Off The Record : પત્રિકા કાંડની સાઈડ ઇફેક્ટ, કચ્છ ભાજપ મહામંત્રીની હર્ષ સંઘવી સાથેની મધરાતની મુલાકાતમાં શું રંધાયું ?આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ગઢવીને ટર્મિનેટ કરવામાં કોને રસ છે ?

જાણો ગુજરાતના રાજકારણમાં અને IAS-IPS સહિતના સનદી અધિકારીઓ અંગે શું ચાલી રહી છે ગોસિપ ...

Off The Record : પત્રિકા કાંડની સાઈડ ઇફેક્ટ, કચ્છ ભાજપ મહામંત્રીની હર્ષ સંઘવી સાથેની મધરાતની મુલાકાતમાં શું રંધાયું ?આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ગઢવીને ટર્મિનેટ કરવામાં કોને રસ છે ?

પત્રિકા કાંડની સાઈડ ઇફેક્ટ, કચ્છ ભાજપ મહામંત્રી ધવલ આચાર્યની મધરાતની મુલાકાતમાં શું રંધાયું ? : પત્રિકા કાંડ અને ત્યારબાદ પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાં પછી ચર્ચાઓ-અફવાઓમાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. પ્રદીપસિંહ વાઘેલાના નજીકના લોકો ઉપર ભાજપ હાઈ કમાન્ડ નજર રાખી રહ્યું છે. અને તેમની સાથે ધંધાકીય તેમજ આર્થિક વ્યવહારોની પણ તપાસ ચાલી રહી છે તેવામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની કચ્છ - ભુજની મુલાકાત દરમિયાન પણ મધરાતે કેટલાક ડેવલોપમેન્ટ જોવા મળ્યા હતા. પ્રદીપ વાઘેલાના સાથે સંકળાયેલા પત્રિકા કાંડમાં પોલીસને તપાસ માટે ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જ હુકમ આપ્યા હતા એ વાત પણ જગજાહેર છે. એટલે હવે પ્રદીપસિંહ તેમજ હર્ષ સંઘવી સાથે નિકટનો સંબંધ ધરાવતા લોકો પણ ભાજપ હાઈ કમાન્ડના રડાર હેઠળ છે. કચ્છમાં આમ તો ભાજપના ઘણા લોકો પ્રદીપ વાઘેલા તેમજ હર્ષ સંઘવીની નજીક હોવાનો દાવો કરે છે. પરંતુ તેમાં પૂર્વ સ્પીકર નીમાબેન આચાર્યના ભત્રીજા અને કચ્છ ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય ઉપરાંત એકાદ બે ભાજપના નેતા એવા છે જેમને રોજ વાત થતી હોય છે. અને તેમનો ઘરોબો હર્ષ સંઘવીની કચ્છની મુલાકાતો દરમિયાન જોવા પણ મળતો હોય છે. અમિત શાહ જયારે શુક્રવારે રાતે ભુજ સર્કિટ હાઉસ ખાતે આવ્યા ત્યારે ભાજપના અન્ય લોકોની સાથે ધવલ આચાર્ય પણ જોવા મળ્યા હતા. કચ્છના છ MLA ની સાથે તેઓ પણ અમિત શાહને રૂમમાં મળવા ગયા હતા. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસમાંથી બહાર નીકળીને તેમની કારમાં ભુજના ટાઉનહોલ પાસે ઉભા રહી ગયા હતા. બધા લોકોને નીકળી ગયા બાદ ધવલ આચાર્ય તેમની કારમાંથી ઉતરીને ચાલતા ફરી સર્કિટ હાઉસ પહોંચી ગયા હતા. જેને જોઈને સિક્યોરિટી સ્ટાફ પણ આંચકો ખાઈ ગયો હતો. સર્કિટ હાઉસમાં બીજી વખત ગયા પછી ધવલ આચાર્ય દોઢેક કલાક સુધી હર્ષ સંઘવીના રૂમમાં રોકાયા હતા. અને મધરાતે બે વાગ્યાના અરસામાં બહાર નીકળ્યા હતા. અગાઉ જયારે ધારાસભ્યો સાથે અમિત શાહને મળીને ધવલ આચાર્ય જયારે રૂમથી બહાર નીકળ્યા હતા ત્યારે હર્ષ સંઘવીએ શાંત રહેવાનો ઇશારો કર્યો હતો જે કેટલાક લોકોની નજરમાં 'કેદ' થઇ ગયો હતો.     

