Kutch : સોપારી તોડકાંડમાં ફરાર પોલીસ કર્મચારીની પત્નિની ફરિયાદને પગલે ગાંધીધામ કોર્ટે DGP પાસે રિપોર્ટ માંગ્યો, તોડકાંડના આરોપી પંકીલને હાઇકોર્ટેમાંથી જામીન મળ્યા

ફરિયાદના ચાર-ચાર મહિના પછી પણ કરોડો રૂપિયાના તોડકાંડમાં સંડોવાયેલા પોતાના જ બે પોલીસ કર્મચારીને કચ્છ પોલીસ પકડી શકી નથી

Kutch : સોપારી તોડકાંડમાં ફરાર પોલીસ કર્મચારીની પત્નિની ફરિયાદને પગલે ગાંધીધામ કોર્ટે DGP પાસે રિપોર્ટ માંગ્યો, તોડકાંડના આરોપી પંકીલને હાઇકોર્ટેમાંથી જામીન મળ્યા

WND Network.Bhuj (Kutch) : મહિનાઓથી જેની તપાસ ચાલી રહી છે તેવા કચ્છના બહુ ચર્ચિત એવા સોપારીની દાણચોરી અને ત્યારબાદના 5 કરોડના તોડકાંડમાં ધીમે ધીમે મામલો સમેટાઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એક તરફ જયાં કરોડો રૂપિયાના તોડકાંડમાં જેને વચેટીયો ગણીને જેલમાં ફીટ કરી દેવામાં આવ્યો હતો તે પંકીલ મોહતાને ગુજરાત હાઇકોર્ટે જામીન ઉપર જેલમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ત્યાં બીજી તરફ કચ્છની ઝાંબાઝ પોલીસ તોડકાંડના આરોપી એવા બે પોલીસ કર્મચારીને ચાર-ચાર મહિનાનો લમ્બો સમય થઈ છતાં પકડી શકી નથી. આટલું ઓછું હોય તેમ ફરાર પોલીસ કર્મચારીની પત્નિએ કોર્ટમાં કરેલી ફરિયાદને પગલે ગાંધીધામની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે પોલીસની વર્તણુંક અંગે રાજ્યના પોલીસ વડા DGP પાસે રિપોર્ટ માંગીને કોર્ટમાં રજુ કરવાનો આદેશ કર્યો છે. 

સોપારીકાંડના આરોપી એવા ચાર પોલીસ કર્મચારી પૈકીના ફરાર રણવીરસિંહ ઝાલાના પત્ની કૈલાશબા ઝાલાએ ગાંધીધામની કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, રાજ્યના પોલીસ વડા DGP તેમજ પૂર્વ કચ્છના એસપી સમક્ષ તેમણે પોલીસ તપાસ અંગે રજૂઆત કરી હતી. તેમ છતાં તેમની અરજી ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. રણવીરસિંહ ઝાલાના પત્ની કૈલાશબા ઝાલાની ફરિયાદને પગલે ગાંધીધામના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.ડી.પરમાર દ્વારા કૈલાશબા ઝાલાની ફરિયાદ-અરજી અંગે પોલીસે શું કાર્યવાહી કરી છે તે અંગેનો DGP પાસે રિપોર્ટ માંગ્યો છે. અને તે રિપોર્ટ કોર્ટને અચૂક મળી જાય તેવી લેખિતમાં સૂચના આપી છે. DGPના રિપોર્ટ બાદ ગાંધીધામની કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું ગાંધીધામના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ જણાવ્યું હતું. 

