કચ્છ : માતાના મઢમાં પતરી વિધિ કોણ કરશે ? પ્રીતિ દેવીના દાવા સામે કન્ટેમ્ટ ઓફ કોર્ટની સંભાવના, જાણો શું છે સમગ્ર મામલો...

હાઇકોર્ટે ભુજ કોર્ટનો ચુકાદો રદ્દ કર્યો, છતાં રાજવી કુટુંબ દ્વારા થતી વિધિનો વિવાદ યથાવત

કચ્છ : માતાના મઢમાં પતરી વિધિ કોણ કરશે ? પ્રીતિ દેવીના દાવા સામે કન્ટેમ્ટ ઓફ કોર્ટની સંભાવના, જાણો શું છે સમગ્ર મામલો...

WND Network.Bhuj (Kutch) : માતાના મઢ ખાતે આસો નવરાત્રીના આઠમે નોરતે કચ્છના રાજવી પરિવાર દ્વારા ચામર-પતરી વિધિ કરવામાં આવે છે. અને આ અંગે ગુજરાત હાઇકોર્ટના તાજેતરના ચુકાદા પછી પણ ભુજના રણજિતવિલાસ પેલેસની ચામર-પતરી વિધિ અંગેની જાહેરાતને પગલે મામલો વધુ ગૂંચવાયો છે. જેમાં સામા પક્ષે વંશાનુક્રમે આવતા મહારાવ મદનસિંહજીના પુત્ર એવા મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજાએ કન્ટેમ્ટ ઓફ કોર્ટ સહિતની કાયદાકીય પ્રક્રિયા કરવા માટે તૈયારીઓ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મંગળવારે કચ્છના એક જિલ્લા કક્ષાના અખબારમાં રણજિતવિલાસ પેલેસ દ્વારા આપવામાં આવેલી જાહેર ખબરમાં એવો દાવો કરવામાં આવ્યો છે હતો કે, આગામી તારીખ 03/10/2022ના આઠમા નોરતે મહારાણી પ્રીતિદેવી દ્વારા માતાના મઢ ખાતે ચામર-પતરી  વિધિ કરવામાં આવશે. જેને પગલે આ વિવાદ વધુ વકર્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2021માં ભુજ કોર્ટે કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને વિધિ કરવા અંગેનો જે ચુકાદો આપવામાં આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવેલો છે. અને ત્યારથી હાઇકોર્ટના હુકમનું અર્થઘટન પોતાની રીતે કરવામાં આવતા રાજવી કુટુંબનો ગજગ્રાહ લોકો વચ્ચે આવી રહ્યો છે. 

રાજવી પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો, ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા હુકમમાં ભુજની કોર્ટનો હુકમ રદ્દ કરવામાં આવ્યો છે. ભુજની કોર્ટે ચામર-પતરી વિધીનો એકમાત્ર અધિકાર કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને આપવામાં આવ્યો હતો. જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, ભુજની કોર્ટના આદેશને રદ્દ કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પરંતુ હાઇકોર્ટે તો ભુજ કોર્ટનાં આદેશને ગંભીર ભૂલ હોવાનો ઉલ્લેખ કર્યો છે. કાયદાના જાણકારો આ કૉમેન્ટને બહુ ગંભીર માની રહ્યા છે. આવા સંજોગોમાં દયાપર કોર્ટનો ચુકાદો જ અસ્તિત્વમાં હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. આમ હાઇકોર્ટના સમગ્ર ચુકાદાને જોઈને કાયદાના જાણકારો પણ માની રહ્યા છે કે, પ્રિતિદેવીને ચામર-પતરી વિધીનો અધિકાર નથી. 

જાહેર નોટિસ પછી હવે શું થશે : ભુજના રણજિતવિલાસ પેલેસની જાહેરાતને પગલે સંભવ છે કે, સામા પક્ષે વંશાનુક્રમે આવતા મહારાવ મદનસિંહજીના પુત્ર એવા મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા પણ કોઈ જાહેર અપીલ કરી શકે છે. અને તેમના દ્વારા કન્ટેમ્ટ ઓફ કોર્ટ સહિતની કાયદાકીય પ્રક્રિયા પણ કરવામાં આવી શકે છે. માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન કરવામાં આવતી ચામર-પતરી  વિધિને હજુ છ દિવસ બાકી છે ત્યારે આ સમગ્ર કેસમાં શું ઉતાર-ચઢાવ આવે છે તે જોવાનું રહ્યું. 

જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પણ કન્ટેમ્ટ ઓફ કોર્ટનો સામનો કરેલો : વર્ષ ૨૦૧૦માં કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રી વિધિ અંગે લખપત-દયાપરની કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેમણે એવી માંગણી કરી હતી કે, માતાના મઢ ખાતે આવેલા કચ્છના દેશદેવી એવા કુળદેવી માં આશાપુરાના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રી વિધિ કરવા દેવામાં આવે. જેમાં દયાપરની કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે પરંતુ તેઓ કોઈને આ અંગેનો અધિકાર કે નિયુક્ત ન કરી શકે. જેની સામે પ્રાગમલજી દ્વારા ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા સહિત તેમના નાના ભાઈ હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા તથા દેવેન્દ્રસિંહજી જોરાવરસિંહજી જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. આ દરમિયાન કોરોના કાળ વખતે વર્ષ 2020માં જયારે આખો દેશ બંધ હતો ત્યારે, જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાની સૂચનાથી તેરાના મયુરધ્વજસિંહે પત્રી વિધિ કરી હતી. જેને પગલે તેમના નાના ભાઈ હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા દયાપર કોર્ટમાં કન્ટેમ્ટ ઓફ કોર્ટની અપીલ કરી હતી. પરંતુ કેસની સુનાવણી દરમિયાન જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાનું નિધન થવાને પગલે આ કેસ સમાપ્ત થઈ ગયો હતો.