Off The Record : ઈ-સરકાર બાદ હવે ઈ-વિધાનસભા - મામલો ચાલશે કે પછી દેખાવ પૂરતી કામગીરી થશે ? IASની બદલીનો વધુ એક રાઉન્ડ તૈયાર, ચારેક કલેક્ટર બદલાશે...

ગુજરાતના રાજકારણ અને IAS-IPS સહિતના અધિકારીઓની અવનવી વાતો

Off The Record : ઈ-સરકાર બાદ હવે  ઈ-વિધાનસભા - મામલો ચાલશે કે પછી દેખાવ પૂરતી કામગીરી થશે ? IASની બદલીનો વધુ એક રાઉન્ડ તૈયાર, ચારેક કલેક્ટર બદલાશે...

ઈ - સરકાર બાદ હવે  ઈ - વિધાનસભા, મામલો ચાલશે કે પછી હજુ માત્ર દેખાવ પૂરતી કામગીરી થશે ? : તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને કાગળ રહીત એટલે કે પેપર-લેસ કરવાના કાર્યક્રમનો રાજ્ય સરકારે વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો ત્યારે ગુજરાત સરકારના મહત્વકાંક્ષી ઈ - સરકાર પ્રોજેક્ટની ચર્ચા થાય એ સ્વાભાવિક છે. તત્કાલીન મુખ્ય સચિવ પંકજકુમારે ઈ - સરકારની તરફેણ કરી હતી. જે મુદ્દે મિટિંગમાં તેમને અમુક અધિકારીઓ સાથે વિવાદ પણ થયો હતો. વાત માત્ર આટલેથી અટકી ન હતી. હજુ પણ કેટલાક મંત્રીઓ અને બાબુઓ ફિજિકલ ફાઈલનો જ આગ્રહ રાખે છે અને પહેલાની જેમ જ કામ કરી રહ્યા છે. વિધાનસભામાં ચર્ચા દરમિયાન હજુ પણ ચીઠ્ઠીઓ ફરે છે. એટલે વિધાનસભામાં ટેબ્લેટ ઉપર આંગળીઓ કરતા ધારાસભ્યોને જોઈને એમ થાય છે કે, ઈ-સરકારની જેમ ઈ-વિધાનસભામાં પણ આવું ન થાય તો સારું છે.  

VIP ક્લચર હજુ ગયું નથી, રાષ્ટ્રપતિના કાફલાના લગેજ માટે પોલીસે એસ્કોર્ટ ફાળવેલી : ગુજરાત વિધાનસભાના ખાસ સત્ર માટે ઈ-વિધાનસભાની શરૂઆત કરવા માટે જયારે ભારતના રાષ્ટ્રપતિ ગુજરાત આવ્યા ત્યારે અમદવાદ-ગાંધીનગરમાં વીઆઈપી ક્લચર હજુ પણ યથાવત હોવાનું લોકોએ અનુભવ્યું હતું. જે તે સમયે દિલ્હીના સીએમ કેજરીવાલને દેખાડી દેવા માટે વીઆઈપી ક્લચર સમાપ્ત કરી દેવામાં આવ્યું હોવાની કાર્યવાહી ગુજરાતમાં પણ થઇ હતી. જેમાં તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાતે તેમની કારની લાલ બત્તી કાઢીને ફોટા પણ પડાવ્યા હતા. પરંતુ એ બધું માત્ર દેખાવ માટે જ થયું હોવાનો અનુભવ લોકોને અવાર-નવાર થતો રહ્યો છે. દેશના પ્રથમ નાગરિક એવા મહામહિમ રાષ્ટ્રપતિજી માટે દસેક મિનિટ ટ્રાફિકમાં રોકાવું પડે તેની સામે કોઈને વાંધો ન હોય. પરંતુ તેમના કાફલાના લોકો માટે આવેલા લગેજ માટે ચારથી પાંચ ગાડી ફાળવેલી જોઈને ટ્રાફિકમાં ફસાયેલા લોકો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. આટલું ઓછું હોય તેમ લગેજની ગાડીઓ માટે પોલીસે આગળ-પાછળ લાલ લાઈટવાળી એસ્કોર્ટની ગાડીઓ સાયરન વગાડતી દોડાવી હતી. મતલબ કે, કાર ઉપર ચઢીને લાલ લાઈટ કાઢવાની વાત પબ્લિસિટી સ્ટંટ જ હતો ને..? 

