Off The Record : MLA શંભુનાથ ટુંડીયાની સરપંચ પતિ જેવી સિસ્ટમ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેનનું વોટ્સએપ સ્ટેટસ બન્યું ટોકિંગ પોઇન્ટ, થરાદ જિલ્લો અસ્તિત્વમાં કેમ નથી આવતો ?

કયા જિલ્લાના મહિલા કલેક્ટરે રાજ્ય સરકારની મિલકત કબ્જે લેવા માટે લાખો રૂપિયા માંગ્યા ?, જળ સંપત્તિના સચિવ પી.સી.વ્યાસ અને એક્ઝિક્યુટિવ એન્જીનીયર સી.જી.વાઘેલાનો વિવાદ, હથિયારનું લાયસન્સ અને દારૂની પરમીટ બંને લીધી હોય તેમનું લિસ્ટ આપો...

Off The Record : MLA શંભુનાથ ટુંડીયાની સરપંચ પતિ જેવી સિસ્ટમ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેનનું વોટ્સએપ સ્ટેટસ બન્યું ટોકિંગ પોઇન્ટ, થરાદ જિલ્લો અસ્તિત્વમાં કેમ નથી આવતો ?

કોણ કોને મૂર્ખ બનાવી રહ્યું છે ? જિલ્લા સંકલન સમિતિમાં જન-પ્રતિનિધિ MLA શંભુનાથ ટુંડીયાના પણ પ્રતિનિધિ : ગુજરાતની સરકારનું મોડેલ ખરેખર હવે સાચા અર્થમાં એક મોડેલ સાબિત થઈ રહ્યું છે. અહીં જે રીતે વહીવટ ચાલી રહ્યો છે તેને જોતા હવે કઇંપણ થાય તો નવાઈ ન પામતા. વડાપ્રધાન સરપંચ પતિ મોડેલને જાહેરમાં નકારી ચુક્યા છે તેવામાં ગુજરાતના એક જન-પ્રતિનિધિ MLA શંભુનાથ ટુંડીયાએ સરપંચ પતિ સિસ્ટને પણ આંટી જાય તેવું કૃત્ય કર્યું છે. પોતે વ્યસ્ત હોવાથી તાલુકા અને જિલ્લા કક્ષાની સંકલન સમિતિમાં હવેથી તેમના પ્રતિનિધિ તરીકે દિલીપ શેટા નામના વ્યક્તિની જિલ્લા તાલુકા લેવલની સંકલન સમિતિમાં નિમણુંક કરી રહ્યા હોવાનો ગઢડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયાના પત્રએ ખળભળાટ મચાવી દીધો છે. ઓફિશ્યલી લેટર સોસીયલ મીડિયામાં વાયરલ થતા લોકો હવે પ્રશ્ન કરી રહ્યા છે કે, કોણ કોને મૂર્ખ બનાવી રહ્યું છે ? ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા કલેક્ટર મનીષ બંસલને, કલેક્ટર મનીષ બંસલ ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારને કે પછી આ ત્રણેય ભેગા મળીને ગુજરાતના લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે ? MLA અથવા તો નેતાઓ તો સમજ્યા પણ દેશની સર્વોચ્ચ કહી શકાય તેવી UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને કલેક્ટરશિપ ભોગવી રહેલા IAS મનીષ બંસલને પણ ખબર ન પડી ? બાઈક લઈને ફરી અથવા તો કોઈ સરકારી કચેરીના મુખ્ય દરવાજે ટેબલ નાખી લોકોની સમસ્યાનો નિકાલ લાવી રહ્યા હોય તેવા વિડીયો બનાવી સોસીયલ મીડિયામાં નાખવાની સાથે સાથે IAS મનીષ બંસલભાઈએ આવી ત્રુટિ ઉપર પણ વોચ રાખવાની જરુરુ હોય તેવું નથી લાગતું ? 

વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેનને પોતાના વોટ્સએપ સ્ટેટસમાં ગાંધીધામના MLA માલતીબેનનો નંબર કેમ રાખવો પડ્યો ? : એક સમયે જેમના નામના સિક્કા પડતા હતા તેવા કચ્છના મહિલા નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય લાંબા સમયથી મીડિયાની રેન્જની બહાર હતા. પરંતુ તેમના એક વોટ્સએપ સ્ટેટસ ને લીધે બહેન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. શનિવાર રાતે લોકો જયારે કાનુડાના જન્મને વધાવવા માટે થનગની રહ્યા હતા ત્યારે ગાંધીધામના માજી ધારાસભ્ય નીમાબેન આચાર્યના મોબાઈલ નંબર 9825226700ના વોટ્સએપ સ્ટેટસમાં એક નંબર લખીને તેની સાથે માલતીબેન MLA ,ગાંધીધામ લખેલું જોવા મળ્યું હતું. માલતીબેન હાલના ગાંધીધામના ચાલુ ધારાસભ્ય છે. સંભવ છે કે હજુ પણ લોકો ગાંધીધામના MLA તરીકે વ્યવસાયે ડોક્ટર એવા નીમાબેનને જ MLA સમજીને કોલ કરતા હશે. એટલે લોકોની મૂંઝવણ દૂર કરવા માટે નીમાબેને કદાચ આવું સ્ટેટસ મૂક્યું હોય તેવું બની શકે. આમ જોવા જઈએ તો આ વાત નીમાબેનને ક્રેડિટ લેવા જેવી છે કે, બે ટર્મથી માલતીબેન ગાંધીધામના ધારાસભ્ય હોવા છતાં લોકો હજુ પણ તેમને જન પ્રતિનિધિ તરીકે જોઈ રહ્યા છે. પણ માલતીબેન માટે શું કહેવાય તે તમે જ નક્કી કરી લેજો. 

વાવ-થરાદ જિલ્લાને અસ્તિત્વમાં આવતા કોણ અટકાવી રહ્યું છે, કોણ છે વિલન ? : ઉત્તર ગુજરાતની, ખાસ કરીને બનાસકાંઠાનું રાજકારણ ગુજરાતમાં ખાસ્સું એવું મહત્વ ધરાવે છે. વર્ષ 2025ની શરૂઆતમાં જ જયારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જયારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને એક નવા જિલ્લા વાવ-થરાદની જાહેરાત કરી હતી ત્યારે લોકો અટકળો લગાવી રહ્યા હતા કે, ખરેખર આ શક્ય બનશે કે કેમ ? પરંતુ આજે આઠ મહિનાથી પણ વધુ સમય પસાર થઈ ચુક્યો છે ત્યારે લોકોમાં ચાલતી ચર્ચામાં દમ હતો તેવું કહેવું ખોટું નથી. કારણ કે રાજ્ય સરકારની જાહેરાત બાદ આજ દિવસ સુધી આ મામલે કોઈ ઠોસ કાર્યવાહી થઇ નથી. આ બધી બબાલ પાછળ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. જેમાં એક વાત એવી પણ છે કે, ભાજપની થિન્ક ટેન્ક માનવામાં આવતા RSS (જી હા, એ જ RSS જેની માનનીય વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાથી મોટા NGO તરીકેની વાત કરી છે ) દ્વારા ભાજપના જ કદ્દાવર નેતાની ભૂમિકા અંગે ચેતવણી આપવામાં આવી છે. વળી આ જિલ્લામાં ડેરી પોલિટિક્સ પણ જબરું છે. અહીં બનાસ ડેરી આવેલી છે. જેમાં ચૌધરી સમુદાયના મોટા નેતા શંકર ચૌધરીનું પણ ઘણું મહત્વ છે. જો જિલ્લાનું વિભાજન થાય તો ડેરી પણ વિભાજીત થાય એમ છે. કદાચ એટલે નવા જિલ્લાની વાત રાજ્યના કેબિનેટમાંથી નીકળીને હજુ સુધી તેના અસ્તિત્વ સુધી પહોંચી નથી. 

