'એ અમિત કાકા કાયમી ભરતી કરજો' , જાણો શા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદની તિરંગા યાત્રાનો વિડ્યો વાયરલ થઇ રહ્યો છે, જુઓ વિડીયો
સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલાં તિરંગા યાત્રાનું આયોજન થયેલું જેના ભાગરૂપે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી
WND Network.Ahmedabad : દેશના સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલાં ગુજરાત રાજ્યના ચાર મહાનગરમાં ભાજપ સરકાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આજે મંગળવારે 13 ઓગસ્ટના રોજ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તેમની આ રેલી દરમિયાનનો એક વિડીયો X સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો જોવા મળે છે. વિદ્યાર્થી આગેવાન નેતા યુવરાજસિંહ જાડેજાના હેન્ડલ ઉપર આ વિડીયો જોવા મળી રહ્યો છે. જેમાં એક યુવાન અમિત શાહને 'કાયમી ભરતી કરજો' તેવું કહી રહ્યો હોય તેવું દેખાય - સંભળાઈ રહ્યું છે. યુવરાજસિંહ જાડેજાની આ પોસ્ટને આ લખાય રહ્યું છે ત્યાં સુધી સો થી પણ વધુ લોકોએ રીપોસ્ટ કરી છે. અને દસ હજારથી પણ વધુ લોકોએ તેને નિહાળ્યો છે.
સાંજે પાંચેક વાગ્યાના અરસામાં અમદાવાદના વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા શરુ થઇ હતી. તે દરમિયાનનો આ વિડ્યો હોવાનું માનવામાં આવી રહ્યો છે. આ રેલીમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહિતના ભાજપના નેતાઓ અને લોકોએ ભાગ લીધો હતો. જો કે વિડીયો રેલીના રૂટ ઉપર કઈ જગ્યાનો છે તે ખ્યાલ નથી આવી રહ્યો. ગૃહમંત્રી અમિત શાહને 'કાકા' કહીને બૂમો પાડી રહેલો યુવાન કોણ છે તે પણ જાણી શકાયું નથી. આપને યાદ કરાવી દઈએ કે લોકસભા ચૂંટણી વખતે પણ આવો એક વિડ્યો વાયરલ થયો હતો જેમાં એક યુવાન આ રીતે જ અમિત કાકા કહીને બૂમો પાડી રહ્યો હતો. જેના પ્રતિસાદમાં શાહ હસ્યા હતા અને તેમનો હાથ પણ દેખાડ્યો હતો.
પેપર લીક અને ભરતીની બબાલ વચ્ચે વિડીયો સૂચક : ગુજરાતમાં લાંબા સમયથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા યુવાનો પેપર લીક તેમજ કાયમી ભરતીને લઈને દેખાવો પ્રદર્શન કરી રહયા છે તેવામાં આ પ્રકારનો વિડીયો યુવરાજસિંહ જાડેજા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટને લઈને લોકો પણ અજબ ગજબની કોમેન્ટ કરી રહ્યા છે.