ઇન્ચાર્જ SPની ફેરવેલ પાર્ટી જિલ્લા મથકથી દૂર ભાજપના ધારાસભ્યની હોટેલમાં યોજાઈ : તાજેતરમાં રાજ્ય સરકારે IPS ઓફિસરની કરેલી મેગા ટ્રાન્સફરમાં પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસપી IPS ડૉ.કરણરાજને ભુજના ચાર્જમાંથી મુક્ત કરીને વલસાડને એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. થોડા સમય માટે ભુજમાં રોકાયેલા IPS ડૉ.કરણરાજને તેમના સ્ટાફ દ્વારા ફેરવેલ પાર્ટી આપવામાં આવી હતી. પરંતુ આ વિદાય સમારંભ જિલ્લા મથક ભુજને બદલે પચાસ કિલોમીટર દૂર આવેલા નખત્રાણા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. ડીસ્ટ્રીકટ લેવલના ઓફિસરને ફેરવેલ પાર્ટી તાલુકા હેડ ક્વાર્ટરમાં આપવામાં આવી હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હતી. માત્ર એટલું જ નહીં પરંતુ તેમની પાર્ટી કચ્છની અબડાસાના બેઠકના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમ્ન જાડેજાની હોટેલમાં રાખવામાં આવી હતી. ધારાસભ્યની હોટેલમાં પાર્ટી યોજાઈ તેના થોડા સમય પહેલા જ ધારાસભ્ય પી.એમ.જાડેજાના પુત્ર અર્જુનને ખનીજ ચોરીને મામલે બદનામ કરવાની અરજી અને તેની તપાસ નખત્રાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પ્રદીપસિંહ વાઘેલાને બદનામ કરતી પત્રિકા અને ત્યારબાદ અમદાવાદ SOG દ્વારા કરવામાં આવેલી તપાસ જેવી સમાનતા નખત્રાણા પોલીસની આ ઘટના છે. 

આણંદ કલેક્ટરના સસ્પેનશન બાદ ચર્ચામાં આવેલા GAS કેડરનાં મહિલા ઓફિસર કેતકી વ્યાસ : આણંદ કલેક્ટરના ગઢવીના સસ્પેનશનની જેટલી ચર્ચા નથી થતી તેટલી ચર્ચા તેમના RAC તરીકે ફરજ બજાવનારા GAS કેડરનાં મહિલા ઓફિસર કેતકી વ્યાસની થઇ રહી છે. કારણ કે તેમનો કરિયરનો ગ્રાફ પણ એટલો ચર્ચાસ્પદ છે. કડીમાં પ્રાંત અધિકારી તરીકે ચાર વર્ષથી પણ વધુ સમય માટે નોકરી કરનારા કેતકી વ્યાસની આણંદ કલેક્ટોરેટમાં બદલી થઇ ત્યારે કડીમાં તેમનો ભવ્ય વિદાય સમારંભ મહેસાણા બેન્કના ચેરમેન વિનોદ પટેલ દ્વારા યોજાયો હતો. જયાં તેમણે હાલમાં ભાજપની સરકારમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા એક નેતા અને ત્યારના ધારાસભ્ય સાથે સંકળાયેલી એક ધાર્મિક સંસ્થાની જમીનની ફાઈલ ક્લિયર કરી આપી હતી. જેને લીધે તે નેતાની નજરમાં તેમની ઇમેજ સારી હતી. પણ  આણંદ કલેક્ટોરેટમાં થયેલી ઊથલપાથલમાં ગરબડ થઇ જતા સરકારમાં ઉચ્ચ કક્ષાએ બેઠેલા નેતા પણ ચોંકી ઉઠ્યા હતા. મામલતદાર તરીકે અમદવાદ જિલ્લાના બાવળા તાલુકામાં પોસ્ટિંગ વેળાએ આણંદ યુનિવર્સીટીની જમીનના પ્રકરણમાં તે વખતે પણ કેતકી વ્યાસની રાતોરાત ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. ત્યારે ગુજરાતના મુખમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા. મુખ્યમંત્રી કાર્યાલયનાં એક અધિક કલેક્ટર લેવલના ઓફિસર ચંદ્રેશ કોટક સાથે પણ તેમના સારા સંબંધને કારણે મહિલા અધિકારી કેતકી વ્યાસને મોટેભાગે ક્રીમ પોસ્ટિંગ મળતું રહેલું છે. 

