Kutch : માંડવીનાં ધારાસભ્ય અનિરુદ્ધ દવેની અનોખી પહેલ, દરિયા કિનારે સમરસ સત્ય નારાયણના કથાકાર બનીને જ્ઞાતિ બંધન તોડવા કથાનું રસપાન કરાવ્યું
જુદા જુદા 21 સમાજ-જ્ઞાતિના 28 નવ દંપતી સહિતના લોકોને જ્ઞાતિવાડો તોડવા માટે કથા થકી સમજાવ્યા
WND Network.Mandvi (Kutch) : વ્યવસાયે વકીલ એવા કચ્છની માંડવી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ તાજેતરમાં સમાજની જુદી જુદી 21 જ્ઞાતિઓના લોકો સમક્ષ સમરસ સત્યનારાયણનું રસપાન કરાવીને જ્ઞાતિવાડા તોડવાની અપીલ કરી હતી. માંડવીના દરિયા કિનારે યોજાયેલી આ કથામાં MLA અનિરુદ્ધ દવે કથાકાર તરીકે પ્રસ્તુત થયા હતા, જે કદાચ પહેલી ઘટના હશે. મુઘલકાળમાં ભારતીય સમાજને જુદા જુદા સમાજ અને જ્ઞાતિને અલગ પાડવાનું જે કાવતરું કરવામાં આવ્યું હતું તેને તોડવા માટેનો તેમનો આ એક નાનકડો પ્રયાસ હોવાનું તેમણે કથા દરમિયાન જણાવ્યું હતું.
કચ્છના માંડવીના દરિયા કિનારે આયોજિત કરવામાં આવેલી આ સમરસ સત્યનારાયણની કથામાં વાલ્મિકી, કોળી, મહેશ્વરી, જોગી, જૈન, દરજી, મોચી, સઇ-સુથાર વગેરે જેવા વિવિધ સમાજ અને જ્ઞાતિમાંથી આવતા લોકો સમક્ષ તેમને સત્યનારાયણની કથામાં સમરસતાનો જે મૂળ હાર્દ છે તેને કથા સ્વરૂપે સમજવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષો પહેલા જ્ઞાતિઓના વાડા ઉભા કરીને ભારતીય સમાજને વિભાજીત કરવામાં આવ્યો હતો તેને ફરીથી જોડી ભારતના વિકાસ માટે એક થવા તેમણે અપીલ કરી હતી. ધર્મની સાથે સાયન્સને જોડીને તેમણે સમુદ્રમાં સ્નાન કરવાથી કેવો ફાયદો થાય છે તે સરળ ભાષામાં સમજાવ્યું હતું. કથા દરમિયાન 21 સમાજના અન્ય લોકોની સાથે સાથે 28 નવ દંપતીના જોડા ઉપસ્થિત રહ્યા હતા.
સ્વચ્છતા અભિયાનથી માંડીને દર રવિવારે ગ્રુપમાં સાયકલ સવારી અને પ્રદુષણ અટકાવવાની વિવિધ પ્રવુત્તિઓની સાથે સાથે કથાકાર તરીકે પ્રસ્તુત થઈને લોકોને સામાજિક એકતાનું મહત્વ સમજવતા માંડવીના ધારાસભ્યનું આ વધુ એક અલગ સ્વરૂપ જોવા મળ્યું હતું.