મૂળ કચ્છના બે IPS પણ કરાઇ પોલીસ એકેડેમીનાં 'ઘોડી' ટ્રેપ વિવાદમાં સામેલ ? જાણો શું ચાલી રહ્યું છે સમગ્ર પ્રકરણમાં...

યુવતી અને IPS ઓફિસર્સનું સમાધાન કરવામાં એક રેન્જ IG એ ભૂમિકા ભજવી હોવાની પણ ચર્ચા

મૂળ કચ્છના બે IPS પણ કરાઇ પોલીસ એકેડેમીનાં 'ઘોડી' ટ્રેપ વિવાદમાં સામેલ ? જાણો શું ચાલી રહ્યું છે સમગ્ર પ્રકરણમાં...

WND Network.Gandhinagar : ગુજરાત પોલીસ બેડામાં ચકચારી બનેલા પ્રકરણમાં જે IPS અધિકારીઓ સંડોવાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે તેમાં મૂળ કચ્છના પોલીસ અધિકારી હોવાની વાત બહાર આવી છે. અત્યાર સુધી સત્તાવાર રીતે આ મામલે રાજ્ય સરકાર કે પોલીસ દ્વારા કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. જેને કારણે સૌ કોઈ પોત પોતાની રીતે અનુમાન કરી રહ્યા છે. ખરેખર તો સરકારે સામેથી આ મામલે ખુલાસો કરવો જોઈએ. પરંતુ એવું થયું નથી. રાજ્યકક્ષાના ગૃહમંત્રીથી માંડીને ગુજરાતના ડીજીપી અને કરાઈ પોલીસ એકેડેમીનો સંપર્ક કરવા છતાં કોઈ આ મામલે બોલવાનું તો ઠીક પરંતુ વાત કરવા પણ તૈયાર નથી. 

જે છ IPS ઓફિસરની ઇંદોરની યુવતી સાથે મિત્રતાની વાત ચાલી રહી છે તેમાં ત્રણ ઓફિસર DCP તરીકે અને ત્રણ SP તરીકે ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. જેમાં ત્રણ અધિકારી સીધી ભરતીના IPS ઓફિસર છે. જયારે બાકીના ત્રણ IPS કેડરમાં પ્રમોશનથી આવેલા છે. મૂળ પશ્ચિમ કચ્છનાં બે IPSનું નામ 'ઘોડી' ટ્રેપ વિવાદમાં આવવાને પગલે કચ્છના પોલીસ બેડામાં પણ હાલ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. 

મામલાની શરૂઆત અમદાવાદના એક અંગ્રેજી અખબાર 'અમદાવાદ મિરર'માં આવેલી ન્યૂઝ સ્ટોરીથી થઈ હતી. જેમાં સિનિયર જર્નાલિસ્ટ સરફરાઝ શેખ દ્વારા આ ન્યૂઝ બ્રેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તો મેઇનસ્ટ્રીમના તમામ અખબારો અને ન્યૂઝ ચેનલ દ્વારા આ સ્ટોરીને કવર કરવામાં આવી હતી. જેમાં ઇંદોરની એક યુવતી ગાંધીનગરની પાસે આવેલા કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડેમીમાં ઘોડેસવારી શીખવા આવેલી ઇંદોરની એક યુવતીએ મિત્રતા કેળવીને ગુજરાતના છ IPS અધિકારીઓને ફસાવી કરોડો રૂપિયા ખંખેરી લીધા બહાર આવ્યું હતું. જેને પગલે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કરાઈ 'ઘોડી' ટ્રેપના આ મામલામાં એકેડેમીના ડેપ્યુટી ડિરેક્ટર એવા મહિલા IPS ઓફિસર સુજાતા મજમુદાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સમગ્ર ઘટના ખરેખર સાચી છે કે ખોટી, અથવા તો આ મામલે હાલ શું ચાલી રહ્યું છે તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP આશિષ ભાટિયા તથા કરાઈ પોલીસ એકેડેમીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની સાથે વાતચીત થઈ શકી ન હતી. 

સૌથી મોટો પ્રશ્ન, યુવતીને કરાઈની મંજૂરી કોણે આપી ? :- દરેક જિલ્લા તથા કમિશનોરેટ એરિયામાં પોલીસ સિવાયની વ્યક્તિ એટલે કે સીવીલીયનને ઘોડેસવારી માટે તાલીમ આપવામાં આવે છે. પરંતુ કરાઈની પોલીસ એકેડેમીમાં પોલીસ સિવાયના કોઈપણ વ્યક્તિને આવી કોઈ જ તાલીમ આપવામાં આવતી નથી. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, કોની ભલામણથી ઇંદોરની યુવતીને ઘોડેસવારી કરવા માટે મંજૂરી આપવામાં આપી હતી. હનીટ્રેપના મામલાની સાથે સાથે આ મુદ્દે પણ તપાસ દરમિયાન કસૂરવાર નીકળનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી થાય તેવી સંભાવના છે. સૂત્રોનું માનીએ તો  ભૂતકાળમાં કરાઈ એકેડેમી ખાતે ફરજ પણ બજાવી ચૂકેલા એક IPS ઓફિસરની ભલામણથી યુવતીની એકેડેમીમાં એન્ટ્રી થઈ હતી. જે હાલ એક જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. 

PSIની મદદથી રેન્જ IG એ યુવતી-IPSનું સેટલમેન્ટ કર્યું ?  સૂત્રોનું માનીએ તો, કરાઈ એકેડેમી ખાતે ઇંદોરની યુવતીએ હોર્સ રાઇડિંગની આડમાં પોલીસ અધિકારીઓ સાથે ફ્રેન્ડશીપ કરીને પાછળથી રૂપિયાની માંગણી કરતા આઇપીએસ ધ્રુજી ગયા હતા. ત્યારબાદ મામલો સેટલ કરવા માટે એક રેન્જ આઇજીને મિડિયેટર તરીકે રાખવામાં આવ્યા હતા. જેની ગોઠવણ કરાઈ એકેડેમીમાં ફરજ બજાવતા એક સબ ઇન્સ્પેટરે કરી આપી હતી. રૂપિયા આપ્યા પછી યુવતીને આડકતરી રીતે ધમકાવી ગુજરાત છોડી દેવા માટે પણ કહેવામાં આવ્યું હોવાનો દાવુ સૂત્રો કરી રહ્યા છે. 

કચ્છના સફેદ રણમાં મહિલા ઇન્સ્પેક્ટર સાથે આવેલા IPS ઘોડી ટ્રેપમાં પણ આવ્યા :- મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે કચ્છના સફેદ રણમાં ફરવા આવવાને કારણે ચર્ચામાં આવેલા સીધી ભરતીના IPSનું નામ કરાઈના ઘોડીટ્રેપમાં પ્રકરણમાં પણ આવ્યું છે. થોડા સમય પહેલા કચ્છના વ્હાઇટ રણમાં એક આઇપીએસ ઓફિસર તેમના જિલ્લાની જ એક મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરને લઈને ખાનગી વિઝિટમાં આવ્યા હતા. જે છ IPSનું નામ કરાઈ પ્રકરણમાં આવે છે તેમાં આ અધિકારી પણ સામેલ છે. એકાદ-બે ઓફિસર સિવાયના આઇપીએસ અધિકારી અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારમાં જ ફરજ બજાવે છે.