રૂપિયા લેવાની વાતમાં સિનિયર મહિલા IAS બાદ હવે મહિલા કલેક્ટરનું નામ આવ્યું : મહિલાઓને પુરુષ સમોવડી બનાવવી, મહિલા સશક્તિકરણ વગેરે જેવી બાબતોમાં અન્ય રાજ્યોની બાબતમાં એટ લિસ્ટ ગુજરાત રાજ્ય અમુક મુદ્દે મહિલાઓ આગળ છે તેમ કહેવું ખોટું નથી. ખાસ કરીને અમુક મહિલાઓ અધિકારીઓ કાઠું કાઢી રહી છે. થોડા સમય પહેલા જ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં ફરજ બજાવતા એક સિનિયર મહિલા અધિકારીનું કરોડો રૂપિયાની માનાગાણીને પગલે તપેલું ચઢી જવાનો મુદ્દો માંડ ઠંડો પડ્યો છે ત્યાં એક મહિલા કલેક્ટરનો મામલો ચર્ચામાં આવ્યો છે. DDO તરીકેના કાર્યકાળ દરમિયાન પોતાના લખણ બતાવી ચૂકેલા આ મહિલા IAS કલેક્ટરે સરકારની એક મિલકતનું પઝેશન લેવાને મુદ્દે પાંચેક લાખ માંગ્યા હોવાની વાત બહાર આવી છે. રાજ્ય સરકારની જ એક એજન્સીએ ખાનગી કોન્ટ્રાકર દ્વારા બનાવેલી મિલકતનું હસ્તાંતરણ લેવામાં આ મહિલા IAS કલેક્ટર દ્વારા લાખો રૂપિયા માંગવાની વાતે રાજ્યની IAS લોબીમાં પણ આ આ મામલો ટોકિંગ પોઇન્ટ બન્યો છે. બાકી ઓપરેશન ગંગાજળ જેવું કાઈંજ નથી એ વાત યાદ રાખજો. 

જળ સંપત્તિના સચિવ પી.સી.વ્યાસ અને એક્ઝિક્યુટિવ એન્જીનીયર સી.જી.વાઘેલાનો વિવાદ : ચાલુ મહિને જેમની નિવૃત્તિનો સમય આવી રહ્યો છે તેવા જળ સંપત્તિના સચિવ પી.સી.વ્યાસને બદનામ કરવા માટે કોઈકે સોપારી આપી હોય તેમ તેમના વિરુદ્ધ ગાંધીનગર CMOમાં અરજીઓનો ધોધ વહી રહ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે, એક્ઝિક્યુટિવ એન્જીનીયર તરીકે સીધી ભરતીથી ગુજરાત સરકારમાં સેવા આપી રહેલા સિંચાઈ વિભાગના સેક્રેટરી પી.સી.વ્યાસને સેવા વિસ્તાર ન મળે એટલે કે ઍક્સટેંશન ન મળે તે માટે તેમના વિરોધીઓ તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વ્યાસ સામે એવો હલકો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, તેઓ તેમના ગુરુ એમ.એસ.પટેલે જેમ વિરોધીઓને દબાવી દેવાની પ્રવૃત્તિ કરી હતી તેમ ટેક્નિક અજમાવી રહ્યા છે. તળાવો ઊંડા કરવાની કામગીરીથી માંડીને ફાઈલો ગુમ કરી દેવી, વાત્રક માજમની પાઇપ લાઈનમાં 100 કરોડનું કૌભાંડ વગેરેમાં તેમનો હાથ હિસ્સો હતો તેવો ખોટો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વાત માત્ર આટલેથી અટકતી નથી. વ્યાસની આ પ્રેક્ટિસમાં તેમણે વિવિધ ક્લબની મેમ્બરશિપ લઇ મેળવી, મોંઘા મોબાઈલ ગિફ્ટમાં આપીને માત્ર સિનિયર IAS ને જ નહીં પરંતુ પત્રકારોને પણ સાચવ્યા હોવાને લીધે તેમની કરતૂત બહાર નથી આવતી તેવા ખોટા આક્ષેપ અરજીઓમાં થઇ રહ્યા છે. આટલું ઓછું હોય તેમ જળ સંપત્તિના સચિવ પી.સી.વ્યાસની આ પ્રવૃત્તિમાં અધિક્ષક ઈજનેર સી.જી.વાઘેલાને પણ લપેટામાં લેવામાં આવ્યા છે. સાચું ખોટું ભગવાન જાણે પણ વ્યાસની નિવૃત્તિ અને તેમને મળનારું ઍક્સટેંશન કોઈકને ખટકી રહ્યું છે તેમાં કોઈ બેમત નથી ! 