મોરબી પુલના આરોપી જયસુખ પટેલને લીધે સુરેન્દ્રનગરના કલેકટ IAS કેયુર સંપટ સરકારના રડારમાં :- ગુજરાતના પ્રમોટી IAS ઉપર ઘાત હોય તેમ એક પછી એક અધિકારીની કામગીરી સરકારના રડારમાં આવી રહી છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર IAS કે.રાજેશને સસ્પેન્ડ કર્યા બાદ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવનારા ઓફિસર્સને જાણે કે કોઈનો ખોફ ન હોય તેમ જમીનના પ્રકારો ક્લિયર કરી રહ્યા હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે. જેમાં હાલના કલેક્ટર અને પ્રમોટી IAS કેયુર સંપટ પણ સરકારના રડાર હેઠળ આવી ગયા છે. મોરબી પુલની દુર્ઘટના મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને બે હાજર એકર જમીન પ્રકરણમાં IAS કેયુર સંપટના DDO તરીકેના સમયગાળા દરમિયાન ફાઈલ ચાલી હતી. અને તેમને કલેક્ટરનો રેગ્યુલર ચાર્જ  અપાવવામાં પણ જયસુખ પટેલે સરકારમાં ભલામણ કરી હતી તેવી ચર્ચાઓ ચાલી રહી છે, બાકી સાચું ખોટું ભગવાન જાણે... 

ગાંધીનગર પોલીસ ભવનમાં CID ક્રાઇમના અધિકારી-કર્મચારીઓ હવે ટિફિન લઈને નોકરી ઉપર આવે છે : બપોરના સામે લાંબી રીસેસ ભોગવતા ગાંધીનગર પોલીસ ભવનના CID ક્રાઇમના અધિકારી-કર્મચારીઓ હવે ટિફિન લઈને નોકરી ઉપર આવતા થઇ ગયા છે. આવું IPS રાજકુમાર પાંડિયનના ADGP (અધિક પોલીસ મહાનિર્દેશક) તરીકેના ચાર્જ લીધા પછી જોવા મળી રહ્યું છે. IPS રાજકુમાર પાંડિયન પોતે પોલીસ ભવનમાં સવારે 10:40 વાગે શાર્પ તેમની ચેમ્બરમાં પહોંચી જાય છે. અને તેમણે તેમના તાબા હેઠળ આવતા તમામને સૂચના પણ આપી દીધી છે કે, લંચનો સમય અડધો કલાકનો એટલે કે, બપોરે બે થી અઢી વાગ્યા સુધીનો રહેશે.  અને ત્યારબાદ તેઓ ગમે ત્યારે ગમે તેને બોલાવી શકે છે. અને જો કોઈ હાજર નહીં હોય તો તમે સમજી શકો છો કે શું થઇ શકે છે ?

ગુજરાત કેડરના બે મહિલા IPSના હસબન્ડ, એક ગુજરાત આવી ગયા, બીજાએ ના પાડી દીધી : ગુજરાતમાં સનદી અધિકારીઓને અન્ય રાજ્યની સરખામણી કામ કરવાની બધી રીતે મજા પડતી હોય છે. એટલે લગ્ન પછી આ બ્યુરોક્રેટ કપલમાંથી પતિ કે પત્ની ગુજરાત શિફ્ટ થઇ જતા હોય છે. તાજેતરમાં સરકારે IPS અધિકારીઓની ટ્રાન્સફર કરી તેમાં એક મહિલા IPS શેફાલી બરવાલને અરવલ્લી જિલ્લામાં એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના પતિ રાજસ્થાનમાં IPS છે. અને તેમને ગુજરાત કેડરમાં આવાની ઈચ્છા નથી. અને એટલે જ સરકારે તેમને રાજસ્થાનની નજીક મુક્યા છે. બીજી બાજુ ઉત્તરાખંડ રાજ્યમાંથી આવતા ગુજરાત કેડરના મહિલા IPS વિશાખા ડબરાલનો છે જેમાં તેમના પતિ હિમાંશુ વર્મા ઉત્તરાખંડ રાજ્યમાં હતા. તેઓ સ્પાઉસ ગ્રાઉન્ડ ઉપર ગુજરાત કેડરમાં આવી ગયા છે. અને તેમને ગાંધીનગર પોલીસ ભવનમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ (STB)માં એસપી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. વર્ષ 2018 બેચના મહિલા IPS વિશાખા ડબરાલ હાલ અમદાવાદ પોલીસમાં ઝોન - 3ના DCP તરીકે કામ કરી રહ્યા છે.  

આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ગઢવીને હવે ટર્મિનેટ કરવામાં કોને રસ છે ? : આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કર્યા પછી તેમને ટર્મિનેટ કરવાની વાત ચાલી રહી છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલય (Gujarat CMO)ના બે GAS કેડરના ઓફિસર વધુ રસ લઇ રહ્યા છે. CMOમાંથી એમ.ડી.મોડિયાને કાઢવામાં જેમની ભૂમિકા હોવાની વાત ગાંધીનગરમાં ચર્ચાઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક વિભાગમાં ફરજ બજાવતા GAS કેડરના અધિકારી રાકેશ વ્યાસ અને મુખ્યમંત્રી ડેશબોર્ડના ઓફિસર યોગેન્દ્ર દેસાઈનું નામ આવી રહ્યું છે. ગાંધીનગરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આણંદ કલેક્ટર ગઢવીને સસ્પેન્ડ કર્યા પછી તેમને ટર્મિનેટ કરવાનો પણ તખ્તો ગોઠવાઈ ગયો છે. અને GAS કેડરના અધિક કલેક્ટર લેવલના અધિકારી રાકેશ વ્યાસ તેમજ મુખ્યમંત્રી ડેશબોર્ડના ઓફિસર યોગેન્દ્ર દેસાઈને આણંદ જિલ્લામાં RAC અથવા તો અન્ય કોઈ સારી પોસ્ટ ઉપર સેટ કરવાની ગોઠવણ ચાલી રહી છે. 

અબડાસા ધારાસભ્યના પુત્રને ખનીજ ચોરીની ક્લિનચીટ લ્હાયમાં દંડની માહિતી બહાર આવી : છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસી ગોત્રના ભાજપના ભોળા અને અભણ ધારાસભ્ય પી.એમ.જાડેજાને કોઈપણ કારણોસર નીચાજોણું થાય તેવી ઘટનાઓ બની રહી છે. પહેલા એક વખત પુત્ર દ્વારા ફાયરિંગને કરવાને પગલે જાહેરમાં માફી માંગવી પડી હતી. અને હવે ખનીજ ચોરીના આક્ષેપને પગલે આ ભોળા MLAને સહન કરવું પડી રહ્યું છે. ખનીજ  ચોરીને મામલે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યમાનસિન્હ જાડેજાના પુત્ર અર્જુન સામે સરકારમાં રજૂઆતોનો મારો થયો હતો. જેમાં કચ્છના ખાણ ખનીજ વિભાગે કરતા ખનીજ ચોરીની વાત તો હજુ સાબિત નથી થઇ પરંતુ વિભાગની કેટલાક નિયમોનું પાલન ન કરવાની બાબતે દંડ ફટકારવામાં આવ્યો હતો. જેને પગલે કેટલાક અધૂરા ઘડા સમાન સલાહકારોનું માનીને પોતાને ખનીજ ચોરીમાં ક્લીન ચિટ મળી ગઈ હોવાનો ધારાસભ્ય પુત્ર અર્જુન દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. પરંતુ થયું સાવ ઊંધું. અને કચ્છના માઇનિંગ ડિપાર્ટમેન્ટના ભૂસ્તરશાસ્ત્રી એ કબૂલવું પડ્યું કે, MLA પુત્ર પ્રદ્યુમ્ન જાડેજાના પુત્ર અર્જુનને ખનીજ ચોરીમાં ક્લીન ચિટ આપવામાં આવી નથી. તેની તપાસ ચાલુ છે. આમ ક્લિનચીટ મળી હોવાની પબ્લિસિટીની લ્હાયમાં દંડની માહિતી બહાર આવી હતી. 

ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર લાંગાને પણ ટપી જાય તેવું કચ્છનું બિનખેતીનુ કૌભાંડ : ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ.કે.લાંગાને ટપી જાય તેવું કચ્છ જિલ્લાનું બિન ખેતીનુ કૌભાંડ ટૂંક સમયમાં બહાર આવે તેવી સંભાવના છે. ગુજરાત ભાજપના હાલના ઉપાધ્યક્ષ અને કચ્છના તત્કાલીન કલેક્ટર મહેન્દ્ર પટેલ ઉર્ફે એમ.એસ.પટેલને મુશ્કેલીમાં મૂકી દે તેવા એક જમીન પ્રકરણમાં રાજ્ય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઈ જાય તેવી નોબત આવી છે. ભુજ તાલુકાની સરકારી પડતર જમીનને બિન ખેતી કરી દેવાના મામલામાં મામલો છેક હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કચ્છના મિત્ર હોવાની અને ભેખધારી પત્રકારત્વના બણગા ફૂંકનારા એક અખબાર સહીત કચ્છના મોટાભાગના મીડિયા અને સરકારમાં રહેલા લોકોએ સમગ્ર પ્રકરણમાં કરોડો રૂપિયાનું સેટિંગ કરી લીધું છે. અને હવે સમગ્ર મામલો જયારે કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે સંડોવાયેલા સૌ કોઈ પોતાને 'સેફ' કરવાની માથાકૂટમાં જોતરાઈ ગયા છે.