IASની બદલીનો વધુ એક રાઉન્ડ તૈયાર, ચારેક જિલ્લાના કલેક્ટર બદલાશે : શનિવારે ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર પૂરું થયા બાદ રાજ્યના વહીવટી તંત્રમાં નાનો ફેરફાર આવી શકે છે. જેમાં કેટલાક IAS અધિકારીઓની બદલી થાય તેવી સંભાવના છે. હાલ આણંદ જિલ્લામાં કલેક્ટરની જગ્યા ચાર્જ ઉપર છે. તે ઉપરાંત ગાંધીનગરના કલેક્ટર હિતેશ કોયાએ અંગત કારણોસર તેમની બદલી કરવામાં આવે તેવું સરકારમાં કહ્યું હોવાની ચર્ચા છે. સાબરકાંઠા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જમીન કૌભાંડોના વિવાદને પગલે સરકાર કલેક્ટરની બદલી કરવાના મૂડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સિવાય જુનિયર IAS જેમને ટ્રાઇબલ એરિયામાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતા તેમાં પણ ફેરફાર આવી રહ્યા છે. જેને પગલે ગણતરીના દિવસોમાં ગુજરાતમાં સનદી અધિકારીઓની બદલીનો વધુ એક રાઉન્ડ આવે તેવી સંભાવના છે.  

પ્રી-મેચ્યોર પોસ્ટિંગ મેળવનારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કેયુર સંપટને સરકાર બદલી શકે છે : DDO તરીકે જિલ્લામાં માત્ર ચાર મહિનાનો અનુભવ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કેયુર સંપટની ગમે ત્યારે ટ્રાન્સફર થઇ શકે છે. ચાર્જમાંથી રેગ્યુલર કલેક્ટર તરીકેનું પોસ્ટિંગ મેળવનારા ગુજરાતી પ્રમોટી IAS સંપટ ભૂતકાળમાં મુખ્યમંત્રી કાર્યલયમાં ફરજ બજાવી ચુક્યા છે. પૂર્વ મખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયગાળા દરમિયાન તેમનો દબદબો હતો. એટલે જ બહેન જયારે રાજ્યપાલ તરીકે ગુજરાત બહાર ગયા હતા ત્યારે IAS કેયુર સંપટ પણ ભોપાલ ઉપરાંત લખનૌ નોકરી કરી આવેલા છે. પરંતુ ત્યારબાદ રૂપાણી સરકારમાં તેમના GHCL તેમજ સ્પિપા જેવી સાઈડ પોસ્ટિંગ કહી શકાય તેવી જગ્યાએ મુકવામાં આવ્યા હતા. વર્ષ 2007માં અમરેલી જિલ્લામાં નિવાસી નાયબ કલેક્ટર (RDC)ની વિવાદાસ્પદ કામગીરીને પગલે રાતોરાત સિંગલ ઓર્ડરમાં ટ્રાન્સફર કરવામાં આવેલા કેયુર સંપટ દોઢ દાયકે ફિલ્ડમાં પોસ્ટીંગમાં આવ્યા છે ત્યારે ભૂતકાળની CMO ખાતે કરેલી નોકરીને પગલે તેમને સુરેન્દ્રનગરમાં DDO તરીકે મુકવામાં આવ્યા હતા. પરંતુ માત્ર ચાર મહિનાના ફિલ્ડ પોસ્ટિંગ કહી શકાય તેવી DDOની ફરજ બાદ તેમને પહેલા ચાર્જ આપવામાં આવ્યો અને ત્યારબાદ નિયમિત કરી દેવામાં આવ્યા હતા. મોરબી પુલની દુર્ઘટનામાં સંડોવાયેલા જયસુખ પટેલના ગ્રુપની બિન ખેતીની ફાઈલોથી માંડીને ખાન-ખનીજ તેમજ હથિયારના પરવાના સહિતના પ્રકરણમાં તેમની સામે CMOમાં રજૂઆત પણ થયેલી છે. જેમાં તેમને ઠપકો પણ આપવામાં આવેલો છે. જમીન કૌભાંડમાં દાદાની સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોય તેવા આભાસને લીધે સંપટને બદલી નાખવામાં આવે તો નવાઈ નહીં. બીજું બાજુ સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે, સંપટ સાહેબ CMO તેમના જુના સંપર્કોનો ઉપયોગ કરીને સુરેન્દ્રનગરથી ટ્રાન્સફર થઈને આણંદ અથવા ગાંધીનગર કલેક્ટર તરીકે જવા માંગે છે. જોઈએ IAS કેયુર સંપટનું શું થાય છે.

