Kutch Land Scam : જમીન કૌભાંડના મામલે બેવડા માપદંડ, એક એકર જમીનમાં કેસ થાય તો 29 એકર સરકારી જમીનને રેગ્યુલર કરી બિન ખેતી કરનારા IAS સામે ગુન્હો ન બને ?
જમીનનો સત્તા પ્રકાર નક્કી કર્યા વિના સરકારી પડતર લેન્ડને રેગ્યુલર કરીને બિન ખેતી કરવાના પ્રકરણમાં સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન
WND Network.Bhuj (Kutch) : ગુજરાત સરકાર દ્વારા જમીન કૌભાંડને લઈને રાજ્યમાં, ખાસ કરીને કચ્છમાં આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ તેમાં બેવડા માપદંડ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કારણ કે એક તરફ જયાં રાજ્યની ભાજપની સરકાર એક એકર સરકારી જમીન વધુ આપવા સહિતના જુદા-જુદા મુદ્દે કચ્છના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા (IAS Pradeep Sharma) સામે આકરી કાર્યવાહી કરીને CID ક્રાઇમમાં ફરિયાદ નોંધીને ધરપકડ કરે છે ત્યાં બીજી તરફ ભુજની શરૂઆતથી જ સરકારી ખરાબાની એવી 29 એકર જમીનને રેગ્લયુર કરીને બિન ખેતી કરી દેનારા IAS અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી નથી કરી રહી.
પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા સામે કરવામાં આવેલી કાર્યવાહીને જોઈને વહીવટી તંત્રથી માંડીને સીઆઇડી ક્રાઇમને જેટલા અભિનંદન આપીએ અને પીઠ થાબડીએ એટલું ઓછું છે. કારણ કે સરકારી તિજોરીને નુકશાન કરવાના મામલે આટલી ત્વરિત કાર્યવાહી ભાગ્યે જ જોવા મળતી હોય છે. પરંતુ જયારે વર્ષોથી સરકારી પડતર એવી 29 એકર જમીનને નિયમિત કરીને બિન ખેતી કરી દેવામાં આવે છે તેવા મામલામાં જવાબદાર અધિકારીઓ સામે કચ્છનું તંત્ર કે સરકાર ભેદી ચૂપકેદી સેવી લે ત્યારે કયાંક ગરબડ હોવાની આશંકાને બળ મળે છે.
રાજ્ય સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાના આ સમગ્ર વિવાદની શરૂઆત આમ તો વર્ષ 2014માં થઇ હતી. પરંતુ મામલો ત્યારે સપાટી ઉપર આવ્યો જયારે મહેસુલ વિભાગ (વિવાદ)ના સચિવ દ્વારા કચ્છના કલેક્ટરને તા. 15/05/2023ના રોજ પત્ર લખીને પૂછવામાં આવ્યું કે, કચ્છ કલેક્ટર દ્વારા બિન ખેતી અંગે કરવામાં આવેલા ઓર્ડરમાં જમીનનો સત્તા પ્રકાર સરકારી પડતર લખાયેલ હોવા છતાં આવી સરકારી પડતર જમીનનું બિન ખેતીમાં રૂપાતંર કયા સંજોગોમાં થયું છે. મહેસુલ વિભાગ (વિવાદ)ના સચિવના લેટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, તે બાબતે ફાઈલ ઉપર કોઈએ ધ્યાન દોર્યું છે કે કેમ ? અને આવી સરકારી પડતર જમીનનું બિન ખેતીમાં રૂપાંતર કરતી વેળાએ સત્તા પ્રકારનો સુધારો કોણે અને કયા સંજોગોમાં કરવામાં આવ્યો છે તે અંગેનો ખુલાસો કરવો.
પચીસેક કરોડના પ્રીમિયમ પછી પણ ન મળી શકે તેવી સરકારી પડતર જમીનને બિન ખેતી કરી દેવામાં આવી છે. જેમાં સમગ્ર મામલો ભુજની સિવિલ કોર્ટથી લઈને વિવાદ સચિવ અને હાઇકોર્ટ સુધી પહોંચેલો છે. અને હાલમાં ત્યાં બાલાજી ગ્રીન્સ બંગલૉઝ નામની મસમોટી સ્કીમ પણ ઉભી કરી દેવામાં આવી છે. જેમાં લોકોએ પોતાની જીવનભરની પુંજીનું રોકાણ કર્યું છે. પરંતુ મામલો વિવાદમાં આવી જતા જે લોકોએ તેમની જીવનભરની માયાની મૂડી રોકી છે તેઓ ચિંતામાં પડી ગયા છે.
ભુજ શહેરની ભાગોળે તાલુકાની હદમાં આવેલા સર્વે નંબર 186 અને 186 પૈકી એકની જમીનના માલિક તુલસીભાઇ જોશીનો 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરીને સમગ્ર મામલો શું છે અને હાલ તેનું શું સ્ટેટસ છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તુલસીભાઇએ આ મામલે તેમના એડવોકેટ કિરણભાઈ ગણાત્રાનો સંપર્ક કરીને માહિતી મેળવી લેવાનો સતત આગ્રહ કરવામાં આવ્યો હતો. હાલ આ જમીનને મુદ્દે મનાઈ હુકમ પણ આવેલો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્માના કેસની જેમ કચ્છનું વહીવટી તંત્ર સરકારી પડતર જમીનને રેગ્યુલર કરીને બિન ખેતી કરી દેવાના મામલે કોઈ એક્શન લે છે નહીં.
