Ahmedabad Traffic Police Bribe Case : વર્લ્ડકપની મેચ વેળાએ થયેલા તોડકાંડના રૂપિયા પોલીસે પરત કરાવ્યા, શું પોલીસ બધા તોડકાંડમાં આ રીતે રૂપિયા પાછા અપાવશે ?

દિલ્હીના વ્યક્તિ પાસેથી દારૂની બોટલ મળી આવતા નાના ચિલોડા ટ્રાફિક પોઇન્ટના પોલીસ કર્મચારીઓએ કેસ ન કરવાના બહાને તોડ કરેલો

Ahmedabad Traffic Police Bribe Case : વર્લ્ડકપની મેચ વેળાએ થયેલા તોડકાંડના રૂપિયા પોલીસે પરત કરાવ્યા, શું પોલીસ બધા તોડકાંડમાં આ રીતે રૂપિયા પાછા અપાવશે ?

WND Network.Ahmedabad : વર્લ્ડકપની મેચ વેળાએ થયેલા તોડકાંડના રૂપિયા અમદાવાદ પોલીસ દ્વારા પરત કરાવવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસના DCP IPS સફિન હસન દ્વારા મીડિયા સમક્ષ આ જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના વ્યક્તિ દ્વારા આ મામલામાં ફરિયાદ કરવામાં આવે તે માટે એક ACP રેન્કના પોલીસ ઓફિસરને દિલ્હી મોકલવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. પોલીસને શરમજનક સ્થિતિમાં મૂકી દેનારી આ ઘટના બાદ અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને સંડોવાયેલા TRBના જવાનની માનદ સેવાઓ પણ સમાપ્ત કરી દેવામાં આવી હતી. રવિવારે વર્લ્ડકપની ફાઇનલ મેચ પુરી થયા બાદ દિલ્હીના વ્યક્તિ પાસેથી દારૂની બોટલ મળી આવતા નાના ચિલોડા ટ્રાફિક પોઇન્ટના પોલીસ કર્મચારીઓએ કેસ ન કરવાના બહાને વીસ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. અમદાવાદ પોલીસ દ્વારા આ મામલામાં કરવામાં આવેલી ત્વરિત એક્શનપેક કાર્યવાહી માટે અભિનંદનને પાત્ર છે. અલબત્ત અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની કાર્યવાહી રાજ્યમાં અન્ય જગ્યાએ પણ કરવામાં આવશે કે કેમ તે એક મોટો યક્ષ પ્રશ્ર્ન છે. 

દિલ્હીના વ્યક્તિને નાના ચિલોડા સર્કલ પાસે ઉભેલા પોલીસના અને TRBના જવાનો દ્વારા ફાઇનલ મેચ બાદ કારમાં પસાર થતા અટકાવીને તેનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કારમાંથી એક ઈમ્પોર્ટેડ વોડકા દારૂની બોટલ મળી આવી હતી. જેને લઈને પોલીસે તેમનો તોડ કર્યો હતો. આ અંગેનો વિડિઓ મીડિયામાં વાયરલ થતા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક હરકતમાં આવ્યા હતા. અને તપાસ ટ્રાફિક DCP સફીન હસનને સોંપવામાં આવી હતી. જેમાં એક તબક્કે દિલ્હીના વ્યક્તિએ ફરિયાદની ના પાડવા છતાં પોલીસે કડક કાર્યવાહી કરીને તેમના નાણાં પરત અપાવ્યા હતા. પોલીસ આ અમલ દિલ્હીના આ વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવે અને ઘટનાના મૂળ સુધી પહોચી શકાય તે માટે ACP રેન્કના એક પોલીસ ઓફિસરને દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, માત્ર અમદવાદમાં જ નહીં પરંતુ ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ પોલીસ દ્વારા આ પ્રકારનો તોડ કરવામાં આવતો હોય છે. પરંતુ અમદાવાદ જેવા શહેરમાં આવી ઘટના તરત હાઈલાઈટ થઇ જતી હોય છે. અન્યથા કરોડો રૂપિયાનો તોડ કરનારી ઘટનામાં ગુજરાત પોલીસ દ્વારા મહિનાઓ પછી અને તે પણ દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જો તોડની ઘટનામાં રકમ હજારોમાં હોય અને સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ કોન્સ્ટેબલ કે PI - PSI લેવલના હોય તો ઝડપી પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ જો તોડની રકમ કરોડોમાં હોય અને તેમાં પણ જો કોઈ IPS ઓફિસરની ભૂમિકાને લઈને આક્ષેપો થતા હોય ત્યારે રાજ્યનું ગૃહ વિભાગ ભેદી રીતે ચૂપકેદી સેવી લેતું હોય છે. કચ્છમાં સોપારીની દાણચોરી ઘટનામાં થયેલો 3.75 કરોડનો તોડ તેનું લેટેસ્ટ ઉદાહરણ છે.