નિવાસી અધિક કલેક્ટરની ચંચૂપાતથી ત્રસ્ત થઈને કલેકટરે સામેથી બદલી માંગી : છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના વહીવટી તંત્રમાં, ખાસ કરીને જિલ્લા લેવલે સર્વોચ્ચ કલેક્ટરની પોસ્ટ પછી આવતી જગ્યા ઉપર બેસતા નિવાસી અધિક કલેક્ટર (RAC) ની કાર્ય પદ્ધતિથી કેટલાક કલેક્ટર પરેશાન છે. આણંદ જિલ્લાના કલેક્ટર દિલીપ ગઢવી અને તેમના RAC કેતકી વ્યાસનો કિસ્સો તેનું લેટેસ્ટ ઉદાહરણ છે. RACની વધુ પડતી સક્રિયતાને કારણે કયાંક ફસાઈ જવાય એના કરતા જગ્યા જ બદલી નાખવી એ સારું, એમ માનીને એક પ્રમોટી ગુજરાતી આઈએએસ દ્વારા સામેથી તેમની ટ્રાન્સફર કરવા માટે રજૂઆત કરી છે. કેટલાક કિસ્સાઓમાં આનાથી ઉલટું પણ છે. જેમાં RACની પ્રામાણિક કાર્યવાહીને પગલે જિલ્લાના કલેક્ટરે તેમની ગાંધીનગરની વગનો ઉપયોગ કરીને RACની બદલી પણ કરાવી નાખી છે. જેને પગલે હવે રાજ્ય સરકાર પણ લોકોની નજરમાં સરકારની છાપ વધુ ન બગડે તે માટે ખટરાગની ફરિયાદ આવી હોય તેવા કિસ્સામાં IAS અને ગેસ કેડરના RAC લેવલના ઓફિસર્સની બદલીના હુકમ કરી શકે છે. 

ત્રણ મહિનાથી પ્રમોશન મેળવી ચૂકેલા GAS કેડરના 75 અધિકારીને પોસ્ટિંગ કયારે મળશે ? : આનંદીબેન પટેલના સીએમ તરીકેના કાર્યકાળને બાદ કરતા ભાજપની સરકારમાં ગુજરાતી અધિકારીઓના પ્રમોશનથી માંડીને પોસ્ટીંગમાં અન્યાય જ થતો જોવા મળ્યો છે. 31મી મે,2023ના રોજ પ્રમોશન મેળવનારા 75 ઓફિસરને રાજ્ય સરકારે નિયમિત પોસ્ટિંગ આપ્યું નથી. જેમાં ડેપ્યુટી DDO કક્ષાના અધિકારીઓ પણ આવી જાય છે. તેવી જ રીતે GAS કેડરના અમુક અધિકારીઓ તેમજ મામલદારોને હેંગિંગ પોસ્ટિંગ એટલે કે, કોઈપણ વિભાગને બદલે GADના હવાલે હોવાને કારણે તેમના પગારની સમસ્યાઓ પણ સર્જાઈ છે. જોઈએ હવે દાદાની સરકાર ગુજરાતી ઓફિસર માટે કેવું વલણ દાખવે છે ?

સ્ટડી માટે સરકારી ખર્ચે વિદેશ જતા અધિકારીઓ સરકારને તેમના વિદેશ પ્રવાસનો રિપોર્ટ આપે છે ? : સરકારી ખર્ચે વિદેશ ભ્રમણ કરવાની સિસ્ટમ સામે નરેન્દ્ર મોદીના સમયગાળાથી કંટ્રોલ જરૂર છે, પરંતુ વિદેશથી પરત આવેલા બાબુઓ તેમણે શું અભ્યાસ કર્યો તે અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને આપે છે કે કેમ તે હજુ સુધી જાહેર થતું નથી. તાજેતરમાં ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા અને તેમના વિભાગના મહિલા અધિકારી ભક્તિ શામળ વિદેશ જઈ આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાતને પગલે હજુ અડધો ડઝન જેટલા IAS ને દુનિયાના વિવિધ દેશોમાં મોકલવામાં આવશે તેવું બહાર આવ્યું છે. હવે જોઈએ ફોરેન જઈને પાછા આવતા ઓફિસર તેઓ વિદેશમાં શું જોયું કે શીખ્યા તેનો રિપોર્ટ આપે છે કે કેમ ?'