કચ્છનું વહીવટી તંત્ર આ મામલે શું કાર્યવાહી કરી રહી છે તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા કચ્છના હાલના કલેક્ટર IAS અમિત અરોરા (Gujarat Cader IAS Amit Arora)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. IAS અમિત અરોરા પોતે બહાર હોવાને કારણે તેમજ મામલો બહુ જૂનો હોવાને પગલે તેમના ચીટનીશ પી.એમ.સોઢા પાસેથી માહિતી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. કચ્છ કલેક્ટરના ચીટનીશ પી.એમ.સોઢાએ એક કલાકમાં માહિતી આપુ છું તેમ જણાવીને બાદમાં કોલ કરવા કહ્યું હતું. અલબત્ત ત્યારબાદ ચીટનીશ પીરદાનભાઈ સોઢાનો મોબાઈલ ફોન સતત નો રિપ્લાય રહ્યો હતો.
કચ્છના તત્કાલીન કલેક્ટર IAS એમ.થેન્નારસને સરકારી પડતર જમીનને રેગ્યુલર કરવાનો ઇન્કાર કરેલો : કરોડો રૂપિયાની સરકારી પડતરની જમીનના આ કેસમાં 29 વર્ષના અસાધારણ વિલંબ બાદ પછી પ્રમોલગેશનની નોંધને ચેલેન્જ કરવાની અરજીને કચ્છના તત્કાલીન કલેક્ટર IAS એમ.થેન્નારસન (IAS M. Thennarasan) દ્વારા ફગાવી દેવામાં આવી હતી. અને મામલો મહેસુલ કાયદાની કલમ 37(2) હેઠળ મામલતદાર સમક્ષ દાવો કરવો પડે તેવો હુકમ કરવામાં આવ્યો હતો. ભુજ તાલુકામાં શનિ મંદિરની પાસે આવેલી જમીન વર્ષોથી રેકર્ડ ઉપર સરકારી પડતર હોવાનું ધ્યાનમાં આવતા કચ્છના તત્કાલીન કલેક્ટર IAS એમ.થેન્નારસન દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો.
તત્કાલીન કચ્છ કલેક્ટર IAS મહેન્દ્ર એસ.પટેલે જમીન રેગ્યુલર કરી અને IAS પ્રવીણા ડી.કે. એ જમીનને બિન ખેતી કરી : વર્ષોથી સરકારી રેકર્ડમાં સરકારી પડતર એવી જમીનને નિયમિત કરવાની અરજી વર્ષ 2011માં કચ્છના ત્યારના કલેક્ટર IAS એમ.થેન્નારસ સમક્ષ આવે છે. પરંતુ તેઓ તેને નિયમ મુજબ મામલતદાર પાસે અરજી કરવાનું કહીને અરજી ફગાવી દે છે. ત્યારબાદ સમગ્ર પ્રકરણ વર્ષ 2014માં તત્કાલિન કચ્છ કલેક્ટર IAS મહેન્દ્ર પટેલ ઉર્ફે એમ.એસ.પટેલ (IAS M S Patel) સમક્ષ આવે છે. તેઓ આ જમીનને રેગ્યુલર કરી દે છે. અને ત્યારબાદ જમીનને બિન ખેતી કરવાની ફાઈલ આવે છે મહિલા IAS પ્રવીણા ડી.કે. પાસે. જમીન નિયમિત થઇ ગઈ હોવાને કારણે તેઓ પણ અગાઉના રેકોર્ડ જોયા વિના તેને બિન ખેતી કરી દે છે. આમ જે સરકારી પડતર જમીનની કિમંત કરોડો રૂપિયાની હતી તેનો ફાયદો સરકારી તિજોરીને મળતો નથી. IAS મહેન્દ્ર પટેલ હાલ ગુજરાત ભાજપના ઉપપ્રમુખ છે અને IAS પ્રવીણા ડી.કેને (IAS Praveena D.K.)સરકારે જે તે સમયે ગણતરીના દિવસોમાં જ બીજી વખત કચ્છ કલેક્ટર તરીકે મુક્યા હતા. કચ્છથી તેમને બદલીને ગાંધીનગર કલેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાલમાં પ્રવીણાબેન અમદાવાદ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
અરજદારે 21 એકર જમીનની માંગણી કરી, IAS મહેન્દ્ર પટેલે 29 એકર જમીન ફાળવી દીધી : સરકારી પડતર જમીનમાં સરકારી મશીનરી દ્વારા કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી તેનો એકે એક ઘટનાક્રમ રસપ્રદ અને ચોંકાવનારો છે. સૌથી પહેલા તો સરકારી પડતર જમીનને નિયમિત કરી દેવામાં આવી. ત્યારબાદ કહેવાતા કબ્જેદાર માવજી શામજી વરસાણી દ્વારા વર્ષ 2008માં કચ્છ કલેક્ટર સમક્ષ 21 એકર જમીનની માંગણી કરવામાં આવે છે. જેને પગલે તત્કાલીન કચ્છ કલેક્ટર મહેન્દ્ર પટેલની કોર્ટમાં કેસ ચલાવીને અરજદારને 21 એકર નહીં પરંતુ 29 એકર જમીન ફાળવણી કરવાનો ઓર્ડર કરવામાં આવે છે.
કચ્છની DILR કચેરીએથી શરુ થાય છે કૌભાંડની શરૂઆત : કચ્છમાં ગમે તે જમીન અંગેના માંગો અને ઈચ્છો તેવા નકશા મનાવી દેવા માટે કુખ્યાત જિલ્લા જમીન માપણી નિરીક્ષક એટલે કે, DILRની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ છે. આ પ્રકરણમાં પણ કચ્છની DILR કચેરીએ તેમને કહેવામાં આવ્યું તે રીતે નકશા બનાવી દીધા છે. જેને આધારે કચ્છ કલેક્ટર કચેરીમાં જમીનને નિયમિત કરવાથી માંડીને બિન ખેતી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.