આ ચકચારી પ્રકરણના અન્ય એક ઘટનાક્રમમાં, જેની સામે કરોડો રુપિયાના તોડકાંડમાં વચેટિયા હોવાનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો તે ગાંધીધામના યુવા બિઝનેસમેન પંકીલ સુનિલભાઈ મોહતાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં ચાર-ચાર મહિનાનો લાંબો સમયગાળો પસાર થઇ ગયો હોવા છતાં કચ્છની ઝાંબાઝ પોલીસ હજુ સુધી ફરાર બે પોલીસ કર્મચારી ASI રણવીરસિંહ ઝાલા તેમજ હેડ કોન્સ્ટેબલ ભરત ગઢવીને પકડી શકી નથી. આ બંને પોલીસ કર્મચારી બોર્ડર રેન્જના સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા હતા. તોડકાંડમાં આ બંને પોલીસ કર્મચારી સહીત ચાર પોલીસવાળા અને અન્ય બે વ્યક્તિના નામ બહાર આવ્યા બાદ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે બોર્ડર રેન્જ આઇજી દ્વારા સઘન તપાસ એ હેતુથી એક વિશેષ તપાસ દળ એટલે કે સ્પેશ્યિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના પણ કરવામાં આવેલી છે. છતાં બે પોલીસ પોલીસ કર્મચારી હજુ સુધી પકડાયા નથી. 

કોર્ટ હસ્તક્ષેપ કરે પછી જ પોલીસે હરકતમાં આવવાનું ? : કચ્છના સોપારી કાંડના (Kutch Betel Scam) કરોડો રૂપિયાના તોડકાંડમાં આરોપી એવા પોલીસ કર્મચારીના પત્નીએ પહેલા પૂર્વ કચ્છના એસપી અને રાજ્યના પોલીસ વડા DGP સમક્ષ પોલીસ તપાસને લઈને ફરિયાદ કરી હતી. પરંતુ ગુજરાત પોલીસ દ્વારા આ મામલે કોઈ હરકત ન થઇ હોવાનું ધ્યાનમાં આવતા પોલીસ કર્મચારીના પત્ની કૈલાશબા ઝાલાએ ગાંધીધામની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં ગાંધીધામ કોર્ટ દ્વારા ગુજરાતની પોલીસ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આવું જ કઈંક તોડકાંડમાં વચેટિયા હોવાનો ગુન્હો નોંધાયો છે તેવા પંકીલ મોહતાની માતા સાથે પણ થયું હતું. જેમાં પંકીલના માતા લાજવંતીબેન સુનિલભાઈ મોહતાએ તા. 30/10/2023ના રોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં અરજી કરીને રાજકીય આગેવાનો તેમજ ભ્ર્ષ્ટ પોલીસ કર્મચારીઓ અંગે ફરિયાદ કરી હતી. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ કે નહીં તે બહાર આવ્યું નથી. જેનો સીધો અર્થ એવો થાય છે કે, જો કોર્ટમાં ફરિયાદ થાય અને કોર્ટ હસ્તક્ષેપ કરે તો જ પોલીસ હરકતમાં આવે છે. 

તોડકાંડની તપાસમાં ગુજરાત પોલીસના બેવડા માપદંડ, જૂનાગઢમાં ATS અને કચ્છમાં લોકલ પોલીસ : કરોડો રૂપિયાના તોડકાંડને પગલે ગુજરાત પોલીસ ઉપર લાંછન લાગી રહ્યું છે. તેમ છતાં તેની તપાસમાં અલગ અલગ માપદંડ રાખવામાં આવી રહ્યા છે. જૂનાગઢના ચકચારી તોડકાંડમાં ગુજરાત પોલીસ તરત જ હરકતમાં આવીને સાયબર ક્રાઇમ તેમજ SOGમાં રહીને તોડ કરી રહેલા પોલીસ કર્મચારીઓની તપાસ ગુજરાતના એન્ટી ટેરરિસ્ટ સ્કોડ (ATS)ને સોંપવામાં આવે છે. જયારે કચ્છના પાંચ કરોડના તોડકાંડમાં તપાસ લોકલ લેવલે બોર્ડર રેન્જમાં જ રાખવામાં આવે છે. કચ્છના તોડકાંડમાં સંડોવાયેલા ચારેય કર્મચારી બોર્ડર રેન્જના સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમણે કરોડો રૂપિયાનો તોડ કર્યો હતો. આ કેસમાં હજુ બે પોલીસ કર્મચારી ફરાર છે. જો જૂનાગઢની જેમ કચ્છનું પ્રકરણ પણ ગુજરાત ATSને સોંપી દેવામાં આવ્યું હોત તો કદાચ આ કેસમાં પણ જૂનાગઢની જેમ જ પ્રગતિ જોવા મળતી તેવું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.