ભાજપના સંગઠનમાં હવે રાજીનામાની જાહેરાત નહીં થાય, સીધી નવી ટીમની જાહેરાત જ કરવામાં આવશે : લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં વિવાદનો પર્યાય બની ચૂકેલા ભાજપના સંગઠનમાં હવે રાજીનામાની કોઈ જાહેરાત નહિ થાય કે વાત પણ બહાર નહીં આવે. લોકોમાં અને મીડિયામાં વિવાદ ન થાય તે માટે ભાજપનું સંગઠન બહુ કાળજી લેતું હોય છે. એટલે હવે રાજીનામાની નહિ પણ નવી ટીમની સીધી જાહેરાત જ કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે. પત્રિકા કાંડને પગકે પ્રદીપસિંહ વાઘેલાના લાંબા સમય પછી બહાર આવેલી રાજીનામાની વાત પછી ભાજપનું સંગઠન આ બાબતે બહુ જ કાળજી રાખી રહ્યું છે. પ્રદીપસિંહ સાથેના સંબંધોને લઈને પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાના તેમજ કચ્છ ભાજપના મહામંત્રી ધવલ આચાર્યના રાજીનામાની ચર્ચાનો વિષય બનેલી છે. જો કે બંને નેતા રાજીનામાની વાતને અફવા ગણાવે છે તે અલગ વાત છે. ધવલ આચાર્યને તો તેમની અમદાવાદ એસજી રોડ ઉપર આવેલી રોયલ હોટેલમાં પત્રિકા કાંડ અંગે ભાજપના સંગઠને રૂબરૂમાં ખુલાસો માંગ્યો હોવાની વાત પણ ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી બાદ નવી ટીમની જાહેરાત થાય તેમાં માનવામાં આવી રહ્યું છે. 

વિધાનસભામાં ટેબ્લેટમાં ચિત્રો દોરવાના અને સત્ર સિવાય રજૂઆત માટે પત્રો લખવાના : ઈ-વિધાનસભાની કાર્યવાહીમાં ટેબ્લેટ ઉપર ચિત્રો દોરીને રજુઆત કરનારા કચ્છમાંથી આવતા અને પોતાને અભણ ધારાસભ્ય તરીકે પ્રોજેક્ટ કરનારા અબડાસાના MLA સત્ર ચાલુ ન હોય ત્યારે લેખિતમાં પત્ર દ્વારા રજૂઆત કરે છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વિધાનસભામાં લોકોની સમસ્યાને બદલે જિલ્લા કક્ષાએ મળી રહે તેવી સાવ સામાન્ય માહિતી પ્રશ્નકાળ દરમિયાન પૂછે છે. અને જયારે વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે સરકારને લેટર લખીને જાણ કરે છે. 

હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુજરાતના IAS અધિકારીઓની સ્ટડી ટુરનો ખર્ચો કોણે ઉપાડ્યો ? :  તાજેતરમાં હરિયાણામાં આવેલા કુરુક્ષેત્ર ખાતે ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર અને DDOની સ્ટડી ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલના આગ્રહને પગલે આ અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠમી સપ્ટેમ્બરે કલેક્ટરને તેમજ નવમી તારીખે DDOને અમદવાદથી ચંદીગઢ સુધી જવા-આવવાની હવાઈ જહાજની ટિકિટ બુક કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના (પ્રોટોકોલ) દ્વારા તમામ કલેક્ટર-DDO ને ઈ મેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ફ્લાઈટનું ગ્રુપ બુકીંગ કરવામાં આવ્યું છે. આ સ્ટડી ટુર માટે GAD દ્વારા ખાસ વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યા હતા.