હથિયારનું લાયસન્સ અને દારૂની પરમીટ, બંને જેમણે લીધી હોય તેમનું લિસ્ટ આપો : ગાંધીના ગુજરાતમાં દારૂ વિષય લોકપ્રિય પણ છે અને કમાઉ પણ. કદાચ એટલે જ UPSCમાં સિવિલ સર્વિસ પાસ કર્યા પછી IPS કેડરમાં પસંદગી પામતા ઉમેદવારની પહેલી પસંદ ગુજરાત સ્ટેટ હોય છે. માત્ર IPS જ શું કામ, સચિવાલયમાં ગૃહ વિભાગમાં પણ દારૂ વિષય એવો છે જેને લઈને અહીંના બાબુઓ ગમે તેવા ઝાંબાઝ IPSની નસ દબાવી દેતા હોય છે. થોડા મહિનાઓ અગાઉ ગૃહ વિભાગના એક બહુ જુના અધિકારીએ રાજ્યમાં તમામ જિલ્લા - કમિશનોરેટને લેટર લખીને લિસ્ટ માંગ્યું હતું કે, એવા વ્યકતિઓના નામ આપો જેમની પાસે દારૂની લિકર પરમીટની સાથે સાથે હથિયારનું  લાયસન્સ પણ છે. ત્યારે જિલ્લાઓના SP અને પોલીસ કમિશનરને એમ લાગ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર રાષ્ટ્રહિતમાં કઈંક નવું કરવા જઈ રહી છે. પરંતુ લિસ્ટ મોકલ્યા બાદ કઈં થયું નહીં અને જેમણે આવું ફરમાન કર્યું હતું તે એક કમિશનમાં ગોઠવાય ગયા. હવે સમજી ગયાને કે, લિસ્ટ કેમ માંગવામાં આવ્યું હતું ? 

પંચાયતના મહિલા કર્મચારીઓ ઉપર ખરાબ નજર રાખનારા અધિકારીને પૂર્વ IASનું રક્ષણ મળેલું છે ! : થોડા દિવસ પહેલા ગુજરાતી અખબારમાં એક ન્યૂઝ આવ્યા કે, સચિવાલય સટાફ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરવાં આવી કે એ, પંચાયતના અધિકારીઓ મહિલા કર્મચારીઓ ઉપર કુદૃષ્ટી રાખે છે. મહિલાઓને કામને બહાને તેમની ચેમ્બરમાં બોલાવીને તેમને હેરાન કરી રહ્યા છે. ખાસ કરીને ડેપ્યુટી સેક્શન ઓફિસર લેવલની મહિલાઓએ આવી ફરિયાદ કરી હતી. તપાસ કરતા ખબર પડી કે, સમગ્ર મામલામાં એક વાઘેલા અટકધારી પુરુષ અધિકારીથી પંચાયત વિભાગની મહિરૂલ કર્મચારીઓ પરેશાન છે. આ વાઘેલાને છએક દિલ્લી સુધી ઘરોબો ધરાવતા ગુજરાત કેડરના એક નિવૃત્ત IAS સાથેનું કનેક્શન હોવાને લીધે સરકારમાં પણ તેની વિરુદ્ધમાં કોઈ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવતી નથી.