવતા નથી. એટલે કઈ બે વ્યક્તિએ ભારતની આબરૂ ઉપર બટ્ટો લગાવ્યો છે તે હજુ જાણી શકાયું નથી. પરંતુ અમુલના મેનેજીંગ ડિરેક્ટર જયેન મહેતાએ આવી ઘટના બની હોવાનું 'ન્યૂઝ હબ' નામના એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું.  

ન્યૂઝ પોર્ટલના જણાવ્યા મુજબ, ન્યૂઝીલેન્ડની પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે કે, તેમને એક મહિલાની ફરિયાદ મળી છે. જેમાં  ન્યૂઝીલેન્ડની મહિલા દ્વારા આરોપ મૂક્યો છે કે, તેણીને વેપાર મુલાકાત માટે આવેલા બે ભારતીય પુરુષો દ્વારા "પકડવામાં આવી હતી" અને તેના "અનિચ્છનીય ફોટોગ્રાફ્સ" લેવામાં આવ્યા હતા. જેનો તેણે વિરોધ કર્યો હતો. 

ભારતના સમગ્ર સહકારી ક્ષેત્ર માટે શરમજનક કહી શકાય તેવી આ ઘટનામાં ખરેખર શું થયું હતું અને છેડતી કરનારા બે વ્યક્તિ કોણ હતા તે જાણવા માટે વેબ ન્યૂઝ દુનિયા દ્વારા અમુલના વાઇસ પ્રેસિડેન્ટ વાલમજી હુંબલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો મોબાઈલ ફોન સતત નો રીપ્લાય થયો હતો.