અબડાસાના અપક્ષને મનાવવા માટે કયા પૂર્વ મંત્રીને ચાર્ટડ પ્લેન કરીને કચ્છ આવવું પડ્યું ? જાણો શું છે સમગ્ર મામલો...

કચ્છમાં આવેલી વિધાનસભાની એક નંબરની સીટ ઉપર મોટો અપસેટ થવાની આશંકા

અબડાસાના અપક્ષને મનાવવા માટે કયા પૂર્વ મંત્રીને ચાર્ટડ પ્લેન કરીને કચ્છ આવવું પડ્યું ? જાણો શું છે સમગ્ર મામલો...

WND Network.Gandhidham (Kutch) : કચ્છની અબડાસા બેઠકમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા સમર્થન જાહેર કરવાની ઘટનાને રાજકીય જાણકારો મહત્વપૂર્ણ માની રહ્યા છે. કારણ કે, એવી તે કઈ મજબૂરી છે કે, ભાજપને અન્ય ઉમેદવારોને તેમના સમર્થનમાં કરવા માટે કસરત કરવી પડી રહી છે. માત્ર આપ પાર્ટી જ નહીં પરંતુ અહીંથી ચૂંટણી લડી રહેલા એક અપક્ષ ઉમેદવારથી પણ ભાજપમાં ખોફનું વાતાવરણ છે. અને એટલે જ જયારે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા એક મિનિસ્ટરને ચાર્ટડ પ્લેન કરીને અપક્ષને સમજાવવા માટે કચ્છ દોડી આવવું પડ્યું હતું.  

ખુદ ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પાછો ખેંચવાનો દિવસ હતો ત્યારે ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એક ખાસ મિશન સાથે ચાર્ટર્ડ પ્લેનમાં કચ્છ આવ્યા હતા. તેમની સાથે કચ્છના સંસદ વિનોદભાઈ ચાવડા પણ સાથે હતા. ગુજરાત ભાજપના આ બંને સિનિયર ભાજપના નેતા અબડાસા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર હકુમતસિંહ જાડેજાને મળવા આવ્યા હતા. અબડાસા બેઠક તથા ક્ષત્રિય સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા હકૂમતસિંહ જાડેજા જો ચૂંટણી લડે તો ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાને તકલીફ પડે તેવી સ્થિતિનો ખ્યાલ આવતા ભાજપને મને-કમને આ ઓપરેશન પાર પાડવું જરૂરી હતું. અને એટલે જ તાબડતોડ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કચ્છ દોડાવવામાં આવ્યા હતા. કારણ કે જયારે પેટા ચૂંટણી હતી ત્યારે ભાજપમાં પી.એમ.જાડેજા સામે જે અસંતોષ હતો તેને ઠારવાનું કામ ચુડાસમાએ જ કર્યું હતું. અને એ વખતે તેમણે ભાજપના નારાજ આગેવાનોને વચન આપ્યું હતું કે, તેમને ભવિષ્યમાં ટિકિટ ફાળવણી વખતે ધ્યાનમાં લેવામાં આવશે. અને એટલે જ આ વખતે જયારે હકુમતસિંહ જાડેજા એ મેશોજી સોઢા જેવા પીઢ આગેવાન સાથે રહીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યાર થી જ ભાજપમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો. 

રેલડી ખાતે જયંતિ ડુમરાના ફાર્મ હાઉસમાં મિટિંગ થઈ  નલિયા સામુહિક દુષ્કર્મના કાંડથી ચર્ચામાં આવેલા ભુજ પાસેના  રેલડી ગામના જયંતિ ઠક્કર ડુમરાની વાડીમાં ચુડાસમાએ અપક્ષ ઉમેદવાર હકૂમતસિંહ જાડેજા સાથે મિટિંગ કરી હતી. હકુમતસિંહ જાડેજાને રાપર બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના માધ્યમથી બોલાવવામાં આવ્યા હતા. તેમની સાથે કચ્છના MP વિનોદભાઈ ચાવડા ઉપરાંત મેશોજી સોઢા પણ હાજર રહ્યા હતા. ભાજપ સાથેના જુના સંબંધો ઉપરાંત ક્ષત્રિય સમાજની વાત કરીને ચુડાસમાએ હકૂમતસિંહ જાડેજાને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો હતો. પરંતુ પી.એમ.જાડેજાની  કિન્નાખોરીને લીધે દાઝેલા હકુમતસિંહ જાડેજા છેવટ સુધી માન્યા ન હતા. છેવટે ભાજપના દિગ્ગજ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને નિરાશ પાછા ફરવું પડ્યું હતું. 

અમિત શાહ અને પાટીલનો કોન્ફરન્સ કોલ થયો અને પ્લેન કચ્છ માટે ઉડ્યું :- ગુજરાત સરકારના પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કચ્છની અબડાસા બેઠકના અપક્ષ ઉમેદવાને મનાવવા માટે તાત્કાલિક ચાર્ટર્ડ પ્લેનમાં કચ્છ દોડવું પડ્યું હતું તેની પાછળ અમિત શાહ અને સી.આર.પાટીલનો એક કોન્ફરન્સ કોલ જવાબદાર હતો. ગુજરાત સહીત કચ્છની બેઠકોમાં ભાજપને જે પરિબળો નડી રહ્યા છે તેને લઈને અમિત શાહ અને ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત વચ્ચે કોલ થયો હતો. જેમાં પાછળથી રાપરના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને અને ભુપેન્દ્રસિંહને એડ કરવામાં આવ્યા હતા. અને તેમને ગમે તેમ કરીને હકૂમતસિંહ જાડેજાને જયંતિ ડુમરાના રેલડી ફાર્મ હાઉસ ઉપર લઇ આવવાની સૂચના આપવામાં આવી હતી. અને ત્યારબાદ ચુડાસમા ચાર્ટર્ડ પ્લેનમાં કચ્છ આવી પહોંચ્યા હતા. 

ઉલ્લેખની છે કે, ભાજપ ભલે જાહેરમાં દાવો ઠોકતો હોય કે આ વખતે પણ તેમને સ્પષ્ટ બહુમતી મળશે અને સરકાર તેઓ બનાવશે. પરંતુ આ વખતે મતદારો તો ઠીક ખુદ તેમના પક્ષમાં જ એટલે આંતરિક અસંતોષ અને જાતિગત સમીકરણ એટલા અઘરા છે કે, આ વખતે કંઈપણ થઈ શકે છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો અહીં ચૂંટણીની તારીખો પહેલાથી જ ભાજપમાં અજંપાભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને, વિધાનસભાની એક નંબરવાળી અબડાસા બેઠક ઉપર આ વખતે ભાજપને લોઢાના ચણા જેવી સ્થિતિ છે. કારણ કે અહીં, કોંગ્રેસમાંથી વટલાઈને આવેલા પ્રદ્યુમનસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. પેટા ચૂંટણીમાં વિક્રમી સરસાઈ સાથે ચૂંટાઈ આવેલા પી.એમ.જાડેજા સામે તેમના સમાજમાં તથા ભાજપના આંતરિક સર્કલમાં નારાજગી હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.