Breaking : સ્મૃતિવન પ્રોજેક્ટની સમીક્ષા માટે કાલે કચ્છની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મોદીને કચ્છ આવવું છે પણ...જાણો શા માટે પછી ઠેલાઇ રહી છે PM મોદીની કચ્છ મુલાકાત...

Breaking : સ્મૃતિવન પ્રોજેક્ટની સમીક્ષા માટે કાલે કચ્છની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

WND Network.BHuj (Kutch) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છની સૂચિત મુલાકાત છેલ્લા બે મહિનાથી પાછી ઠેલાઇ રહી છે. ભુજના ભુજીયા ડુંગર ઉપર કરોડો રૂપિયાને ખર્ચે તૈયાર થઈ રહેલું સ્મૃતિવન તૈયાર ન હોવાને કારણે મોદીની કચ્છ મુલાકાત સતત પાછી ઠેલવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી માટે કેટલો મહત્વનો છે એ વાતનો અંદાજ તેની ઉપરથી જ લગાવી શકાય છે કે, એક મહિનામાં ત્રણ વખત ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમાર સ્મૃતિવનની સમીક્ષા મુલાકાત લઇ ચુક્યા છે. અને હવે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાતે કાલે મંગળવારે ભુજ આવી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ગમે તે ભોગે સ્મૃતિવનનું લોકાર્પણ કરવાનું રાજ્ય સરકાર મન બનાવી ચુકી છે. જેને પગલે માત્ર ભુજમાં જ નહિ પરંતુ ગાંધીનગરથી માંડીને દિલ્હી પીએમઓમાં પણ રોજે રોજ બ્રિફિંગ કરવામાં આવી રહ્યું છે. 

છેલ્લા એક મહિનાના ટૂંકા ગાળામાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર જાતે ભુજ આવીને પ્રોજેક્ટની સમીક્ષા કરી ચુક્યા છે. તેવામાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ સ્મૃતિવનની સમીક્ષા કરવા માટે કાલે મંગળવારે ભુજની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. સીએમ આવે છે એટલે ચીફ સેક્રેટરી પંકજકુમાર પણ આવશે. તેમની આ મુકાલાત અંગે મુખ્ય સચિવ પંકજકુમારનો સંપર્ક કરતા તેમણે  પ્રોગ્રામ બની રહ્યો હોવાનું જણાવ્યું હતું. જયારે કલેક્ટર તો સીએમ પટેલ આવતા હોવાથી સોમવારથી જ તૈયારીઓમાં જોતરાઈ ગયા હતા. કચ્છમાં સ્મૃતિવન પ્રોજેક્ટની સમીક્ષા કરવા ઉપરાંત મુખ્યપ્રધાન પટેલ ગાયોમાં ફેલાયેલા લમ્પી રોગ અંગે કચ્છના તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કરવાના છે. તેઓ ગાયોની જયાં અંતિમ નિકાલ કરવામાં આવ્યો છે ત્યાં પણ જાય તેવી સંભાવના છે. 

350 કરોડના સ્મૃતિવનનું ઘણું કામ બાકી છે પણ... :- ભુજીયા ડુંગરની તળેટીમાં 350 કરોડના ખર્ચે સ્મૃતિવન પ્રોજેક્ટ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપમાં માર્યા ગયેલા લોકોની સ્મુર્તિમાં આ વન તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનો દાવો ગુજરાત સરકાર કરી રહી છે. જેમાં મ્યુઝિયમ, વિવિધ હોલ, ગેલેરી, સન પોઇન્ટ વગેરે જેવા આકર્ષણના કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. તળેટીમાં ચેકડેમ પણ બનાવાયા છે. પરંતુ આશ્ચર્યજનક રીતે કચ્છમાં તાજેતરમાં ભારે વરસાદ છતાં તે ભરાયા નથી. જેને લઈને જાણકારો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. રાત દિવસ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. તેવામાં હવે જોવાનું એ રહ્યું કે ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાન મોદીને કચ્છમાં આવવાનો મોકો મળે છે કેમ...